IPL ફાઇનલના મહાપર્વ પૂર્વે જ અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરની પ્રતિષ્ઠિત જીનિવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, અને તે પણ મેચના દિવસે જ! 'દિવિજ પ્રભાકર' નામના એક અજાણ્યા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચાવી દીધી છે.
બોમ્બની ધમકી પાછળ 'દુષ્કર્મ' અને 'દહેજ'નો ખેલ...
આ ધમકી માત્ર ભય પેદા કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ એક ગંભીર આરોપ પણ છુપાયેલો છે. ઈ-મેલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, 2023 માં હૈદરાબાદમાં એક યુવતી પર થયેલા દુષ્કર્મ અને દહેજના કેસમાં પોલીસની નિષ્ક્રિયતા તરફ ધ્યાન દોરવા માટે આ ધમકી આપવામાં આવી છે. ઈ-મેલમાં 'દિવિજ' નામના વ્યક્તિ પર યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાનો અને તેના માતા-પિતા દ્વારા ₹1 કરોડના દહેજની માંગણી કરવાનો સનસનીખેજ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ ધમકી માત્ર એક સ્કૂલને નિશાન નથી બનાવતી, પરંતુ પોલીસની કાર્યપદ્ધતિ અને ન્યાયતંત્રની ધીમી ગતિ પર પણ સીધા પ્રશ્નાર્થ ઊભા કરે છે. શું ન્યાય ન મળતા લોકો હવે આવા આત્યંતિક પગલાં ભરવા મજબૂર બન્યા છે?

બોમ્બ સ્ક્વોડ તૈનાત, પણ શંકાસ્પદ કશું મળ્યું નહીં!
ધમકી મળતાની સાથે જ સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસ અને ડીઈઓ કચેરીને જાણ કરી હતી. શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે. પોલીસની બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. જોકે, રાહતની વાત એ છે કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
જોકે, પોલીસે આ ઈ-મેલ મોકલનાર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ ઈ-મેલ કોણે મોકલ્યો, કયા ઉદ્દેશ્યથી મોકલ્યો અને તેમાં કરાયેલા આરોપો કેટલા સાચા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : શહેરમાં જ્યાં પાણી ભરાશે ત્યાં AMCના અધિકારીઓ સામે થશે FIR, કોંગ્રેસે આપી ચેતવણી
IPL ફાઇનલ પર સુરક્ષાનું દબાણ...
આ ધમકી IPL ફાઇનલ મેચના દિવસે જ મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની છે. અમદાવાદ જેવા મહાનગરમાં, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ યોજાઈ રહી છે, ત્યાં આવી ધમકી મળવી એ ગંભીર બાબત છે. આ ઘટના શહેરની સુરક્ષા વ્યવસ્થાની સઘનતા પર સવાલો ઊભા કરે છે. શું આવા સંવેદનશીલ સમયે શહેરમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? અને શું સામાન્ય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે? આ પ્રશ્નોના જવાબો સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક આપવા પડશે.
આ પણ વાંચો : ગુજરાતના ચકચારી કથિત 6 હજાર કરોડ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યાં જામીન, પરંતુ...