રાજકોટ શહેરમાં ચકચાર જગાવતી ઘટના સામે આવી છે, જેમાં 27 વર્ષીય મહિલા તબીબ ડૉ. એન્જલ મોલિયાએ પોતાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ આત્મહત્યા કરી લીધી. તેઓ શહેરના બસ પોર્ટ પાછળ આવેલી બાલાજી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી ડ્યુટી પર હતા.
એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઇ આપઘાત
21 મેના રોજ ડ્યૂટી દરમિયાન ડૉ. એન્જલે ઈન્જેક્શન મારફતે એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લીધો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ડિરેક્ટર અને ACPનું નિવેદન
બાલાજી હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. અંકુર સીણોજિયાએ જણાવ્યું કે, “તેમણે હંમેશાં રાજીખુશીથી કામ કર્યું અને સ્ટાફ સાથે હળી-મળીને રહેતા હતા. આ ઘટના અમારી હોસ્પિટલ માટે દુઃખદ છે.”
ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, “મહિલા તબીબે ક્યાં કારણસર આવું પગલુંભર્યું તે સ્પષ્ટ નથી. પતિ અને પિતાની સાથે મળીને પોલીસ A ડિવિઝન દ્વારા તપાસ ચાલુ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.”
પતિ પણ તબીબ, રોણકીમાં ચલાવે છે દવાખાનું
મૃતક ડૉ. એન્જલના પતિ ડૉ. ધવલ મોલિયા રોણકી વિસ્તારમાં ‘રૂદ્ર ક્લિનિક’ નામે દવાખાનું ચલાવે છે. હાલ તેમના અને અન્ય પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ મામલાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે અને તબીબી વર્તુળમાં પણ દુઃખની લાગણી વ્યાપી છે.