અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવને ફરી તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે ડિમોલિશનની કાર્યવાહીનો બીજો તબક્કો (ફેઝ-2) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યવાહી દ્વારા તળાવ પરના ગેરકાયદે દબાણો દૂર કરી તેને ફરી એક વિશાળ અને અખંડિત સ્વરૂપ આપવામાં આવશે.
દબાણો દૂર કરવા માટે સઘન માપણી...
AMC અને DLR (ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ) દ્વારા ડિમોલિશનના બીજા તબક્કા માટે સઘન માપણી કરીને ખૂંટ (નિશાન) લગાવવામાં આવ્યા છે. ફેઝ-2 ના પ્રથમ તબક્કામાં આ ખૂંટની અંદર આવેલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવશે. ત્યારબાદ, બીજા તબક્કામાં તળાવની આસપાસના અન્ય ગેરકાયદે એકમો પર બુલડોઝર ફેરવવામાં આવશે. હાલમાં ત્રણ ભાગમાં વહેંચાયેલા ચંડોળા તળાવ પરથી દબાણો હટાવીને તેને એક અખંડિત તળાવ બનાવવાનો લક્ષ્ય છે.
ડ્રોન સર્વે અને ભવિષ્યની કાર્યવાહી...
અગાઉ કરવામાં આવેલા ડ્રોન સર્વેમાં જણાયું હતું કે, અત્યાર સુધીમાં 1.5 લાખ ચોરસ મીટર દબાણ દૂર કરાયું છે, પરંતુ હજુ પણ આ વિસ્તારમાં મોટા પાયે દબાણો અસ્તિત્વમાં છે. ચંડોળાની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે, વર્તમાન દબાણોની સરખામણીમાં અત્યાર સુધીમાં માત્ર 20 ટકા જ કાર્યવાહી થઈ છે. હજુ પણ ચંડોળાના 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો યથાવત છે, જેના કારણે અત્યંત વિશાળ ચંડોળા તળાવ ત્રણ ભાગમાં વહેંચાયેલું દેખાઈ રહ્યું છે.
મનપા દ્વારા અપાયેલી નોટિસોને પગલે અનેક લોકો સ્વેચ્છાએ જગ્યા છોડીને જતા રહ્યા છે, જે સકારાત્મક સંકેત છે. જ્યાંથી દબાણો દૂર કરાયા છે, ત્યાં ફરીથી દબાણો ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યવાહી ચંડોળા તળાવને તેના જૂના ગૌરવશાળી સ્વરૂપમાં પાછું લાવવામાં મદદરૂપ થશે.