મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય પરિવર્તન: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને મહાસત્તાઓનું વર્ચસ્વ એરણ પર
વર્તમાન ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ, જે હવે દ્વિપક્ષીય દુશ્મનાવટથી આગળ વધીને વિકરાળ સ્વરૂપ આકાર લઈ રહ્યો છે, તે મધ્ય પૂર્વનો ભૂ-રાજકીય નકશો ફરીથી દોરવાની ધમકી આપે છે. જો અમેરિકા, બ્રિટન અને યુરોપીય દેશો ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધમાં ઔપચારિક રીતે જોડાય, તો તેના પરિણામો આ ક્ષેત્રથી વધુ વિસ્તૃત થઈ શકે છે અને શીત યુદ્ધ પછીના સૌથી જોખમી પૂર્વ-પશ્ચિમ વચ્ચે સ્ટેટેજીક ખેંચતાણ અને વિશ્વ અધિપત્યનો જંગ વધારશે.
ઈઝરાયેલ માટે વોશિંગ્ટનનું લશ્કરી અને રાજદ્વારી સમર્થન કોઈ નવી વાત નથી, પરંતુ પશ્ચિમી સત્તાઓ સાથેના પ્રત્યક્ષ ગઠબંધનથી આ મુકાબલો સંપૂર્ણ પ્રાદેશિક યુદ્ધમાં રૂપાંતરિત થઈ શકે છે. આવું પગલું, તેમ છતાં, શૂન્યાવકાશમાં નહીં લેવાય. ઈરાનના વ્યૂહાત્મક સહયોગીઓ રશિયા અને ચીન કદાચ યુદ્ધભૂમિમાં પ્રત્યક્ષ ઉતરશે નહીં, પરંતુ તેમનો પ્રતિસાદ—લશ્કરી રીતે છુપાયેલો અથવા રાજદ્વારી રીતે સ્પષ્ટ—ગઠબંધનોને ફરીથી આકાર આપી શકે છે. મોસ્કો સીરિયાના તારતુસ ખાતેના પોતાના નૌકાદળ બેઝનો ઉપયોગ કરીને પશ્ચિમી પ્રભાવનો મુકાબલો કરી શકે છે, જ્યારે બેઈજિંગ, જે મધ્ય પૂર્વીય ઉર્જા પર આધારિત છે, તે આર્થિક રીતે અથવા પ્રોક્સી દાવપેચથી બદલો લઈ શકે છે, જેમ કે ગલ્ફના દેશો સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા અથવા બ્રિક્સ-આગેવાની હેઠળના વિકલ્પોને વેગ આપવો.
જે કંઈ સામે આવી રહ્યું છે તે માત્ર પ્રાદેશિક યુદ્ધ નથી, પરંતુ વ્યૂહાત્મક પક્કડ માટેની લડાઈ છે. પશ્ચિમ, ઈઝરાયેલની સુરક્ષાના બેનર હેઠળ, ઈરાનને લશ્કરી અને રાજદ્વારી રીતે દબાવવાનો ઈરાદે લાગે છે. પરંતુ આમ કરવાથી, તે રશિયા અને ચીનને મધ્ય પૂર્વથી દૂર ધકેલવાનું જોખમ લે છે—અથવા, તેનાથી બિલકુલ ઉંધુ, પૂર્વની આ બે મહાસત્તાને મધ્ય પૂર્વના દેશોમાં વધુ રસ લેતાં કરવાનો પણ વ્યૂહ હોય શકે છે. બન્ને દેશની સત્તાઓએ લાંબા સમયથી આરબ શાસનનું સમર્થન કર્યું છે, વૈચારિક નિકટતાને કારણે નહીં, પરંતુ અમેરિકી આધિપત્યને મર્યાદિત કરવા. જો યુદ્ધ વિસ્તરે, તો આ પ્રયાસો કઠોર પ્રતિબદ્ધતાઓમાં પરિવર્તિત થઈ શકે છે.
આ સંઘર્ષ સ્પર્ધાની નવી ધરીને ચિહ્નિત કરી શકે છે: યુરોપમાં પૂર્વ વિરુદ્ધ પશ્ચિમ નહીં, પરંતુ પશ્ચિમ એશિયાના રણ અને બંદરોમાં. આ પુનઃગોઠવણ રિયાદથી બેઈજિંગ સુધી સુરક્ષા સિદ્ધાંતોને ફરીથી દોરી શકે છે. મધ્ય પૂર્વ, જે લાંબા સમયથી અમેરિકાની શતરંજ બોર્ડ તરીકે જોવાય છે, તે કદાચ હવે એવો અખાડો બની શકે છે જ્યાં પ્રતિસ્પધી સામ્રાજ્યો માત્ર શસ્ત્રોની જ નહીં—પરંતુ પ્રભાવ, ધીરજ અને વિચારધારાની પરીક્ષા કરે છે.
આ ક્ષણે, આરબ રાજધાનીઓનું મૌન અને રશિયા અને ચીનની ધીમી પરંતુ સ્થિર કૌશલ્યપૂર્ણ ચાલ એક સત્ય સૂચવે છે: આ યુદ્ધ માત્ર ઈરાન અને ઈઝરાયેલ વિશે નથી. આ યુધ્ધના પરીણામ નક્કી કરશે, આગામી વરસોમાં મધ્યપૂર્વના દેશો, ક્રુડ તેલના બજાર અને દરિયાઇ માર્ગ પર કોનું પ્રભૂત્વ હશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?