ગુજરાતના રોડ ઉપર ‘રામાધણી’નું રાજ, પોલીસનું મૌન!
નંબર પ્લેટ વિના ફરતા વાહનો સામે પોલીસના આંખ આડા કાન, સામાન્ય વાહનચાલકો સામે કાર્યવાહી
ગુજરાતના રોડ ઉપર ‘રામાધણી’ નંબર પ્લેટવાળા વાહનોની બેરોકટોક અવરજવર
ગુજરાતના રોડ ઉપર ‘રામાધણી’ નંબર પ્લેટવાળા વાહનોની બેરોકટોક અવરજવર
રાજ્યમાં છેલ્લાં એક સપ્તાહથી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવનાર સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા હોય તેમ ગુજરાતના રોડ ઉપર ‘રામાધણી’ નંબર પ્લેટવાળા વાહનો બેરોકટોક ફરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની ઝુંબેશ વચ્ચે ‘રામાધણી’ નંબર પ્લેટવાળા અનેક વાહનો અવર જવર કરી રહ્યા છે. તેવા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે સામાન્ય વાહન ચાલકોને પકડી દંડનીય કાર્યવાહી કરવા મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પોલીસની બેવડી નીતિ સામે સામાન્ય નાગરિકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આરટીઓના નિયમ મુજબ વાહનની નંબર પ્લેટ પર માન્ય રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ અને નિર્ધારિત ફોન્ટમાં દર્શાવવો ફરજિયાત છે. તેમ છતાં વાહનચાલકો 'રામાધણી' જેવા શબ્દો સાથેની નંબર પ્લેટ બનાવીને પોતાની ઓળખ પ્રદર્શિત કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે, ગુજરાતમાં કાર પરનો આ શબ્દ ‘રામાધણી’ કોઈ કોડવર્ડ તો નથી ને? આ શબ્દ લખેલી બધી જ કાર પર રહસ્યમય રીતે બ્લેક ફિલ્મ પણ જોવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિની કાર ઉપર કાળા કાચ હોય તો રસ્તામાં ઊભા ઊભા પોલીસ બ્લેક ફિલ્મ દૂર કરાવે છે.
ગુજરાત પોલીસની ભેદભાવભરી નીતિ મુદ્દે સોશિયલ મીડિયામાં અનેક લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે, સામાન્ય નાગરિકોને સીસીટીવીમાં જોઈને ઓનલાઈન મેમો આપવામાં આવે છે. જ્યારે 'રામાધણી'ના વાહનો સામે પોલીસ કાર્યવાહી કેમ કરતી નથી? પોલીસની આંખ આડા કાન કરવાની નીતિ સામે લોકોમાં ભારે રોષ છે.
ગુજરાતના રોડ ઉપર નંબર પ્લેટ વગરના, રામાધણી લખેલા તેમજ કાળા કાચવાળા વાહનો ફરે જ છે. પરંતુ, જ્યાંથી કાયદાનું પાલન કરવાના આદેશ થાય છે તે ગાંધીનગરના સચિવાલયના પાર્કિંગમાં પણ નંબર પ્લેટ વગરના અને બ્લેક ફિલ્મ સાથેના ઘણા વાહનો જોવા મળ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહનોએ પોલીસની નજર સામે જ સચિવાલયમાં પ્રવેશ કર્યો હતો. તેમ છતાં તેવા વાહનચાલકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ હોય તેવું જાણવા મળ્યું નથી. સોશિયલ મીડિયા ઉપર ફોટોગ્રાફ્સ જોઈને યુઝર્સ પણ કહી રહ્યા છે કે પોલીસ દંડનીય કાર્યવાહી કરવાની હિંમત કેમ કરતી નથી?
સામાન્ય નાગરિકોને નજીવી બાબતો માટે દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ કે પછી રસ્તા પરના સરકારી CCTV કેમેરાની નજરમાં આવા 'વગદાર' કે 'માલેતુજારો' કેમ આવતા નથી કે પછી જાણી જોઈને તેમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે તેવા સવાલ પણ નાગરિકો કરી રહ્યા છે.
ગુજરાત પોલીસ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે અને સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલી રહી છે. બીજી તરફ, VVIP અને VIP કારના કાચ પર બ્લેક ફિલ્મ સામાન્ય થઈ ગઈ છે. પોલીસ તેમની સામે કાર્યવાહી કરવાની હિંમત કરી શકતી નથી. તેના કારણે સામાન્ય લોકો રોષે ભરાય તે સ્વાભાવિક છે. તેથી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.
આ ઉપરાંત ઘણા વાહનો પર 'અપ્લાય ફોર રજિસ્ટ્રેશન' લખેલી પ્લેટ જોવા મળી રહી છે. નિયમ મુજબ રજિસ્ટ્રેશન નંબર વગર કોઈપણ શો રૂમ ગ્રાહકોને વાહન આપી શકતો નથી. તેવા સમયે નંબર વગરના વાહનો રસ્તા પર કેમ જોવા મળી રહ્યા છે. કાયદાનું ઉલ્લંઘન માત્ર સુરક્ષા માટે જ નહીં. પરંતુ સરકારના મહેસૂલ માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. શો રૂમ માલિકો ગ્રાહકોને રજિસ્ટ્રેશન નંબર વગર વાહન આપી શકતા નથી તેવો સ્પષ્ટ નિયમ છે.
ઉલ્લેખનીય છે કે, કાયદા મુજબ ભારતમાં કોઈપણ વાહન જાહેર સ્થળે ચલાવી શકાતું નથી. જ્યાં સુધી તેની પાસે કાયદેસરનું રજિસ્ટ્રેશન ન હોય. આ નિયમ વાહનની ઓળખ અને સલામતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટર વાહન કાયદાની કલમ 39 મુજબ, કોઈપણ વ્યક્તિ રજિસ્ટર્ડ નંબર વગર વાહન ચલાવી શકતી નથી અને કોઈપણ માલિક વાહનને રજિસ્ટ્રેશન વગર ચલાવવાની મંજૂરી આપી શકતો નથી.
આ નિયમ અનુસાર ડીલરોની જવાબદારી છે કે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ગ્રાહકને વાહનની ડિલિવરી આપે. કાયમી રજિસ્ટ્રેશનમાં સમય લાગતો હોય તો ડીલર હંગામી રજિસ્ટ્રેશન નંબર મેળવી શકે છે. હંગામી નંબર એક મહિના સુધી માન્ય હોય છે અને તે સમય દરમિયાન વાહન માલિક કાયમી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હંગામી નંબર હોવા છતાં વાહન પર નંબર પ્લેટ હોવી ફરજિયાત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?