ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચારઃ માવઠાથી થયેલી નુકસાનીનો સરવે કરાશે
બે દિવસમાં પ્રાથમિક સરવે કરી રિપોર્ટ આપવા જિલ્લાના અધિકારીઓને કૃષિ વિભાગનો આદેશ

કમોસમી વરસાદથી કેરી, ચીકુ જેવા બાગાયતી પાક અને મગ, તલ જેવા ઉનાળુ પાકને નુકસાન

કમોસમી વરસાદથી કેરી, ચીકુ જેવા બાગાયતી પાક અને મગ, તલ જેવા ઉનાળુ પાકને નુકસાન
ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. બાગાયતી અને ઉનાળુ પાકને નુકસાન થયુ હોવાની સંભાવનાએ કૃષિ વિભાગે પ્રાથમિક સરવે કરવા આદેશ આપ્યો છે. પ્રાથમિક સરવે કરી બે દિવસમાં રિપોર્ટ આપવ કૃષિ વિભાગે જણાવ્યુ છે. પ્રાથમિક સરવેનો રિપોર્ટ રજૂ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય અંગે નિર્ણય લેવામાં આવશે. કમોસમી વરસાદના કારણે કેરી, ચીકુ જેવા બાગાયતી પાક અને મગ, તલ જેવા ઉનાળુ પાકને નુકસાન થયાનો અંદાજ છે.
છેલ્લાં સપ્તાહ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ખાસ કરીને બાગાયતી પાકમાં મોટાપાયે નુકસાન થયું છે. ખેડૂતોની રજૂઆતના કારણે કૃષિ વિભાગે પાક નુકસાનીનો પ્રાથમિક સરવે કરવા જિલ્લાના અધિકારીઓને આદેશ આપ્યો છે. કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બે દિવસમાં પ્રાથમિક રીપોર્ટ સબમિટ કર્યા બાદ આગામી સપ્તાહમાં ફાઇનલ રિપોર્ટ સબમિટ કરાશે. સરવેની કામગીરી SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) ના નિયમો હેઠળ કરવામાં આવશે. કૃષિ પાકમાં 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તેવા ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તેવી શક્યતા છે.
જામનગર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને સુરતના કેટલાક તાલુકામાં પડેલા કમોસમી વરસાદના કારણે કેરી અને કેટલાક ફળ પાકોને નુકશાન થયું છે. ભારે પવનના કારણે કેટલાક જિલ્લામાં બાગાયતી ઝાડ ધરાશાયી થતાં નુકસાન થયુ છે. કેટલીક જગ્યાએ વરસાદના પાણીથી બાગાયતી છોડ કોહવાઈ ગયા છે. કેરીના પાક માટે આ સમય મહત્વનો હોય છે. પરંતુ ખેડૂતો માટે દરેક સિઝવમાં માવઠું માથાનો દુઃખાવો બની ગયું છે.
રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના કૃષિ અધિકારીઓ અને તાલુકા કક્ષાના કર્મચારીઓના માધ્યમથી દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં નુકશાનના પ્રાથમિક આંકડા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો તરફથી થયેલી રજૂઆતો બાદ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. જિલ્લા કક્ષાએથી મળતા અહેવાલના આધારે આગામી દિવસોમાં સહાય અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
રાજ્ય સરકાર કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન અંગે ગંભીર છે. સોમવારે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં નુકસાનીના સરવેની પ્રક્રિયા ઝડપી પૂરી કરવા અને ખેડૂતોને સમયસર સહાય આપવાની દિશામાં સૂચનાઓ આપી છે. પાક નુકસાનીના સરવે અંગે સરકાર તરફથી કલેક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?