ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલ છિછરૂ રાજકીય રણક્ષેત્ર વધુ ગરમાયું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રજાને બૂટલેગિંગના વિડિઓ મોકલવાની અપિલ કરી, પરંતુ આ નિવેદન તેમના માટે સાપે છછુંદર ગળ્યાં જેવા ઘાટ ઘડ્યો છે. વિપક્ષે એ જ મુદ્દેથી રાજ્યમાં IMFL દારૂ કેવી રીતે વહે છે, કેવી રીતે ફેક્ટરીમાં નશા બનાવાય છે, અને સ્ટ્રીટ પર ડ્રગ્સ વેચાય છે, તેના ગંભીર આક્ષેપો કરી સરકારની પોલ ખોલી નાખી.
આ વચ્ચે એને વધુ ઇંધણ આપતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધમાકેદાર એન્ટ્રી લઈને મેદાનમાં ઉતર્યા છે. એક પછી એક દસ્તાવેજી પૂરાવા, જૂના અખબારી કટિંગ, સ્ટેટમેન્ટ્સ—બધું એક સાથે મૂકી તેમણે જે રાજકીય ભૂકંપ સર્જ્યો છે, તેમાં સત્તા પક્ષને રક્ષણાત્મક બનવું પડ્યું છે. તેમણે સંસ્કારી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના ભૂતકાળ કાળા કરતૂત જાહેર કર્યાં છે. જે સત્તા પક્ષ અને પોલીસ બન્ને ને ભારે પડવાના છે.
વિપક્ષના જીગ્નેશ મેવાણીના ‘પોલીસના પટ્ટા ઉતારવાની ચીમકી’ પર ભૂંયભૂયાટ મચાવનાર સત્તાધીશો, ગોપાલ ઇટાલિયાએ બતાવેલા 2013ના હર્ષ સંઘવીના પોતાનાં જ ટાંટિયા તોડવાના ધમકાવણાના કેસ પર શાંતિ સમાધિ ધારણ કરતા દેખાયા. ઇટાલિયાએ મૂકેલા આ પુરાવાએ રાજ્યના રાજકારણમાં ડબલ સ્ટાન્ડર્ડના નંગા નૃત્યને બહાર લાવી દીધું છે.
એટલું જ નહીં—રાજકીય હુમલા પાછળ ભાજપના આંતરિક જૂથો સંઘવીને ઘેરવા ઉતર્યા હોવાની ચર્ચાએ વધુ ચિંતા ઊભી કરી છે. ‘એક તરફથી વિપક્ષ અને બીજી તરફથી પોતાના જ લોકો’—તેવું રાજકીય એકટરેકશન રાજ્યમાં અગાઉ ઓછું જોવા મળ્યું છે.
અહીં સૌથી ચોંકાવનારું રમતિયાળ વર્તન રહ્યું પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયનું. તેઓ એવા મુદ્દે કૂદી પડ્યા જ્યાં એક એક્ટિવિસ્ટ કે રાજનેતા નહીં પરંતુ પોલીસ વડા તરીકે તેમને સંયમ દાખવવો જોઇએ હતો. સંવિધાન અનુસાર ઇલેક્ટેડ વિંગને એક્ઝીક્યુટિવની કામગીરી પર નજર રાખવાનો અધિકાર છે—પરંતુ વિપક્ષને ઠપકો આપી, સહાયે પોતે જ પક્ષપાતી પ્રતિક્રિયા આપી દીધી.
જો પોલીસ મહાનિર્દેશકને મેવાણીની ભાષા કડવી કે બિનસંસ્કારી લાગી હોય, તો ભાજપના MLA હિરાભાઈ સોલંકીનો વાયરલ વિડિયો—જેમાં તેઓ પણ 'પટ્ટા ઉતરાવવાની' જ ભાષા બોલે છે—તે બાબતે DG સાહેબે શા માટે કંઇ કહ્યું નથી? શું પોલીસ વિભાગ બે ત્રાજવાના સિદ્ધાંતો પર ચાલે છે—એક સત્તા માટે, એક વિપક્ષ માટે?
જાહેર જનજીવનનાં પ્રશ્નો—દારૂ, ડ્રગ્સ, બૂટલેગિંગ, પોલીસની નિષ્ફળતા, તેના બદલે રાજનેતાઓ કેમ કાદવિયાળ દાવપેચોમાં ઊતરી ગયા છે? પ્રજાએ સત્તા ‘સેવા માટે’ સોંપી છે—પરંતુ સત્તા-વિપક્ષના આ કલહમાં પ્રજા ક્યાંક બલિડોંઢ બની રહી છે.
રાજકીય સર્કસ ચાલુ છે—પણ પ્રશ્ન એ છે કે જનતા ની સુરક્ષા, નશા નાબૂદી, અને કાયદો-વ્યવસ્થાનો સાચો રિફોર્મ ક્યારે આવશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?