મહેસાણામાં 341 કિશોરી સગર્ભા, બાળલગ્નનો ખુલાસો
જિલ્લામાં 13 થી 17 વર્ષની 341 કિશોરી સગર્ભા, બાળ લગ્ન પ્રતિબંધક કાયદાના અમલ સામે સવાલ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક કાયદો અમલમાં છે. તેમ છતાં બાળ લગ્નો થઈ રહ્યા હોવાનો ખુદ રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. સૌથી વધુ સાક્ષર ગણાતા મહેસાણા જિલ્લામાં બાળલગ્નની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગે કરેલાં સરવેમાં 13 થી 17 વર્ષની 341 કન્યાઓનાં બાળલગ્ન થયા બાદ સગર્ભા બની હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મહેસાણા જિલ્લામાં 13 થી 17 વર્ષની 341 કન્યાઓનાં બાળ લગ્ન થઈ ગયાં બાદ સગર્ભા પણ બની છે. આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સગર્ભા માતાઓનો સરવે કરાયો હતો. આ સરવેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નાની ઉંમરમાં માતા બનેલી કિશોરીઓના કિસ્સા પરથી ગુજરાતમાં બાળલગ્ન થતાં હોવાનું પુરવાર થઈ રહ્યું છે.
ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગે એપ્રિલ થી ડિસેમ્બર 2025 સુધીના 8 માસ દરમિયાન કરેલા સરવેના આંકડા મુજબ જિલ્લામાં કુલ 22,812 સગર્ભા માતાઓ નોંધાઈ છે. જેમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 મળી 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ સગર્ભા બની છે.
તેમણે ઉમેર્યુ કે, મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કિશોરીઓના બાળ લગ્ન કડી તાલુકામાં નોંધાયા છે. કડી તાલુકામાં 88 કિશોરીઓ સગર્ભા બની છે. જ્યારે મહેસાણા તાલુકામાં 80, બહુચરાજી તાલુકામાં 17, જોટાણા તાલુકામાં 16, ખેરાલુ તાલુકામાં 19, સતલાસણા તાલુકામાં 23, વડનગર તાલુકામાં 24, ઊંઝા તાલુકામાં 20, વિજાપુર તાલુકામાં 28 અને વિસનગર તાલુકામાં 26 કિશોરીઓ સગર્ભા બની છે.
મહત્વનું છે કે, રાજ્યમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો અમલમાં છે. પરંતુ બાળ લગ્નના કાયદાની મજાક ઉડાવતા આરોગ્ય તંત્રના આંકડાએ બાળલગ્ન થતા હોવાનું પુરવાર કર્યું છે. બાળલગ્ન અટકાવવા બાળ સુરક્ષા એકમ કાર્યરત છે. પરંતુ છાને છપને બાળલગ્નો થઈ રહ્યા છે. બાળ લગ્ન થઈ ગયા બાદ નાની ઉમરની સગીરાઓ સગર્ભા બની રહી છે.
આરોગ્ય વિભાગના આંકડાઓનું રાજ્ય કક્ષાએ પણ મોનિટરીંમગ થતું હોય છે. તેમ છતાં બાળ લગ્ન અટકાવવા અથવા તો નાની ઉંમરે કિશોરીઓ માતા બની રહી છે તેના ઉપર વિશેષ ધ્યાન અપાતું ન હોય તેમ મહેસાણા જિલ્લાના આંકડાઓ પરથી લાગી રહ્યું છે. નાની ઉંમરે સગર્ભા બનવાથી માતા અને બાળકના જાનને જોખમ પણ હોય છે. કોરાના કાળ બાદ બાળ અને માતા મૃત્યુદરના આંકડાઓ મામલે મહેસાણા જિલ્લાની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી.
ત્યારબાદ આરોગ્ય વિભાગે બાળ અને માતા મૃત્યુદર ઘટાડવા વિશેષ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. તેવા સમયે બાળ લગ્ન કરીને નાની ઉંમરે કિશોરીઓ સગર્ભા બનતાં આરોગ્ય વિભાગના પ્રયાસોને ઠેસ પહોંચતી હોય છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષર ગણાતા મહેસાણા જિલ્લાની આવી પરિસ્થિતિ હોય તો આદિવાસી અને છેવાડાના જિલ્લાઓની કેવી પરિસ્થિતિ હશે તે વિચારીને રૂવાડા ઉભા થઈ જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?