અમદાવાદમાં રોડ પર શાકભાજી-ફળ વેચતા પહેલા સાવધાન! AMCએ જાહેર કરી કડક નોટિસ
AMCએ જાહેર રોડ અને ફૂટપાથ પર શાકભાજી-ફળ વેચતા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી

અમદાવાદમાં રોડ અને ફૂટપાથ પર શાકભાજી-ફળ વેચાણ સામે AMCની કાર્યવાહી (AI જનરેટેડ)

અમદાવાદમાં રોડ અને ફૂટપાથ પર શાકભાજી-ફળ વેચાણ સામે AMCની કાર્યવાહી (AI જનરેટેડ)
AMC Vegetable Vendor Encroachment Notice: અમદાવાદમાં જાહેર રોડ અને ફૂટપાથ પર શાકભાજી તથા ફળ વેચતા ફેરિયાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક વલણ અપનાવ્યું છે. શહેરના જાહેર રસ્તાઓ પર લારીઓ અને પાથરણાં ઉભાં રાખીને શાકભાજી-ફળનું વેચાણ કરવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના પગલે AMCના એસ્ટેટ વિભાગે સ્ટ્રીટ વેન્ડર્સને જાહેર નોટિસ મારફતે મહત્વની સૂચના આપી છે. હવે ફળ અને શાકભાજીનું વેચાણ માત્ર AMC દ્વારા નક્કી કરાયેલા વેજીટેબલ માર્કેટ અને નિયત સ્થળોએ જ કરવાનું રહેશે.
જાહેર રોડ અને ફૂટપાથ પર વેચાણ નહીં કરી શકાય
AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં શહેરના તમામ ફળ અને શાકભાજીના સ્ટ્રીટ વેન્ડર્સને જાહેર રસ્તા, ફૂટપાથ અથવા ટ્રાફિકને અડચણરૂપ બને તેવી જગ્યાએ વેપાર ન કરવાની સૂચના આપવામાં આવી છે. AMCના જણાવ્યા મુજબ, જાહેર રસ્તા પર શાકભાજી અને ફળની લારીઓ ઉભી રાખવાથી વાહનવ્યવહારને અસર થાય છે અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે. તેથી ફેરિયાઓએ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા સ્થળો પર જ વેપાર કરવાનો રહેશે.
નિયમ તોડશો તો લારી અને માલસામાન જપ્ત થશે
જાહેર રસ્તા અથવા ફૂટપાથ પર વેચાણ કરતા ફેરિયાઓ સામે AMC દ્વારા કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. નિયમનો ભંગ કરીને જાહેર જગ્યાએ વેચાણ કરતા વેન્ડર્સની લારી અને માલસામાન જપ્ત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત દંડ સહિતની કાર્યવાહી કરવાની પણ નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે. AMCના એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયત વેજીટેબલ માર્કેટ સિવાયના સ્થળે ફળ અને શાકભાજીનું વેચાણ કરનારાઓ સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં બનાવેલી શાકમાર્કેટમાં જ બેસવું પડશે
અમદાવાદ શહેરમાં શાકભાજી અને ફળના વેપારીઓ માટે અલગ-અલગ વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવી છે. જોકે AMCના જણાવ્યા પ્રમાણે, માર્કેટ ઉપલબ્ધ હોવા છતાં ઘણા ફેરિયાઓ રસ્તા પર લારી અને પાથરણાં લગાવીને વેપાર કરે છે. ખાસ કરીને સાંજના સમયે આવી લારીઓને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMC હવે રસ્તા પરના ફેરિયાઓને નિયત શાકમાર્કેટમાં ખસેડવા માટે કાર્યવાહી કરશે.
11 શાકમાર્કેટ બાદ AMCનો કડક નિર્ણય
10 સપ્ટેમ્બરે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકમાં તાજેતરમાં બનાવવામાં આવેલી 11 શાકમાર્કેટમાં ફેરિયાઓને ફાળવણી કરવામાં આવી હોવા છતાં ઘણા વેપારીઓ બહાર બેસતા હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. આથી નવી શાકમાર્કેટ બનાવતા પહેલાં હાલની માર્કેટમાં વેપારીઓને ખસેડવા અને જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવા માટે એસ્ટેટ વિભાગને પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. હવે AMCની જાહેર નોટિસ બાદ અમદાવાદમાં જાહેર રોડ અને ફૂટપાથ પર શાકભાજી-ફળ વેચતા ફેરિયાઓ સામે કાર્યવાહી કેટલી અસરકારક રહે છે, તેના પર નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ધુમાડો છવાયો અને પછી મચી દોડધામ!

અમદાવાદમાં રોજ 211 લોકો કૂતરાંના શિકાર બની રહ્યા છે!

આણંદ-બોરસદ રોડ પર બે બાઇકની જોરદાર ટક્કર બાદ 6 યુવકો રસ્તા પર ફંગોળાયા