તમે કોઈ વ્યક્તિ કે વિચારધારાનો ત્યારે જ તીવ્ર વિરોધ કરો છો, જ્યારે તમને એનાથી અસહમતિ હોય — અથવા ભીતિ સતાવતી હોય કે જો આ વ્યક્તિ, તેનું નામ અથવા તેની સાથે જોડાયેલી વિચારધારા જીવંત રહેશે, તો તમારી રાજકીય કે વિચાર ધારા પ્રસ્થાપિત કરવાની ઘેલચ્છા અધુરી રહી જશે. શક્યતા ઘટી જશે. આ જ કારણે આજે ફરી પ્રશ્ન ઊભો થાય છે કે મોહનદાસ કરમચંદ ગાંધી, જેમને રવિન્દ્રનાથ ટાગોરે “મહાત્મા” કહી સંબોધ્યા, તેમની શાંતિ, અહિંસા અને સર્વધર્મ સમભાવની વિચારધારા કોને ખટકે છે — અને કેમ?
છેલ્લાં થોડા વર્ષોમાં જમણેરી રાજકારણ સંપૂર્ણ સત્તામાં આવ્યા બાદ, મહાત્મા ગાંધીને ભારત–ઇન્ડિયા–હિન્દુસ્તાનના ભાગલા માટે એકમાત્ર જવાબદાર તરીકે રજૂ કરવાની સુનિયોજિત કોશિશો વધી છે. જાણી જોઇને ખોટું નેરેટિવ ફેલાવવામાં આવે છે કે ભાગલા માત્ર ગાંધીને કારણે થયા અને પાકિસ્તાનને રૂ. 55 કરોડ આપવાનું નિર્ણય પણ ગાંધીનો હતો. આ બંને દાવાઓ ઇતિહાસના તથ્યો સામે ઊભા નથી રહેતા, છતાં તેને વારંવાર પ્રચારિત કરવામાં આવે છે.
આ રાજકીય વલણનું તાજું ઉદાહરણ ડિસેમ્બર 2025માં જોવા મળ્યું, જ્યારે કેન્દ્ર સરકારે "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (MGNREGA)" નું નામ બદલીને “પૂજ્ય બાપુજી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ” કર્યું. સવાલ એ નથી કે “બાપુ” શબ્દ અપમાનજનક છે કે નહીં; સવાલ એ છે કે “મહાત્મા ગાંધી” નામ દૂર કરવાની જરૂર કેમ પડી? સરકાર તરફથી કોઈ સ્પષ્ટ, તાર્કિક કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ રાજકીય સંકેત સ્પષ્ટ છે — ગાંધી નામ અને ગાંધી વિચાર આંખમાં કણાની જેમ ખૂંચે છે.
ગાંધીને ભાગલા માટે જવાબદાર ઠેરવવાનો દાવો મૌલાના અબદુલ કલામ આઝાદની આત્મકથાત્મકના પુસ્તક India Wins Freedom દ્વારા જ ખોટો સાબિત થાય છે. આ પુસ્તક મુજબ, સરદાર વલ્લભભાઈ પટેલ ભાગલા સ્વીકારનાર પ્રથમ મુખ્ય નેતાઓમાં હતા. મૌલાના અબ્દુલ કલામ આઝાદ ભાગલા ટાળવા માટે અંતિમ ક્ષણ સુધી પ્રયત્નશીલ રહ્યા — આ ઇતિહાસી નોંધ છે, મત નહીં.
રહી વાત રૂ. 55 કરોડ પાકિસ્તાનને આપવાની, તો તે કોઈ “દયા” કે “મુસ્લિમ-તરફી” નિર્ણય નહોતો. તે ભાગલા કરાર મુજબ ભારત–પાકિસ્તાન વચ્ચેની નાણાકીય વહેંચણી હતી. ભારતીય સંસ્કૃતિમાં પણ વારસાના ભાગલા વખતે ન્યાયસંગત વહેંચણી થાય છે — તો અહીં અણ્યાય ક્યાં થયો?
ગાંધી વિરોધી નેરેટિવ નવી નથી. 2022માં અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ નોટ પરથી ગાંધીની તસવીર હટાવી મહાલક્ષ્મી માતાની તસવીર મૂકવાની માંગ કરી હતી — જે પણ ગાંધીના પ્રતિકાત્મક અસ્તિત્વ સામેનો રાજકીય સંકેત હતો.
આ સાથે જ, મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થાઓમાં સંઘવાદી વિચારધારાના લોકોની નિયુક્તિ, ગાંધિવાદીઓને હાંકી કાઢવાની પ્રક્રિયા, અને સંસ્થાઓના મૂળ આત્માને બદલી નાખવાની કોશિશો પણ ચાલુ છે. આ બધું નામ બદલવા પૂરતું નથી, પરંતુ વિચારધારા બદલવાની ઝંખના દર્શાવે છે.
અહીં એક ઐતિહાસિક વિસંગતિ પણ યાદ રાખવી જોઈએ: RSSના સ્થાપક ડૉ. કેશવરાવ હેડગેવાર પોતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્યરહ્યા હતા, 1919ના અમૃતસર અધિવેશનમાં ભાગ લીધો હતો અને 1921ના અસહકાર આંદોલનમાં ધરપકડ પણ ભોગવી હતી. તે જેલમાં થી છુટી ને આવ્યાં ત્યારે મોતિલાલ નહેરુએ તેમનું અભિવાદન કર્યુ હતું. ઇતિહાસ જેટલો જટિલ છે, તેટલો જ તેને સરળીકૃત કરીને વાંકો રજૂ કરવાનો પ્રયાસ ખતરનાક છે.
અંતે એક સત્ય અડગ છે: નામ મિટાવી શકાય, વિચાર નહીં. રામગોપાલ વર્માની ફિલ્મ સરકારનો સંવાદ અહીં અર્થસભર છે —
“સરકાર એક વ્યક્તિ નહીં, વિચાર છે; વિચારને મારી શકાતો નથી.”
ગાંધીનું નામ ઇતિહાસમાંથી કાઢવાની કેટલીય કોશિશો થઈ શકે, પરંતુ જે વિચારધારાએ વિશ્વને માર્ગદર્શન આપ્યું, તે અમર જ રહેશે. ઇતિહાસ સાક્ષી રહેશે કે કેટલાય પ્રયત્નો છતાં ગાંધી જીવંત રહ્યા — અને રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?