Ramayana Box Office: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'રામાયણ'એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને નવો ઇતિહાસ રચ્યો છે. રિલીઝના માત્ર 8 દિવસમાં જ ફિલ્મે વિશ્વભરમાં ₹1,000 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ સાથે 'રામાયણ' સૌથી ઝડપથી ₹1,000 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ખાસ વાત એ છે કે ફિલ્મે શાહરૂખ ખાનની 'પઠાણ' અને રણબીર કપૂરની જ બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'ના ભારતીય બોક્સ ઓફિસ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. શાનદાર ઓપનિંગ બાદ ફિલ્મની કમાણીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય દર્શકોની સાથે વિદેશી બજારોમાં પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના આ આંકડાએ બોલિવૂડ સહિત સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચ્યું છે.
'રામાયણ'નું 8 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું?
બોક્સ ઓફિસના આંકડા જાહેર કરતી ઇન્ડસ્ટ્રી ટ્રેકર Sacnilkના અહેવાલ મુજબ, 'રામાયણ'એ રિલીઝના આઠમા દિવસે એટલે કે ગુરુવારે તમામ ભાષાઓમાં ₹53.50 કરોડની નેટ કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન ₹564.60 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે ભારતનું ગ્રોસ કલેક્શન ₹675.05 કરોડ નોંધાયું છે. વિદેશી બજારોમાં પણ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. ફિલ્મે અત્યાર સુધીમાં ઓવરસીઝ માર્કેટમાંથી ₹358.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹1,033.55 કરોડ થઈ ગયું છે.
'પઠાણ' અને 'એનિમલ'ને પાછળ છોડ્યાં
રણબીર કપૂરની 'રામાયણ'એ માત્ર આઠ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર એવા આંકડા નોંધાવ્યા છે, જેને પાર કરવામાં અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મોને આખી થિયેટર રન દરમિયાન સમય લાગ્યો હતો. ફિલ્મે શાહરૂખ ખાનની 'પઠાણ'ના ₹544.28 કરોડના લાઇફટાઇમ ઇન્ડિયા નેટ કલેક્શનને પાછળ છોડી દીધું છે. એટલું જ નહીં, રણબીરની જ ફિલ્મ 'એનિમલ'ના ₹556.36 કરોડના કુલ ભારતીય નેટ કલેક્શનને પણ વટાવી દીધું છે. આ રીતે 'રામાયણ'એ માત્ર આઠ દિવસમાં જ બે મોટી ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે.
₹1,000 કરોડ ક્લબમાં સૌથી ઝડપી એન્ટ્રી
વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ₹1,000 કરોડની કમાણી કરવી કોઈપણ ભારતીય ફિલ્મ માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. 'રામાયણ'એ આ આંકડો માત્ર આઠ દિવસમાં પાર કરીને સૌથી ઝડપી ₹1,000 કરોડ કમાવનારી ભારતીય ફિલ્મોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં 'પુષ્પા 2: ધ રૂલ' અને 'ધુરંધર: ધ રિવેન્જ'એ માત્ર સાત દિવસમાં ₹1,000 કરોડનો આંકડો પાર કર્યો હતો. બીજી તરફ, 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન'ને આ સિદ્ધિ મેળવવામાં 10 દિવસ, 'RRR'ને 16 દિવસ અને શાહરૂખ ખાનની 'જવાન'ને 18 દિવસ લાગ્યા હતા.
'રામાયણ 2' ક્યારે થશે રિલીઝ? સની દેઓલની પણ એન્ટ્રી
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી 'રામાયણ'માં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના, યશ રાવણના અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળે છે. લ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા અને યશ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના પહેલા ભાગની સફળતા બાદ હવે દર્શકોની નજર તેના બીજા ભાગ પર છે. મળતી માહિતી મુજબ, 'રામાયણ'નો બીજો ભાગ 2027 અથવા 2028માં દિવાળીના અવસર પર રિલીઝ કરવાનું આયોજન છે. આ સિક્વલમાં સની દેઓલ ભગવાન હનુમાનના પાત્રમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મના પહેલા ભાગના પોસ્ટ-ક્રેડિટ સીનમાં સની દેઓલના હનુમાનજીના પાત્રની ઝલક પણ બતાવવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે બીજા ભાગમાં રામ અને હનુમાનની ભવ્ય જોડી પડદા પર કેવો જાદુ સર્જે છે.