ગુજરાતમાં બ્રિજ તૂટવાનો કાળો ઈતિહાસ, સરકારની ‘બેદરકારી’થી ધરાશાયી થયાં પુલ!
અનેક લોકોના સપના તૂટ્યા! સવારની સફર અંતિમ સફર બની, ક્યારે જાગશે સરકાર?

મોરબી,તાપી, સુરેન્દ્રનગર અને હવે વડોદરા, શું બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર?

મોરબી,તાપી, સુરેન્દ્રનગર અને હવે વડોદરા, શું બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર?
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીર મહીસાગર નદી પરનો ગંભીર બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો છે. ઘણાં સમયથી જર્જરીત ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 9 વ્યક્તિને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે.
સૌથી મોટો સવાલ એ થાય છે કે બ્રિજ જર્જરીત હોવા છતાં કેમ બંધ નહોતો કરાયો? વારંવારની દુર્ઘટના બાદ સરકાર કેમ જાગે છે? ગુજરાતમાં અગાઉ પણ અનેક વખત બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાઓ સર્જાઇ છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમ છતાં નઘરોળ તંત્ર હજુ સુધી કેમ જાગતું નથી?, દુર્ઘટના સર્જાયા બાદ ઠાલા આશ્વાસનો આપીને નાગરિકોને મનાવી લેવાનો પ્રયાસ કરાશે. પરંતુ, દુર્ઘટનામાં જવાબદાર નીચેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? તેવા અનેક સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા બ્રિજ તૂટ્યાં?
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ
હાટકેશ્વર પુલ બન્યો ત્યારથી વિવાદનું ઘર બન્યો હતો. વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજ માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઇ ગયો હતો. તેને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રૂપિયા 40 કરોડના ખર્ચે 100 વર્ષના આયુષ્ય સાથે બનાવવામાં આવેલો બ્રિજ માત્ર 5 વર્ષમાં હાંફી ગયો હતો.
મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડ્યો
અમદાવાદના મુમતપુર બ્રિજનો એક ભાગ 21 ડિસેમ્બર 2021ના રોજ ધરાશાયી થયો હતો. મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડી ગયો હતો. રિપોર્ટમાં રણજિત બિલ્ડકોન, પ્રોજેક્ટ કંપની સામે સવાલ ઊભા કરાયા હતા.
મોરબીના હળવદમાં એક વર્ષ પહેલાં બનાવેલો બ્રિજ ધરાશાયી
મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ 26 ઓગષ્ટ 2024ના રોજ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાશાયી થઇ ગયો હતો. ભારે વરસાદને કારણે પુલ ધોવાઇ ગયો હતો.
મોરબીના ઝૂલતો પુલની દુર્ઘટના...
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડ્યો. જેના કારણે 141 લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો પુલ ચાર દિવસ અગાઉ સમારકામ બાદ ખુલ્લો મૂકયો હતો. લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો. તેના પર 500થી વધુ લોકો હતા જ્યારે તેની ક્ષમતા માત્ર 125 લોકોની હતી.
સુરત શહેરમાં મેટ્રોનો પુલ ઉદ્ઘાટન પહેલાં નમી ગયો
સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં મેટ્રો ફ્લાયઓવરનો એકભાગ ઉદ્ઘાટન થાય એ પહેલા ક્ષતિગ્રસ્ત થતાં નમી ગયો હતો. સાથે બ્રિજનાં સ્લેબમાં તિરાડ પણ પડી હતી. સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ બ્રિજ નમી પડ્યો હતો.
મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો
મહેસાણામાં આંબેડકર બ્રિજનો એક ભાગ 14 ફેબ્રુઆરી 2024ના રોજ બેસી ગયો હતો. બ્રિજને રીપેર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હતી. મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ વહેલી સવારે બેસી ગયો હતો. આ બ્રિજને રીપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2014માં આ બ્રિજ બનીને તૈયાર થયો હતો.
ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદથી હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો હતો. તંત્ર દ્વારા પૂલ પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. આ પુલ અંદાજે પાંચથી વધુ ગામોને જોડતો હતો.
પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો
પાલનપુર આરટીઓ સર્કલ પાસે નિર્માણાધિન ઓવરબ્રિજ 23 ઓટોબર 2023 ધરાશાયી થયો. ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર તૂટ્યા હતા. જેમાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.
ખેડા જિલ્લાના બામણગામથી પરિએજને જોડતો બ્રિજ ધરાશાયી
ખેડાના પરીએજથી બામણ ગામને જોડતો કેનાલ પરનો બ્રિજ 4 ઓક્ટોબર 2023ના રોજ ધરાશાયી થયો હતો. આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત થયો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરિએજથી બામણ ગામને જોડતો હતો. જોકે, સદનસીબે બ્રિજ તૂટયો તે સમયે તેના ઉપરથી કોઈ વાહન કે રાહદારી પસાર થઈ રહ્યા ન હોવાથી જાનહાનિ થઇ ન હતી.
જૂનાગઢનો ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી
વર્ષ 2023માં જૂનાગઢમાં ઉબેણ નદી પરનો 45 વર્ષ જૂનો ધંધુસરના બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો હતો. બ્રિજ તુટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધુસરના આ બ્રિજનું 1975માં નિર્માણ થયું હતું.
રાજકોટના માધાપર ચોકડી પાસે બ્રિજનો પિયરનો ટોપ ધરાશાયી (25 જાન્યુઆરી 2022)
રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બની રહેલા બ્રિજના કામ દરમિયાન એક પિયર (મોટા કદનો પીલર) ઉપર કોંક્રિટની કેપની કામગીરી ચાલુ હતી ત્યાં ધસી પડયો હતો અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે શ્રમિકો ઇજાગ્રસ્ત થાય હતા. સદભાગ્યે જાનહાનિ થઈ નહોતી.
તાજેતરમાં બોટાદ જિલ્લાના જનડા ગામમાં પાટલીયા નદી પર બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધરાશાયી થયો હતો. માત્ર ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ તૂટી ગયો હતો.
વર્ષ 2020માં મહેસાણા બાયપાસ હાઇવે પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો હતો. ખારી નદી પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો હતો. 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ બેન્ડ થઈ જતા સરકારની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.
મહેસાણા બાયપાસ પાસે ખારી નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી.
વર્ષ 2023માં વડોદરા સિંઘરોટ ખાતે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. વર્ષ 2023માં પણ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ તૂટી પડ્યો હતો.
જૂન 2022માં ભરૂચ શહેરને જોડતો નિર્માણાધીન નંદેલાવ બ્રિજનો એક ભાગ જમીનદોસ્ત થયો હતો. સદનસીબે ઘટનામાં નીચે બેસેલા લોકોનો બચાવ થયો હતો.
વર્ષ-2020માં રાજકોટ જિલ્લાના આજીડેમ ચોકડી પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. વર્ષ 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટી પડ્યો હતો. આ જ વર્ષે સુરતમાં પીપોક ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!