વડોદરા: SIRની કામગીરી દરમિયાન એક યુવક ઢળી પડ્યો
માથામાં ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો

અરજદાર યુવકની તબિયત અચાનક લથડી ગઈ

અરજદાર યુવકની તબિયત અચાનક લથડી ગઈ
રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ દરમિયાન વડોદરા શહેરમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં SIR કેન્દ્ર પર 2 કલાકથી વારીની રાહ જોતા એક યુવાનને અચાનક ચક્કર આવ્યા અને તે જમીન પર પટકાઈ પડ્યો. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને યુવાનને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઘટના બનતાં આસપાસના લોકોમાં ટોળો લાગી ગયો હતો અને તેમણે તરત જ મદદ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવાન ડાયાબિટીસનો દર્દી છે, જેના કારણે તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે તેની તબિયત અચાનક લથડી ગઈ હતી. SIR કેન્દ્ર પર લાંબી લાઈનો અને વ્યવસ્થાની અભાવને કારણે આવી ઘટનાઓ વધી રહી છે, જે લોકોમાં ચિંતા પેદા કરી રહી છે.
ઘટના સ્થળે હાજર કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ (ઉર્ફે ચમનભાઈ)એ વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “4 નવેમ્બરથી SIR ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે, શિક્ષકોને હાર્ટએટેક આવે છે અને થાકી જાય છે. લોકોને મતદાર યાદીની પ્રક્રિયા અંગે સમજ નથી અને BLOને પણ સમજ નથી પડતી. કલેક્ટર કોઈ જવાબ આપતા નથી, સાઈટ પણ ચાલુ રહેતી નથી. આજે આ યુવાન લાઈનમાં ઊભો હતો, તેને ખેંચ આવી અને બ્લડ પ્રેશર વધી ગયું, જેથી તે ધડામથી પડ્યો.”
રોનક પરીખે વધુમાં જણાવ્યું, “સરકારને અપીલ છે કે, જે શાળાઓમાં SIR કામગીરી થાય ત્યાં પાણીની અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવે. અહીં લોકો 2-2 કલાકથી હેરાન-પરેશાન છે, પણ એક પણ ખુરસી મુકવામાં આવી નથી. કોઈ વ્યક્તિનું મોત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.” તેમણે લોકોને વિનંતી કરી કે SIR પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સહયોગ આપે, પરંતુ વ્યવસ્થા સુધારવાની માંગ કરી.
આ ઘટના ગઈકાલની એક દુઃખદ બનાવની યાદ અપાવે છે. વડોદરા શહેરની પ્રતાપ શાળામાં BLO સહાયક તરીકે કામ કરતી 50 વર્ષીય મહિલા કર્મચારી ઉષાબેન ઈન્દ્રસિંહ સોલંકી (ગોરવા મહિલા આઈટીઆઈમાં નોકરી કરતી) ફરજ દરમિયાન અચાનક ઢળી પડી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. SIR ઝુંબેશમાં થાક, તણાવ અને અપૂરતી વ્યવસ્થા કારણે આવી ઘટનાઓ વધી રહી છે, જે નાગરિકોમાં અસંતોષ વધારી રહી છે.
SIR ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને તેનો હેતુ મતદાર યાદીને અપડેટ કરવાનો છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીઓએ વ્યવસ્થા સુધારવાની ખાતરી આપી છે, પરંતુ આવી ઘટનાઓ પછી વધુ સુધારાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?