ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને હાઈકોર્ટનો ઝટકો
3 મહિનાની જેલની સજા યથાવત, કોર્ટે વલણને ગણાવ્યું 'શંકાસ્પદ'

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Rajpal Yadav Cheque Bounce Case: બોલિવૂડના જાણીતા અભિનેતા અને હાસ્ય કલાકાર રાજપાલ યાદવ માટે 2026 નું વર્ષ આર્થિક અને કાનૂની મોરચે ભારે સંકટ લાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટે એક જૂના ચેક બાઉન્સ કેસમાં અભિનેતાની અરજીને ફગાવી દઈને તેને મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની સિંગલ બેન્ચે ટ્રાયલ કોર્ટ અને સેશન્સ કોર્ટના અગાઉના આદેશોને યથાવત રાખતા રાજપાલ યાદવને 3 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે અને સંબંધિત સત્તાવાળાઓને તેમને ફરીથી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કડક વલણ આપનાવતા અભિનેતાના વર્તનને "શંકાસ્પદ" ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે વારંવાર તકો આપવા છતાં તેઓ કોર્ટ સમક્ષ કરેલા પોતાના વાયદાઓ અને કરારોનું પાલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
શું છે આખો મામલો?
આ કાનૂની વિવાદની શરૂઆત વર્ષ 2010 માં થઈ હતી, જ્યારે રાજપાલ યાદવે દિગ્દર્શક તરીકે પોતાની નવી ફિલ્મ 'અતા પતા લપતા' બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મના પ્રોડક્શન અને ફંડિંગ માટે તેણે 'એમએસ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ અને રાજપાલ યાદવને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું. આ નુકસાનના કારણે તે સમયસર લોનની રકમ ચૂકવી શક્યો નહીં અને વ્યાજ સાથે આ રકમ વધીને આશરે 9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. દેવું ચૂકવવા માટે રાજપાલ યાદવ દ્વારા કંપનીને આપવામાં આવેલા તમામ ચેક બેંકમાંથી વારંવાર બાઉન્સ થતાં કંપનીએ તેની સામે કાનૂની કેસ દાખલ કર્યો હતો.
કાનૂની લડાઈનો ઈતિહાસ અને અગાઉની જેલની સજા
આ મામલો છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ અદાલતોમાં ચાલી રહ્યો છે. સૌથી પહેલા વર્ષ 2013 માં હાઈકોર્ટે રાજપાલ યાદવને 10 દિવસ માટે જેલમાં મોકલ્યો હતો, પરંતુ અપીલ બાદ તેને 4 દિવસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2018 માં મેજિસ્ટ્રેટ કોર્ટે તેને દોષિત ઠેરવી 6 મહિનાની જેલની સજા સંભળાવી હતી. નવેમ્બર 2018 માં તેને ફરીથી 3 મહિના માટે જેલમાં મોકલાયો હતો અને ફેબ્રુઆરી 2019 માં તે મુક્ત થયો હતો. વર્ષ 2019 માં સેશન્સ કોર્ટે પણ મેજિસ્ટ્રેટ કોર્ટના દોષિત ઠેરવવાના ચુકાદાને સમર્થન આપ્યું હતું. જૂન 2024 માં હાઇકોર્ટે તેની સજા પર અસ્થાયી રોક લગાવીને પરસ્પર સમાધાન કરવા માટે છેલ્લી તક આપી હતી. પરંતુ વચનો પૂરા ન થતાં 2 ફેબ્રુઆરી, 2026 ના રોજ હાઈકોર્ટે તેને 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. રાજપાલે વધુ સમય માંગ્યો જે કોર્ટે ફગાવી દીધો, અને આખરે 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ તેણે તિહાર જેલમાં સરેન્ડર કરવું પડ્યું હતું. 12 દિવસ જેલમાં વિતાવ્યા બાદ, ફરિયાદીના ખાતામાં 1.5 કરોડ રૂપિયા જમા કરાવવાની શરતે 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ તેને વચગાળાના જામીન મળ્યા હતા.
બોલિવૂડ સ્ટાર્સની આર્થિક મદદ પણ એળે ગઈ
ફેબ્રુઆરી 2026 માં જેલમાંથી મુક્ત થયા બાદ રાજપાલ યાદવે એક ભાવનાત્મક અપીલ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પાસે હવે પૈસા બચ્યા નથી અને આ કટોકટીમાંથી બહાર નીકળવા માટે કોઈ મિત્રો પણ મદદ નથી કરી રહ્યા. તેની આ લાચારી જોઈને ફિલ્મ ઈન્ડિસ્ટ્રીના સલમાન ખાન અને સોનુ સૂદ જેવા અગ્રણી સેલિબ્રિટીઓ અને કલાકારો તેની વહારે આવ્યા હતા અને તેને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડી હતી. બોલિવૂડ તરફથી આટલો મોટો આર્થિક ટેકો મળ્યા પછી પણ રાજપાલ યાદવ કંપનીનું બાકી દેવું અને કોર્ટ દ્વારા નક્કી કરાયેલી રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો, જેના કારણે કોર્ટે હવે આકરો નિર્ણય લેવો પડ્યો છે.
હાઈકોર્ટનો નવો આદેશ: દંડ અને વળતરની વિગતો
જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ સેશન્સ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી સજામાં ફેરફાર કરીને નવો આદેશ જાહેર કર્યો છે. કોર્ટે રાજપાલ યાદવ સામે નોંધાયેલી તમામ 7 ફરિયાદોના કેસમાં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. નવા આદેશ મુજબ રાજપાલ યાદવે તમામ 7 કેસોમાં ફરિયાદીને કેસ દીઠ 1.05 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેણે ફરિયાદીને અલગથી 1.04 લાખ રૂપિયા અને 75,000 રૂપિયા ચૂકવવાનો આદેશ પણ કરાયો છે. આ ઉપરાંત, તેણે રાજ્ય સરકારને દંડ પેટે 25,000 રૂપિયા ચૂકવવા પડશે. હાઈકોર્ટે રાજપાલ યાદવની પત્ની રાધા યાદવને પણ દરેક કેસમાં ફરિયાદીને 5,51,380 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે અભિનેતા દ્વારા અગાઉ જમા કરાવાયેલા 2.25 કરોડ રૂપિયાને આ અંતિમ ચુકવણીમાં એડજસ્ટ કરવામાં આવશે. આ તમામ સજાઓ એકસાથે ચાલશે અને આ ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે કોર્ટે રાજપાલ યાદવને 2 મહિનાનો સમય આપ્યો છે.
વારંવાર વચનો તોડવા બદલ અદાલતની કડક ટિપ્પણી
સુનાવણી દરમિયાન જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચે અભિનેતાના વલણ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે રાજપાલ યાદવે અગાઉ હપ્તામાં 2.5 કરોડ રૂપિયા ચૂકવવાની પરવાનગી માંગી હતી પરંતુ તેનું પાલન કર્યું નથી. કોર્ટે કહ્યું કે અભિનેતાને રકમ ચૂકવવા અને સમાધાન કરવા માટે ઘણી સુવર્ણ તકો આપવામાં આવી હતી, પરંતુ તેઓ કોર્ટના વિશ્વાસનો ભંગ કરીને પોતાના વચનો પૂરા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. જ્યારે રાજપાલ યાદવના વકીલે દલીલ કરી કે થોડા દિવસ જેલમાં રહ્યા પછી કોઈ વ્યક્તિ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી શકે, ત્યારે કોર્ટે જણાવ્યું કે બાકી રકમ અંગે અગાઉ ઘણી વખત કડક ચેતવણી આપવામાં આવી હતી. વારંવાર કરારના ભંગને કારણે હવે તેમને જેલમાં જવું જ પડશે અને હાઈકોર્ટના આ કડક વલણ બાદ અભિનેતાની મુશ્કેલીઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે.

સોશિયલ મીડિયા યુઝર્સે રાષ્ટ્રીય ધ્વજના અપમાનનો આરોપ લગાવ્યો, ત્યારે એક્ટ્રેસે ગાઉનને તિરંગાથી પ્રેરિત કોચર ડિઝાઇન ગણાવી સ્પષ્ટતા કરી.

GIVAની Raksha Bandhan Adમાં કૃતિ સેનનના પોશાકને લઈને વિવાદ થયો. કંગના રનૌતની ટીકા બાદ રાહુલ ગાંધીના સમર્થન વચ્ચે GIVAએ જાહેરાત પાછી ખેંચી.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.