ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 18 જૂને ચૂંટણી
10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Rajya Sabha Elections: દેશના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભારતીય ચૂંટણી પંચ (EC) દ્વારા શુક્રવારે દેશના 10 રાજ્યોની ખાલી પડી રહેલી કુલ 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના નોટિફિકેશન અનુસાર, આ તમામ બેઠકો પર આગામી 18 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બેઠકો પરના વર્તમાન સભ્યોનો કાર્યકાળ 21 જૂનથી 19 જુલાઈ, 2026 દરમિયાન પૂર્ણ થઈ રહ્યો છે, જેને પગલે આ નવી ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સંબંધિત રાજ્યોમાં રાજકીય પક્ષોએ પોતાની વ્યૂહરચના ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.
જૂન મહિનામાં જ પૂર્ણ થશે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા સમયપત્રક મુજબ, આ ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે. ત્યારપછી, ભરાયેલા ફોર્મની ચકાસણી (સ્ક્રુટિની) 9 જૂને હાથ ધરાશે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચવા માંગતા હોય, તો તેમના માટે 11 જૂન છેલ્લી તારીખ રહેશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જૂને મતદાન થશે અને તે જ દિવસે મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવશે.
ગુજરાત અને કર્ણાટક સહિતના રાજ્યોનું સમીકરણ
આ ચૂંટણી અંતર્ગત આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની ચાર-ચાર બેઠકો માટે મતદાન થશે. જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં ત્રણ-ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યો મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
EC announces Schedule for #RajyaSabha Elections to 24 Seats. #Elections2026 #ECI
— All India Radio News (@airnewsalerts) May 22, 2026
▪️Former Prime Minister H. D. Devegowda and Union Ministers George Kurian and Ravneet Singh are among the Members who are completing their terms next month. pic.twitter.com/rUuCzbeS2W
ગુજરાતની 4 મહત્વની બેઠકો પર ચૂંટણી
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની 4 મહત્વની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાંથી ભાજપના રામભાઈ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. પક્ષોના વર્તમાન સંખ્યાબળને આધારે આ બેઠકો સર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એક્શન મોડમાં આવી ગયા છે.
મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહ સહિતના દિગ્ગજો નિવૃત્ત થશે
આ વખતે નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં દેશના અનેક કદાવર નેતાઓ સામેલ છે. જેમાં મુખ્યત્વે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનો સમાવેશ થાય છે. આ સિવાય કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન પણ નિવૃત્ત થઈ રહ્યા છે.
રાજ્યવાર નિવૃત્ત થતા સભ્યોની યાદી નીચે મુજબ છે:
ગુજરાત (4): રામભાઈ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ, રમીલાબેન બારા.
આંધ્ર પ્રદેશ (4): અયોધ્યા રામી રેડ્ડી અલ્લા, પરિમલ નથવાણી, પિલ્લી સુભાષચંદ્ર બોઝ, સાના સતીશ બાબુ.
કર્ણાટક (4): મલ્લિકાર્જુન ખડગે, એચ.ડી. દેવગૌડા, નારાયણા કોરગપ્પા, ઇરન્ના કડાડી.
મધ્ય પ્રદેશ (3): જ્યોર્જ કુરિયન, દિગ્વિજય સિંહ, સુમેર સિંહ સોલંકી.
રાજસ્થાન (3): નીરજ ડાંગી, રાજેન્દ્ર ગહલોત, રવનીત સિંહ.
ઝારખંડ (2): દીપક પ્રકાશ, શિબુ સોરેન (બેઠક ખાલી).
મણિપુર, મેઘાલય, અરુણાચલ, મિઝોરમ (1-1): મહારાજા સનાજાઓબા લિશેમ્બા, વાનવેઇરોય ખારલુખી, નાબામ રેબિયા અને કે. વનલાલવેના.
સામાન્ય ચૂંટણીથી કેટલી અલગ છે રાજ્યસભાની પ્રક્રિયા?
રાજ્યસભાના સાંસદોની ચૂંટણી પ્રક્રિયા સામાન્ય લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ કરતાં તદ્દન ભિન્ન હોય છે. આ ગૃહમાં સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે દેશની જનતા સીધું મતદાન કરતી નથી પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો (MLAs) વોટ આપે છે. રાજ્યસભા એ સંસદનું 'કાયમી ગૃહ' છે, જેનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના બદલે દર બે વર્ષે તેના એક તૃતીયાંશ (1/3) સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલી જ બેઠકો માટે ફરી ચૂંટણી થાય છે. સંસદના આ ઉપલા ગૃહની કુલ બેઠકોની સંખ્યા 245 છે. જેમાંથી 233 બેઠકો પર ધારાસભ્યોના મતદાન દ્વારા સભ્યો પસંદ થાય છે, જ્યારે બાકીના 12 સભ્યોની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ દ્વારા કળા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોના નિષ્ણાતોમાંથી કરવામાં આવે છે.
કઈ રીતે નક્કી થાય છે જીતનું ગણિત?
રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનવા માટે જરૂરી મતોની સંખ્યા અગાઉથી ફોર્મ્યુલા મુજબ નક્કી હોય છે. આ ગણતરી જે-તે રાજ્યના કુલ ધારાસભ્યોની સંખ્યા અને ખાલી પડેલી બેઠકોની સંખ્યાના આધારે કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ (એકલ સંક્રમણીય મત પદ્ધતિ) કામ કરે છે, જેમાં એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 આંકવામાં આવે છે. ધારાસભ્યોએ બેલેટ પેપર પર પોતાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય પસંદગી દર્શાવવાની હોય છે. આ જટિલ ગણિતને કારણે જ દરેક પક્ષ પોતાના ધારાસભ્યો અકબંધ રાખવા માટે છેલ્લી ઘડી સુધી કવાયત કરતો જોવા મળે છે.

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ

મહેમદાવાદમાં બે જિલ્લા પંચાયત બેઠકો બિનહરીફ જાહેર