ભાજપને હંમેશા શિસ્તબદ્ધ કેડર પક્ષ તરીકે ઓળખવામાં આવ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું જાહેરમાં ન બોલવું એટલે નારાજગી નથી, એવું માનવું યોગ્ય છે? છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના પાયાના પથ્થરો, એટલે કે કાર્યકરોમાં અસંતોષ ધીમે ધીમે ઘૂંટાઈ રહ્યો હતો. ૩૬૫ દિવસ સતત કાર્યક્રમો, ફરજ, રેલી, પ્રચાર—પણ જ્યારે સત્તા વહેંચવાની વાત આવે, ત્યારે “આયારામ-ગયારામ” માટે થાળી ભરાય અને મજૂરી કરનારા કાર્યકરો ખાલી હાથ રહે—આ ભાવના પક્ષ માટે ખતરનાક બની રહી હતી.
સત્તાના જોરે સત્તા જાળવી રાખી શકાય છે, પરંતુ સેના વગર યુદ્ધ જીતાતું નથી—આ સત્ય આખરે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને સમજાયું હોય તેમ લાગે છે. તાજેતરમાં થયેલ મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ સંગઠનની પુનઃરચના તેનો સ્પષ્ટ સંકેત આપે છે. તેમ છતાં એક મોટો પ્રશ્ન યથાવત છે—પક્ષના નેતાઓ કરતાં સરકારી બાબુઓ પર વધુ વિશ્વાસ કેમ? શું નેતૃત્વને ડર છે કે સત્તા આપતાં જ ભ્રષ્ટાચાર થશે અને પક્ષની છબી દાગી બનશે?
પ્રદેશ ભાજપ સંગઠનની નવી રચનામાં સામાજિક, જાતિગત અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ દેખાય છે. સૌથી મહત્વની વાત એ છે કે જૂના ચહેરાઓને ફરી જવાબદારી સોંપવામાં આવી છે. સ્વર્ગસ્થ પ્રહલાદ પટેલ, સુરેન્દ્ર પટેલ અને પરીન્દુ ભગતે જેમ પક્ષને આર્થિક રીતે મજબૂત બનાવ્યો હતો, તેમમાંથી પરીન્દુ ભગતને ફરી કોષાધ્યક્ષ બનાવવાનો નિર્ણય એ સંદેશ આપે છે કે વિશ્વાસ હજુ પણ અનુભવ પર છે.
પૂર્વ AMC સ્થાયી સમિતિ ચેરમેન ડૉ. અનિલ પટેલને મુખ્ય પ્રવક્તા બનાવીને નેતૃત્વે સ્પષ્ટ કરી દીધું છે કે મીડિયા સામે જવાબદારી હવે જૂના જોગીઓ સંભાળશે. એ જ રીતે, ભરત પંડ્યા જેવા નેતાઓનો ઇતિહાસ યાદ કરાવવો જરૂરી છે—૧૯૮૦ના દાયકાથી સંગઠન, ધારાસભ્યપદ, મહામંત્રી અને મુખ્ય પ્રવક્તા તરીકેની તેમની ભૂમિકા કેડર આધારિત રાજકારણનું જીવંત ઉદાહરણ છે.
પ્રશાંત કોરાટને પ્રદેશ મહા મંત્રી બનાવવો એ યુવા લોહીને આગળ લાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે. યુવા મોરચામાં કરેલા કામના આધારે તેમને આ જવાબદારી મળી છે. એ જ રીતે હિતેન્દ્રસિંહ ચૌહાણને મહામંત્રી બનાવવાનો નિર્ણય ભાજપના યુવા નેતૃત્વ પર વિશ્વાસ દર્શાવે છે.
આની પાછળની ગણિત સ્પષ્ટ છે—૩૦થી ૪૫ વર્ષની વયના નેતાઓને કેન્દ્રમાં રાખીને, રાજ્યભરમાં પ્રવાસ, સંપર્ક અને સંગઠન મજબૂત કરવાનું આયોજન. આ રીતે ભાજપ ભવિષ્યની સંપૂર્ણ કેડર તૈયાર કરી રહ્યો છે. કોંગ્રેસ માટે આ મોટો પાઠ છે, જ્યાં ન તો જૂના જોગીઓ નિવૃત થાય છે, ન તો યુવાઓને આગળ આવવાની તક મળે છે—ફળે ભવિષ્યની કેડર જ ઊભી થતી નથી.
અંતે, ભાજપની આ પુનઃરચના એક સ્પષ્ટ સંદેશ આપે છે—આવનારા દિવસોમાં પ્રદેશ અને જિલ્લા સંગઠન નવી પેઢીના હાથમાં જશે. જૂના જોગીઓ ઇચ્છે કે ન ઇચ્છે, પરોક્ષ નિવૃત્તિ હવે અનિવાર્ય બનતી જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?