ગિફ્ટ સિટી WTC પ્રોજેક્ટમાં ₹1 હજાર કરોડનું ચિટીંગ
1297 રોકાણકારો સાથે બિલ્ડરે નાદારી નોંધાવી, બિલ્ડર સામે RERAમાં 81થી વધુ ફરિયાદ

સરકારે આપેલી જમીનમાં 4 ટાવર ઉભા કરવાના હતા, રોકાણકારોના ₹3 હજાર કરોડથી વધુ પડાવ્યા

સરકારે આપેલી જમીનમાં 4 ટાવર ઉભા કરવાના હતા, રોકાણકારોના ₹3 હજાર કરોડથી વધુ પડાવ્યા
ગાંધીનગરના ગિફ્ટ સિટી સ્થિત મહત્વાકાંક્ષી વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પ્રોજેક્ટમાં રૂપિયા 1 હજારની છેતરપિંડી આચર્યાનો ઘટસ્ફોટ થયો છે. 1297 રોકાણકારો સાથે અંદાજે ₹1 હજાર કરોડની છેતરપિંડી આચરીને બિલ્ડરે નાદારી નોંધાવી છે. WTC નોઇડા ડેવલપમેન્ટ કંપની પ્રા.લિ.ના ડિરેક્ટર આશિષ ભલ્લાની ભુટાની ગૃપ સાથે જોડાણ ધરાવતી કંપનીએ નાદારી જાહેર કરી છે. ગિફ્ટ સિટીમાં WTCના ચાર ટાવર ઉભા થવાના હતા. જેની સમય મર્યાદા જૂન-2024માં નક્કી કરવામાં આવી હતી. નવેમ્બર 2015માં શરૂ થયેલા પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે અઢી એકર જમીન લીઝ પર આપી હતી. 1440 રોકાણકારો પૈકી 143 રોકાણકારોને A અને D ટાવરમાં પઝેશન મળ્યું છે. જ્યારે બાકીના 1297 રોકાણકારો ગિફ્ટ સિટીની WTC ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.
નાદારી નોંધાવનાર બિલ્ડરે યુક્તિ અપનાવી રોકાણકારો પાસેથી 75 ટકા સુધી પેમેન્ટ વસૂલી લીધું છે. મની લોન્ડરિંગ કેસમાં બિલ્ડર આશિષ ભલ્લાની પાંચ મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ(ED)ના જણાવ્યા પ્રમાણે છેતરપિંડી માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. પરંતુ હરિયાણા, ઉત્તરપ્રદેશ, ચંડીગઢ, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં ₹3 હજાર કરોડથી વધુની છેતરપિંડી રોકાણકારો સાથે કરવામાં આવી છે. બિલ્ડર આશીષ ભલ્લા વિરુદ્ધ દિલ્હી EOW, ફરીદાબાદ પોલીસ અને અન્ય કાનૂની એજન્સીઓમાં અત્યાર સુધી 30થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
ગાંધીનગર રેરાના સૂત્રોના જણાવ્યા અનુસાર બિલ્ડરે 25 માર્ચ, 2025ના રોજ રેરાને લેખિતમાં જણાવ્યું હતું કે કંપનીની આર્થિક સ્થિતિ દયનીય છે તેથી ટાવરનું નિર્માણ શક્ય નથી. જેના આધારે રેરા નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરશે. કંપનીએ લીઝ માટે ગિફ્ટ સિટીને ₹104 કરોડનું એડવાન્સ પેમેન્ટ ચૂકવ્યું છે. હાલ કંપનીના ડિરેક્ટર જેલમાં છે. થોડા સમય પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કંપનીના 12થી વધુ સ્થળે દરોડા પાડીને ધરપકડ કરવામાં આવી હતી.
રેરાના સૂત્રોના જણાવ્યા અનુસાર, WTC વિરુદ્ધ અત્યાર સુધી કુલ 81 ફરિયાદો નોંધાઈ છે. જેમાં A, B અને D ટાવરની 43 અને C ટાવરની 38 ફરિયાદો કરવામાં આવી છે. A, B અને D ટાવર સંબંધિત પઝેશન માટે 34 અને રિફંડ સંબંધિત 9 ફરિયાદો છે. જ્યારે C ટાવર માટે પઝેશન માટે 31 અને રિફંડ માટે 7 ફરિયાદો છે. પ્રથમ ફરિયાદ સપ્ટેમ્બર-2024માં અને તાજેતરમાં મે-2025માં ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રોજેક્ટમાં રોકાણકારોએ આશા રાખી હતી કે ભવિષ્યમાં મિલકતની કિંમત ઘણી વધી જશે. તે હિસાબે બેંક લોન અથવા મરણમૂડી લગાવીને પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. ₹1 હજાર કરોડના પ્રોજેક્ટમાંથી અત્યાર સુધી ₹750 કરોડ ચૂકવાઈ ચૂક્યા છે. માત્ર ₹250 કરોડ બાકી છે. A અને D ટાવરના રોકાણકારોને પઝેશન મળ્યું છે. જ્યારે B અને C ટાવરના રોકાણકારો રેરા અને ગિફ્ટ સિટી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.
ગિફ્ટ સિટીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, પ્રોજેક્ટ ગૂંચમાં પડી જતાં 7 મે 2025ના રોજ B અને C ટાવરની લીઝ રદ્દ કરવામાં આવી છે અને WTCને નોટિસ પાઠવવામાં આવી છે. રેરા દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છેલ્લી સુનાવણી 27 મે 2025ના રોજ યોજાઈ હતી.
ED એ WTC ગૃપના પ્રમોટર આશિષ ભલ્લાની ધરપકડ કરી હતી
₹3 હજાર કરોડના રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં ED એ WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની PMLA ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી હતી. ED એ WTC ગ્રુપ અને તેના પ્રમોટરો આશિષ ભલ્લા, સુપર્ણા ભલ્લા, અભિજીત ભલ્લા, તેમજ ભૂટાની ઇન્ફ્રા અને અન્ય લોકો સામે છેતરપિંડી, વિશ્વાસનો ગુનાહિત ભંગ અને સેંકડો ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરવાના આરોપ હેઠળ તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્લોટ/વાણિજ્યિક જગ્યા સામે તેમના રોકાણના બદલામાં ખાતરીપૂર્વક વળતર આપવાનું વચન આપ્યા પછી ભંડોળને વિવિધ સ્થળોએ જમીન હસ્તગત કરવા માટે ઘણી શેલ કંપનીઓમાં વાળવામાં આવ્યું હતું.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સેંકડો કરોડ રૂપિયા સિંગાપોરમાં શંકાસ્પદ સંસ્થાઓને મોકલવામાં આવ્યા હતા. જેમની માલિકી આશિષ ભલ્લાના પરિવારના સભ્યો પાસે છે. નાણાકીય તપાસ એજન્સીએ ખુલાસો કર્યો હતો કે WTC જૂથે "હરિયાણા, યુપી, ચંદીગઢ, અમદાવાદ, પંજાબ વગેરે જેવા અનેક રાજ્યોમાં વિવિધ રોકાણકારો પાસેથી ₹3000 કરોડથી વધુ રકમ એકત્રિત કરી હતી. અગાઉ, ED એ 27 ફેબ્રુઆરી 2025 ના રોજ PMLA ની કલમ 17 હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન આશિષ ભલ્લા ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આશિષ ભલ્લાની 6 માર્ચ 2025ના રોજ PMLA, 2002 ની કલમ 19 હેઠળ કસ્ટોડિયલ પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી.
WTC એ 13 લાઇસન્સ રદ કર્યા હતા
વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ એસોસિએશન (WTCA) એ જણાવ્યું હતું કે, તેણે કરારોના અનેક ઉલ્લંઘનોને કારણે WTC નોઇડા ડેવલપમેન્ટ અને સ્પાયર ટેકપાર્ક દ્વારા રાખવામાં આવેલા 13 લાઇસન્સ રદ કર્યા હતા. WTC અમદાવાદ, WTC અમૃતસર, WTC ભોપાલ, WTC ચંદીગઢ, WTC ફરીદાબાદ, WTC GIFT સિટી, WTC લખનૌ, WTC નોઈડા, WTC નોઈડા CBD, WTC પટના, WTC સુરત, WTC વડોદરા અને WTC વારાણસી માટેના લાઇસન્સ રદ કર્યા હતા. WTCA એ 100 દેશોમાં 300 થી વધુ વ્યવસાયો અને સંગઠનોનું નેટવર્ક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!