

મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુનિ. કમિશનરે ભગવાનના દર્શન કર્યા
ખમાસા ચાર રસ્તા પાસે અખાડાના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ
મહંત દિલીપદાસજી મહારાજા હાથીઓ સાથે ચાલતા જોવા મળ્યા
જમાલપુર દરવાજા પાસે ભગવાન બલભદ્રજીનો રથ ભક્તોના જયઘોષ વચ્ચે ભવ્ય રીતે આગળ વધ્યો
અઢી કલાકથી પ્રભુ નિજ મંદિરની બહાર, ભજન મંડળીઓ હજુ પણ પ્રતીક્ષામાં
અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી
કેન્દ્રીય ગૃહ મંત્રી પરિવાર સાથે આરતીમાં સામેલ થયા
CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યુ રથયાત્રાનું પ્રસ્થાન
જગન્નાથ મંદિરના ગાદીપતિ મહંત દિલીપદાસજી મહારાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે આવી પહોંચ્યા છે. કોર્પોરેશનની પરંપરા મુજબ મહંતનું અહીં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે મ્યુનિસિપલ કચેરી ખાતે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા છે. મહંતને સન્માનીને રથયાત્રાના શાંતિપૂર્ણ સંચાલન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા હેઠળ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે, જેને પગલે AMC પરિસરમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
ખમાસા ચાર રસ્તા પાસે અખાડાના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું. અખાડાને ધક્કા મારી આગળ વધારવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ હતી.
મહંત દિલીપદાસજી મહારાજ હાથીઓ સાથે પગપાળા ચાલતા જોવા મળ્યા ગયા વર્ષે હાથી બેકાબુ થતાં આ વર્ષે મહંત ખુદ હાથીની સાથે રહ્યા સુરક્ષાના ભાગરૂપે હાથીના પગમાં લોખંડની સાકળો પણ બાંધવામાં આવી
અષાઢી બીજના પાવન પર્વે આજે નાથ નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે યાત્રાનો મુખ્ય ભાગ હવે જમાલપુર દરવાજા ખાતે આવી પહોંચ્યો છે. ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ બલભદ્રજીનો રથ ઐતિહાસિક જમાલપુર દરવાજાથી સફળતાપૂર્વક પસાર થઈને આગળના માર્ગ તરફ રવાના થયો છે. જમાલપુર દરવાજા પાસે ઉમટેલા અફાટ જનમેદનીના દ્રશ્યો ડ્રોન કેમેરા અને હાઈ-ટેક સુરક્ષા સિસ્ટમમાં કેદ થયા છે. આકાશી દ્રશ્યોમાં રથયાત્રાનો નજારો અત્યંત ભવ્ય અને અદ્ભુત દેખાઈ રહ્યો છે, જેમાં ભક્તોનું ઘોડાપૂર અને ત્રણેય રથની ભવ્યતા સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રભુના રથોને નિહાળવા આસપાસની ઇમારતોની ગેલેરીઓ અને ધાબા પણ શ્રદ્ધાળુઓથી ચિક્કાર ભરાઈ ગયા છે.
રથયાત્રાના રૂટ પરથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમાલપુર વૈશ્ય સભા પાસે રથયાત્રાનો કાફલો સંપૂર્ણપણે અટવાઈ ગયો છે. યાત્રા આગળ ન વધવાના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવતી ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ‘પુશિંગ સ્ક્વોડ’ની ટીમો પણ એક જ જગ્યાએ થોભી જવા મજબૂર બની છે. છેલ્લા અઢી કલાકથી ભગવાન જગન્નાથજીનો રથ નિજ મંદિરની બહાર નીકળી ચૂક્યો છે, પરંતુ આગળ ટ્રાફિક જામ હોવાના કારણે રથની ગતિ સાવ થંભી ગઈ છે. આ દરમિયાન, વિવિધ અખાડાના યુવાનો અત્યારે જમાલપુર વૈશ્ય સભા ખાતે પહોંચી રહ્યા છે, જ્યારે બીજી તરફ મંદિર પરિસરમાંથી હજુ સુધી મુખ્ય ભજન મંડળીઓ પણ બહાર નીકળી શકી નથી. પોલીસ અને ઓર્ગેનાઈઝર્સ રથયાત્રાને ફરી ગતિમાન કરવા માટે સતત મથામણ કરી રહ્યા છે.
અમદાવાદની 149મી રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર યાત્રાના રૂટ પર આશરે 30 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના સુકાની તરીકે 10 જેટલા IG અને DIG કક્ષાના અધિકારીઓ, 2 જેસીપી તેમજ 42 ડીસીપી મોરચો સંભાળી રહ્યા છે. આ ઉપરાંત, કાફલામાં 93 એસીપી, 303 પીઆઈ અને 673 પીએસઆઈ સહિતના અધિકારીઓ સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે. રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારો સહિત રૂટ પર 250થી વધુ ‘ડીપ પોઇન્ટ’ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી સીધા કંટ્રોલ રૂમ દ્વારા હાઈટેક નજર રાખવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં શામેલ થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દર વર્ષે અષાઢી બીજે અમદાવાદની રથયાત્રાના પ્રારંભે મંગળા આરતીમાં હાજરી આપવાની પોતાની વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાપૂર્વક નિભાવી રહ્યા છે. તેઓ દેશના ગમે તેટલા વ્યસ્ત રાજકીય શિડ્યુલમાં હોય, છતાં રથયાત્રાના દિવસે મંગળા આરતીનો લાભ લેવાનું ક્યારેય ચૂકતા નથી. પ્રભુ પ્રત્યેના તેમના આ અખંડ સમર્પણ અને અડગ આસ્થાને જોઈને મંદિરમાં ઉપસ્થિત હજારો ભક્તો પણ ભક્તિના રંગમાં તરબોળ થઈ ગયા હતા.
રથયાત્રાની સૌથી પ્રતિક્ષિત અને પવિત્ર ક્ષણ આવી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે સોનાની સાવરણી વડે પ્રભુના રથનો માર્ગ સાફ કરીને 'પહિંદ વિધિ' સંપન્ન કરી છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્યની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ મંગલ વિધિ પૂર્ણ થતાં જ ગગનભેદી જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નગરચર્યા માટે આગળ વધી ચૂકી છે.
Loading Comments...