વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી
કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ

ચૂંટણી

ચૂંટણી
વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કરજણ અને શિનોર તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતા આ બંને બેઠકો બિનહરીફ રીતે ભાજપના ફાળે ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ બંને બેઠકો માટે ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ શૌચાલયનું કહેવાયું છે.
કરજણ અને શિનોરમાં તલાટીના રિપોર્ટને આધારે ફોર્મ રદ
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની બારસામણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદિયા અને ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજ હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ત્યાં શૌચાલય નહીં હોવાનો ભાજપના ઉમેદવારે રજૂઆત કરી વાંધો ઉઠાવ્યો હતો. તલાટીના રિપોર્ટમાં પણ શૌચાલય નહીં હોવાનો ઉલ્લેખ હોવાથી ફોર્મ રદ થયું હતું. જો કે, કોંગ્રેસના ઉમેદવારે આ નિર્ણય ખોટો હોવાનું કહ્યું છે. તે મામાને ત્યાં રહે છે અને ત્યાં શૌચાલય હોવાથી ગત વર્ષે જ ગ્રામ પંચાયતમાં તે ચૂંટાયા હોવાનું કહ્યું છે.
આવી જ રીતે શિનોર તાલુકા પંચાયતની વિભાગ-1ની બેઠક પર ભાજપના પ્રમોદ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર રમેશ વસાવા પાસે શૌચાલય નહીં હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તલાટીનો રિપોર્ટ શૌચાલય હોવાનું દર્શાવતો હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ કેસમાં અધિકારીએ ઉમેદવારે દર્શાવેલા સરનામા પર મુલાકાત લેતા તેમાં શૌચાલય નહીં મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી કોંગ્રેસના ઉમેદવારે લીગલ કાર્યવાહી પણ કરવાનું નક્કી કર્યું છે. આમ, કોંગ્રેસના બે ફોર્મ રદ થતાં બંને બેઠકો ભાજપને ફાળે આવી છે.
જો શૌચાલય ના હોય તો હું સરપંચ અને મારી પત્ની પંચાયતની સભ્ય કેવી રીતે ચૂંટાયા?
કરજણની બાર સામણી બેઠક પર ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવારે હૈયા વરાળ ઠાલવી હતી. કોંગી ઉમેદવાર જ્યોત્સનાબેન રાજના પતિ વિપુલભાઈએ કહ્યું હતું કે, 'અમે વર્ષોથી મારા મામાને ત્યાં રહીએ છીએ અને એક જ રસોડું છે. શૌચાલયની પણ વ્યવસ્થા છે. જે મુજબ ફોર્મ ભરીને વર્ષ 2018માં હું સરપંચ બન્યો હતો. વર્ષ ૨૦૨૫માં આ જ પ્રકારે ફોર્મ ભરીને મારી પત્ની ગ્રામ પંચાયતમાં ચૂંટાઈ હતી. તે વખતે ફોર્મ મંજૂર થયું હતું. પરંતુ આ વખતે ગયા વખતની જેમ જ ફોર્મ ભર્યું હોવા છતાં અમારું ફોર્મ રદ થતાં અમે વિરોધ વ્યક્ત કર્યો છે.'
રણોલી બેઠકના ભાજપના મહિલા નેતા બિનહરીફ જાહેર
બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી ચૂંટણી અંગે ઉમેદવારી નોંધાવનારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ આજે પરત ખેંચી લેતા રણોલી બેઠકના ભાજપના ઉમેદવાર કૈરવીબા જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર છે.
સાવલીના પૂર્વ ડિરેક્ટરે પણ કોંગ્રેસનું ફોર્મ પાછું ખેંચાવ્યુ
સાવલી તાલુકામાં તાજેતરમાં બરોડા ડેરીની ચૂંટણીમાં પાતળી સરસાઈથી પરાજય પામેલા પૂર્વ ડિરેક્ટર કુલદીપ સિંહ રાહુલજી સામે ભાજપના ધારાસભ્યના ટેકેદાર વિજય બન્યા હતા અને આ બેઠક હાઈ પ્રોફાઈલ બની હોવાથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. ડેરીના પૂર્વ ડિરેક્ટર હવે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ સક્રિય બન્યા હતા અને સાવલીની વેજપુર બેઠક ના કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન રાઠોડનું ફોર્મ પરત ખેંચાવતા ભાજપના ક્રિષ્નાબેન મહેતા બિનહરીફ જાહેર થયા છે. જ્યારે વડોદરા જિલ્લા પંચાયતની કરજણ તાલુકાની ચોરંદા બેઠક પણ બિનહરીફ થઈ હોવાની માહિતી મળી છે.

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

મહેમદાવાદમાં બે જિલ્લા પંચાયત બેઠકો બિનહરીફ જાહેર