અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હવે રાજ્ય સરકાર હસ્તક
વિદ્યાર્થીના મોત બાદ તપાસમાં ગેરરીતિ બહાર આવતા સરકારે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સંભાળ્યો

સેવન્થ ડે સ્કૂલ, અમદાવાદ

સેવન્થ ડે સ્કૂલ, અમદાવાદ
અમદાવાદની વિવાદિત સેવન્થ ડે સ્કૂલને રાજ્ય સરકારે પોતાના હસ્તક કરી લીધી છે. એક વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલ કેમ્પસની હાથ ધરાયેલી તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી. જેના કારણે રાજ્ય સરકારે સેવન્થ ડે સ્કૂલ કેમ્પસની તમામ સંસ્થાઓ પોતાના હસ્તક લઈ લીધી છે. કેમ્પસની સંસ્થાઓમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
સેવન્થ ડે સ્કૂલ કેમ્પસની બહાર ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં વિદ્યાર્થીનું સારવાર બાદ મોત થયું હતું. જેના કારણે શાળાની કામગીરી, સલામતી અને સંચાલન સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. જે તે સમયે શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવા વાલીઓએ માંગ કરી હતી.
તેથી શિક્ષણ વિભાગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણ નિયામક અને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને શાળાની વ્યાપક તપાસ કરવા સૂચના આપી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, શાળાએ બોર્ડની મંજૂરી વિના વધારાના વર્ગો શરૂ કર્યા હતા. શાળા કયા ટ્રસ્ટ અથવા સોસાયટી દ્વારા ચાલે છે તે હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી. દસ્તાવેજોમાં અલગ-અલગ ટ્રસ્ટના નામ દર્શાવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર બાંધકામ અને વધારાના બિલ્ડિંગ ઊભા કરી દીધા છે. શાળાએ કેમ્પસમાં પુસ્તકોનું વેચાણ કરીને નફાખોરી કરી હોવાનો તેમજ RTE કાયદાનો ભંગ કર્યો હોવાનો પણ ખુલાસો થયો હતો. ખોટા એફિડેવિટ રજૂ કરી માહિતી છુપાવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તમામ બાબતોને લઈ શાળાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.
તપાસમાં સામે આવ્યું કે, શાળા જે જમીન પર આવેલી છે તે જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને Seventh Day Adventist Associationને 99 વર્ષ માટે લીઝ પર આપી હતી. તેમ છતાં શાળાનું સંચાલન અન્ય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જે લીઝની શરતોનો સીધો ભંગ ગણાય છે.
જ્યારે મંજૂર નકશા કરતાં વધુ બિલ્ડિંગ (ALPHA, SHELOM અને OMEGA બ્લોક) ઊભા કરાયા છે. પરંતુ તેનું B.U. પરમિશન લેવામાં આવ્યું ન હતું. આ તમામ ગંભીર ખામીઓ અને કાયદાકીય ભંગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ઉપરોક્ત નિર્ણય લીધો છે.
શાળામાં થયેલા ગંભીર કાયદાકીય ભંગ, નફાખોરી, ખોટા દસ્તાવેજો અને શાળા સલામતીમાં ચૂકને લઈ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શાળાનો તમામ વહીવટ પોતાના હસ્તક લઈ લેવાનો નિર્ણય કર્યો છે. હાલ ભણતા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
જો કે, નવા એડમિશન પર રોક લગાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તે માટે માર્ગદર્શિકા અલગથી જાહેર કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?