અમદાવાદમાં અચાનક હથિયારબંધી!
35 વિસ્તારોમાં તલવાર-છરી પર રોક, પરંતુ આ 14 વિસ્તારોને કેમ મળી છૂટ?

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad Police Weapon Ban Notification: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હથિયારબંધી અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદના પસંદગીના 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 18 ઓગસ્ટ 2026થી 1 સપ્ટેમ્બર 2026 સુધી હથિયારબંધી લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન તલવાર, છરી, ચપ્પુ, ધારિયા, ખંજર સહિતના ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરવા તેમજ પથ્થરો એકઠા કરવા કે પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે, આ વખતે સમગ્ર અમદાવાદ શહેરમાં એકસમાન હથિયારબંધી લાગુ કરવામાં આવી નથી. શહેરના કેટલાક મહત્વના અને પોશ ગણાતા 14 પોલીસ સ્ટેશન વિસ્તારોને જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના આ નવા નિર્ણયની શહેરમાં ચર્ચા શરૂ થઈ છે.
35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયારબંધી લાગુ
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સોલા, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, રાણીપ, ચાંદખેડા, શાહીબાગ, માધવપુરા, સરદારનગર, મેઘાણીનગર, કૃષ્ણનગર, નિકોલ, નરોડા, ઓઢવ, વટવા, વટવા GIDC, ઈસનપુર, દાણીલીમડા, કાગડાપીઠ, કાલુપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, કારંજ, ગાયકવાડ હવેલી, ગોમતીપુર, અમરાઈવાડી, રખિયાલ, બાપુનગર, રામોલ, નારોલ, વેજલપુર, સરખેજ, શહેરકોટડા અને મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધ અમલી રહેશે. આ વિસ્તારોમાં જાહેર સ્થળે ઘાતક હથિયારો સાથે ફરવા, શસ્ત્રોનું પ્રદર્શન કરવા અથવા લોકોમાં ભય ફેલાવી શકે તેવી પ્રવૃત્તિ કરવા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
તલવારથી પથ્થર સુધી, શું-શું રહેશે પ્રતિબંધિત?
જાહેરનામા હેઠળ પ્રતિબંધિત વિસ્તારોમાં તલવાર, ભાલા, ખંજર, ધારિયા, ચપ્પા તથા ઈજા પહોંચાડી શકે તેવા અન્ય ઘાતક સાધનો સાથે રાખવા કે જાહેરમાં લઈ જવા પર રોક રહેશે. લાયસન્સ ધરાવતા હથિયારોને પણ જાહેર સ્થળોએ લઈ જવા, હવામાં ફાયરિંગ કરવા અથવા સામાજિક-ધાર્મિક કાર્યક્રમોમાં પ્રદર્શિત કરવા અંગે નિયંત્રણ રહેશે. આ ઉપરાંત પથ્થરો અથવા લોકો પર ફેંકી શકાય તેવી વસ્તુઓ એકઠી કરવી કે તૈયાર કરવી પણ પ્રતિબંધિત રહેશે. સળગતી મશાલ સાથે સરઘસ કાઢવું, પૂતળાં બાળવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણો, ચિહ્નો કે ચિત્રો દ્વારા કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવી પ્રવૃત્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગંભીર ગુનાઓ રોકવા માટે પોલીસનો મોટો નિર્ણય
પોલીસ કમિશનર દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા જાહેરનામા પાછળનો મુખ્ય હેતુ હિંસા, ખૂન, ખૂનની કોશિશ અને અન્ય ગંભીર ગુનાઓને રોકવાનો હોવાનું જણાવાયું છે. પોલીસના મતે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને હુમલા થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં અગાઉથી પ્રતિબંધાત્મક પગલાં લઈને શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
14 પોલીસ સ્ટેશન વિસ્તારોને હથિયારબંધીમાંથી મુક્તિ
નવા જાહેરનામામાં વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, વાસણા, નવરંગપુરા, એલિસબ્રિજ, સેટેલાઈટ, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ, એરપોર્ટ, ખોખરા અને ગુજરાત યુનિવર્સિટી સહિત 14 વિસ્તારોને પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે અમદાવાદમાં હથિયારબંધીની નવી નીતિ અંગે ચર્ચા તેજ બની છે. ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી અને સિંધુભવન રોડ જેવા વિસ્તારોને લઈને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પ્રતિબંધ કેમ નહીં?
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સમયાંતરે વિદ્યાર્થી સંગઠનોના વિરોધ, કાર્યક્રમો તથા ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં હથિયારબંધી લાગુ ન હોવાને લઈને હવે ચર્ચા થઈ રહી છે. તે જ રીતે સિંધુભવન રોડ અને જજીસ બંગલો રોડ જેવા વિસ્તારોમાં મોડી રાત્રે થતી વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ત્યાં પણ પ્રતિબંધ લાગુ થવો જોઈએ કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
અગાઉ આખા અમદાવાદમાં લાગુ થતી હતી હથિયારબંધી
અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવતા હથિયારબંધીના જાહેરનામા સામાન્ય રીતે સમગ્ર અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં લાગુ કરવામાં આવતા હતા. જોકે, નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ વખતે શહેરના વિસ્તારોને અલગ કરીને માત્ર 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધ લાગુ કર્યો છે. આ નવી પદ્ધતિને કારણે અમદાવાદની કાયદો-વ્યવસ્થા અને પોલીસિંગ નીતિમાં બદલાવની ચર્ચા શરૂ થઈ છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
પોલીસ કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિબંધિત વિસ્તારોમાં હથિયારો રાખવા, પ્રદર્શિત કરવા અથવા જાહેરનામામાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરવા બદલ સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધાઈ શકે છે.
સરકારી ફરજ બજાવતા કર્મચારીઓને મુક્તિ
જાહેરનામામાં સરકારી ફરજ અથવા કાયદાકીય કામગીરીના ભાગરૂપે હથિયાર રાખવાની જરૂરિયાત ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી છૂટ આપવામાં આવી છે. ઉપરી અધિકારીના આદેશથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ નિયમ મુજબ મુક્તિ રહેશે. અમદાવાદમાં 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી લાગુ થનારી આ હથિયારબંધી હવે પોલીસ માટે કાયદો-વ્યવસ્થા જાળવવાની મોટી કસોટી બની શકે છે. ખાસ કરીને 35 પ્રતિબંધિત વિસ્તારો અને મુક્ત રાખવામાં આવેલા 14 વિસ્તારો વચ્ચે પોલીસની સુરક્ષા નીતિ કેવી રીતે અમલમાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?