દંભી છીએ આપણે બધા. એક બાજુ માં અંબાની આરાધના, અંબાજી, પાવાગઢ, ચોટીલા, ખોડિયાર સુધી પગપાળા યાત્રાઓ. સ્ત્રીને આદ્યશક્તિ ગણીને પૂજવાનો દંભ. અને બીજી બાજુ, ઘરમાં દીકરી જન્મે તો એને “ભાર” માનવાની માનસિકતા. જો આ દંભ નથી, તો પછી શું છે? ૨૧મી સદીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના નારા ગુંજાય છે, પરંતુ હકીકતમાં દરવાજા મોકળા છે અને ખાળે ડુચા. પ્રશ્ન સીધો છે — ગુજરાતમાં આજે પણ બાળલગ્ન કેમ થાય છે?
નેશનલ હેલ્થ સર્વે અને રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા ચોંકાવનારા છે. ગુજરાતમાં ૧૩ થી ૧૬ વર્ષની કુલ ૧૬૩૩ દીકરીઓ સગર્ભા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. વલસાડ (૧૯૦), દાહોદ (૧૩૩), જામનગર (૯૦), મહેસાણા (૭૮), સાબરકાંઠા (૭૬), અમદાવાદ શહેર (૬૩), ભરૂચ (૬૦), રાજકોટ (૫૧), પંચમહાલ (૫૦) — આ આંકડા કોઈ અફવા નથી, આ રાજ્યના જ રેકોર્ડ છે. પ્રશ્ન એ છે કે, જો બાળલગ્ન નથી થતા, તો ૧૩ વર્ષની દીકરી સરકારી રેકોર્ડમાં સગર્ભા કેવી રીતે બને?
ગુજરાત અને દેશમાં Prevention of Child Marriage Act, 2006 કાયદો હોવા છતાં, 2017 થી 2021 દરમિયાન ગુજરાતમાં માત્ર 61 PCMA કેસ નોંધાયા. આ આંકડો સફળતા નથી, પરંતુ વહીવટી નિષ્ફળતાનો પુરાવો છે. કારણ કે ઓછા કેસનો અર્થ ઓછા ગુના નહીં, પરંતુ ઓછું નોંધાણું, ઓછું હસ્તક્ષેપ અને વધુ મૌન છે. NCRBના આંકડા દર્શાવે છે કે 2017 થી 2021 દરમિયાન દેશભરમાં PCMA કેસ 395 થી વધીને 1050 થયા. એટલે કાયદો છે, ગુનો છે, પણ ગુજરાતનું તંત્ર ઉંઘે છે.
બાળલગ્નના પરિણામ માત્ર કાગળ પર નથી, તે શરીર પર લખાય છે. ગુજરાતમાં દર એક હજાર સગર્ભ સ્ત્રીએ ૫૩ સ્ત્રીઓનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થાય છે. Infant Mortality Rate 2015માં 33 હતી, જે 2019માં 25 થઈ છે, પરંતુ પ્રશ્ન એ છે કે — આ મૃત્યુમાં કેટલીઓ ૧૮ વર્ષથી ઓછી વયની માતાઓ છે? આ સવાલનો જવાબ રાજ્ય ક્યારેય જાહેર કરતું નથી.
આરોગ્ય સંકટ અહીં અટકતું નથી. ગુજરાતમાં ૦ થી ૫ વર્ષના ૩૨ ટકા બાળકોની ઊંચાઈ સામાન્ય કરતાં ઓછી, ૨૪ ટકા બાળકોનું વજન ધોરણ કરતાં ઓછું અને ૭ ટકા બાળકો અત્યંત પાતળા છે. આ સ્પષ્ટ કરે છે કે કુપોષણ, કિશોરી માતૃત્વ અને બાળલગ્ન એકબીજાથી અલગ મુદ્દા નથી — એ એક જ સાંકળ છે.
દેશભરમાં કેટલીક રાજ્યોમાં સુધારો થયો છે. NFHS-5 અનુસાર બાળલગ્નનો દર 2006માં 47% હતો, જે 2019–21માં 23.3% થયો છે. કેરળ (0.1%), હિમાચલ (0.4%) જેવા રાજ્યો ઉદાહરણ આપે છે. તો પછી ગુજરાત કેમ પાછળ છે? શું કારણ માત્ર “સામાજિક રિવાજ” છે કે પછી રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ?
કેન્દ્ર સરકારે 2024માં stopchildmarriage.wcd.gov.in પોર્ટલ શરૂ કર્યું, NGO રિપોર્ટ્સ 69% ઘટાડાની વાત કરે છે. પરંતુ ગુજરાત માટે પ્રશ્ન યથાવત છે — જ્યારે દીકરીઓ બાળપણમાં માતા બની રહી છે, ત્યારે સરકારના દાવાઓ કોણ માનશે?
એક જૂઠને છુપાવવા હજાર જૂઠ બોલવા પડે. બાળલગ્નના મુદ્દે પણ એ જ થઈ રહ્યું છે. દેવી પૂજાય છે, દીકરી વેંચાય છે. આ વિસંગતિ સામે મૌન રાખવું એ પણ ગુનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?