

હવે કર્ણાવતી એક્સપ્રેસ નવસારી સ્ટેશને પણ ઊભી રહેશે
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ PMના નિવાસસ્થાનની બહાર રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા
પીએમના નિવાસસ્થાન પાસે કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન
સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
સુરતમાં ડુપ્લિકેટ સાબુ અને કોસ્મેટિક્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
રાજ્યના 28 IAS ની બદલીના આદેશ અને રાજ્યના GAS કેડરના 13 અધિકારીઓની બદલી
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં મેકડોનાલ્ડ્સમાં ચોંકાવનારી બેદરકારી
કચ્છ દરિયા કાંઠે હાઈવેવ એલર્ટ જાહેર
સિક્કિમમાં ટનલ દુર્ઘટના: ભૂસ્ખલન અને ગેસ બ્લાસ્ટમાં 7 શ્રમિકોના મોત
કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન ખાતે મંજૂર કરાયું નવું સ્ટોપેજ. સ્થાનિકો અને દૈનિક પ્રવાસીઓની વર્ષો જૂની માંગણીને આખરે રેલવે બોર્ડ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. વલસાડ સુધી ચાલતી બોરીવલી-વલસાડ મેમૂ (69139) સેવાને હવે સુરત સુધી વિસ્તારવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી સફળતા મેળવી. સુરત અને મુંબઈ તરફ જવા-આવવા માટે દક્ષિણ ગુજરાતના નાગરિકોની મુસાફરી વધુ સરળ બનશે. વંદે ભારત એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ જેવી પ્રખ્યાત ટ્રેનોના સ્ટોપેજ અંગે પણ ટૂંક સમયમાં હકારાત્મક સમાચાર મળી શકે છે.
વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે PMના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠા છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ તેમની સાથે વાત કરવા પહોંચ્યા, બંને નેતાઓએ વાતચીત કરી
વિપક્ષ કોંગ્રેસ પાર્ટી, પેપર લીકના મુદ્દા પર, મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત અનેક અગ્રણી નેતાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા કર્યા છે.
લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.બપોરે 2 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે પણ હંગામો ચાલુ રહ્યો. અધ્યક્ષ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવા માટે વારંવાર અપીલ કરવા છતાં, વિપક્ષી સભ્યો અડગ રહ્યા. હંગામાને કારણે, બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.
સુરતના અમરોલીમાં ડુપ્લિકેટ સાબુ અને કોસ્મેટિક્સ બનાવતી ફેક્ટરી પર પોલીસનો દરોડો વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાંથી નામાંકિત કંપનીના નામે બોગસ પેકેજિંગનો પર્દાફાશ થયો પોલીસે 650 KOJIC SOAP અને 1,000 MAGIC SOAP સહિત રૂ. 1.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ઉતરાણના જેમીલ ભરોળીયાની ધરપકડ કરી કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
રાજ્ય સરકારે 28 IAS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જાહેર કરતાં અનેક જિલ્લાઓ અને સરકારી વિભાગોમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરવામાં આવી છે અને સ્મિત લોઢાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. GEDAના ડાયરેક્ટર ગૌરાંગ મકવાણાની UGVCLમાં બદલી કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર પ્રભવ જોષીની GIDCમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પોરબંદરના મ્યુનિસિપલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે મોકલવામાં આવ્યા છે. સાથે જ રાજ સુથારને પોરબંદરના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અને I. R. વાળાને જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદના નરોડાના મેકડોનાલ્ડમાં વેજ બર્ગરના ઓર્ડરમાં નોનવેજ બર્ગર ડિલિવર થતાં વિવાદ ગ્રાહકે ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી કોર્પોરેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી ઘટનાને લઈને ફૂડ સેફ્ટી અને ગુણવત્તા નિયંત્રણ અંગે સવાલો ઉઠ્યા
NDEMના પોર્ટલ INCOIS દ્વારા કચ્છના દરિયા કાંઠે હાઈવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 21 અને 22 જુલાઈ દરમિયાન દરિયામાં 3.6 મીટર સુધી ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો, બોટ સંચાલકો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા તેમજ બિનજરૂરી રીતે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
સિક્કિમના નામચી જિલ્લાના મામરિંગ વિસ્તારમાં આવેલી નિર્માણાધીન સમરદુંગ સુરંગમાં મિથેન ગેસ બ્લાસ્ટ બાદ ભારે ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે 20થી વધુ શ્રમિકો હજુ પણ સુરંગમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. ભૂસ્ખલનના કારણે સુરંગનો એક તરફી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વ્યાપક કાટમાળને કારણે રાહત અને બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની છે. ગેસની હાજરીને કારણે રેસ્ક્યૂ માટે પહોંચેલા કેટલાક વર્કર્સ પણ બેભાન થઈ ગયા હોવાના અહેવાલ છે. હાલ NDRF અને SDRFની ટીમો સતત બચાવ કામગીરીમાં જોડાઈ છે અને ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે.
Loading Comments...