ખાતો નથી, પણ ખાય જાય છે અધિકારીઓ
“હું ખાતો નથી ને ખાવા દેતો નથી”—આ ડાયલોગ આજે પણ રાજકીય ભાષણોમાં ગુંજે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ શબ્દો ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સનો દાવો કરે છે. તાજેતરમાં તેમણે એજન્સીઓને “છૂટો દોર” આપ્યાનો પણ દાવો કર્યો. અને એ જ દાવા વચ્ચે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મંગળવારની વહેલી સવારથી સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાન અને તેમના સાથી અધિકારીઓના ઠેકાણાંએ ત્રાટકી.
આ ઘટના પહેલી નથી. આ પહેલા પણ સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ કલેક્ટર કે. રાજેશ ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયા હતા. સુરતના ભૂતપૂર્વ કલેક્ટર આયુષ ઓક સામે આજે પણ ખાતાકીય તપાસ ચાલી રહી છે. છતાં સવાલ એ છે—શું આ કાર્યવાહી ભ્રષ્ટાચારની જડ સુધી પહોંચે છે કે ફક્ત પાંદડાં કપાય છે?
EDની તપાસ મુજબ, રાજેન્દ્ર પટેલ, તેમના અંગત સચિવ વિરાજસિંહ ઝાલા, ક્લર્ક મયુરસિંહ ગોહિલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એક વકીલ સામે જમીન અધિગ્રહણમાં મોટી ગેરરીતિના આક્ષેપ છે. માલવણ, લખતર, પાટડી સહિતના વિસ્તારોમાં આશરે ₹1500 કરોડની જમીન ડીલમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે. ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી ₹60 લાખ રોકડા મળ્યાની ચર્ચા છે. લાંચ રૂશ્વત બ્યુરોમાં નોંધાયેલી ફરિયાદમાં કલેક્ટરને સહઆરોપી બનાવવામાં આવ્યા છે.
આ તમામ વિગતો ગંભીર છે. પરંતુ એથી વધુ ગંભીર સવાલ એ છે કે શા માટે હંમેશાં થોડાં અધિકારીઓ જ ઝડપાય છે? ગુજરાત લાંચ રૂશ્વત બ્યુરોના આંકડા કહે છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ, મહેસૂલ, પંચાયત, ગ્રામીણ વિકાસ અને આવાસ વિભાગોમાં નોંધાય છે. પરંતુ જે વિભાગોનો સીધો સંપર્ક ઉદ્યોગ, બિલ્ડર, પોર્ટ, ઊર્જા, પેટ્રોલિયમ અને શહેરી વિકાસ સાથે છે—ત્યાંથી કેમ કોઈ “કદાવર” નામ બહાર આવતું નથી?
સુરતમાં એક IPS અધિકારી વિશે કહેવાતું હતું કે “શિવાજીએ જેટલું સુરત લૂંટ્યું નથી, એટલું આ અધિકારીએ લૂંટ્યું.” એક ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનરને “મનીદાસ”નું ઉપનામ મળ્યું. નિવૃત્તિના દિવસોમાં JCBથી પૈસા ઉસેડવાની ચર્ચાઓ પોલીસ બેડામાં ફેલાયેલી હતી. નોટબંધી વખતે સુરતના હીરા ઉદ્યોગમાં ₹50 કરોડ રોકડમાં હીરા ખરીદાયા હોવાની વાતો પણ પોલીસ ભવન સુધી પહોંચેલી. પરંતુ આ બધું ફક્ત ચર્ચા બની રહે છે—કારણ કે તપાસ ત્યાં સુધી પહોંચતી જ નથી.
જો વડાપ્રધાન ખરેખર “ખાતા નથી ને ખાવા દેતા નથી”, તો સત્તાધારી પક્ષના નેતાઓ મોંઘી લક્ઝરી ગાડીઓમાં ફરતા કેવી રીતે થયાં? શું તેઓ બધા ચાંદીની ચમચી લઈને જન્મ્યા હતા? શું તમે ક્યારેય કોઈ મોટા નેતાના ઘરે ED કે CBIના દરોડા સાંભળ્યા છે?
સુરતમાં આયુષ ઓક પર ₹2700 કરોડના નુકસાનના આક્ષેપ થયા, પરંતુ પરિણામ—માત્ર સસ્પેન્શન અને તપાસ. બીજી તરફ, નાના કર્મચારીઓ તરત જ પકડાઈ જાય છે. તો શું કાયદો માત્ર નબળા માટે છે?
સત્તાપક્ષ આજે પણ દાવો કરે છે કે તેમના શાસનમાં ભ્રષ્ટાચારથી મુક્તિ મળી. અને ગુજરાતીઓ મૂંગા પશુઓની જેમ માથું હલાવે. કોંગ્રેસનો ભ્રષ્ટાચાર દેખાય છે, ભાજપના શાસનમાં કેમ નથી દેખાતો—આ પ્રશ્ન જ સૌથી મોટો છે.
હકીકત કડવી છે—કાગડા બધે કાળા જ છે. ફરક માત્ર એટલો છે કે જોનારાં ચશ્માં કયા રંગના છે—રંગીન કે બ્લેક એન્ડ વ્હાઇટ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?