દિલ્હીમાં થયેલા બે વિસ્ફોટમાં દસ નિર્દોષ લોકોના મોત થયા — પરંતુ આ દુર્ઘટનાએ માત્ર આતંકવાદી હિંસા જ નહીં, પરંતુ દેશની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા પણ પ્રગટ કરી છે. દેશની રાજધાની, જે ઉચ્ચ એલર્ટ પર હતી, ત્યાં આત્મઘાતી બોમ્બરો સુરક્ષા તંત્રને ચકમો આપી, લાલકિલ્લા નજીક વિસ્ફોટ કરવા સફળ થયા. સવાલ છે — આ કેવી રીતે શક્ય બન્યું?
આ વિસ્ફોટથી એક દિવસ પહેલાં જ ગુજરાત એ.ટી.એસ.એ બે શંકાસ્પદ આતંકવાદીઓને ધરપકડ કરી હતી, જેમણે લાલકિલ્લાનું રેકી કરી હોવાનો દાવો કર્યો હતો, છતાંય, લાલકિલ્લા વિસ્તારની સુરક્ષા વધુ મજબૂત કેમ ન કરવામાં આવી? શું કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ નથી?
થોડા દિવસ થી માધ્યમો એજન્સીઓના હવાલે સમાચાર પ્રસારીત અને પ્રસિધ્ધ કરી રહ્યાં હતાં કે જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર બાંગ્લાદેશમાં આતંકી કેમ્પ ઉભા કરી રહ્યો છે જેથી ભારત પર હુમલો કરી શકે. જો આવી ગુપ્ત માહિતી ઉપલબ્ધ હતી, તો દિલ્હી જેવા સંવેદનશીલ શહેરમાં સુરક્ષા કડક કેમ ન બનાવી? શું ખતરો હળવાશથી લેવાયો કે પછી તંત્ર બેદરકાર બન્યું?
સૌથી ગંભીર સવાલ એ છે કે આઈઈડી ભરેલી કાર દિલ્હી જેવા સખત સુરક્ષાવાળા વિસ્તારમાં કેવી રીતે પહોંચી ગઈ? જ્યારે શહેરમાં અનેક ચેકપોઈન્ટ્સ છે, ત્યારે આ કાર કેવી રીતે પસાર થઈ ગઈ? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ગૃહમંત્રી જેવા સક્ષમ નેતૃત્વ હેઠળ પણઆવું ખામીને ગણાય કે નિષ્ફળતા?
પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા સરહદપારના આતંકી કેમ્પોને ઉડાવ્યા હોવાનો દાવો કર્યો હતો. જો તે કેમ્પો ખરેખર નષ્ટ થયા હોય, તો આ આતંકવાદી નેટવર્ક ફરી કેવી રીતે સક્રિય બન્યા? શું સ્લીપર સેલ ફરી જાગી ગયા છે, કે પછી ક્યારેય પૂરા નષ્ટ જ થયા નહોતા?
શું આ બ્લાસ્ટ માત્ર આતંકી કૃત્ય છે કે ભારતને વધુ મોટા સંઘર્ષમાં ખેંચવાનો કાવતરું? સરકાર ઘણીવાર કહી ચૂકી છે કે ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, માત્ર રોકાયું છે. તો શું આ હુમલો ભારતની પ્રતિસાદ ક્ષમતા અજમાવવાનો પ્રયાસ છે?
અંતે મૂળ પ્રશ્ન એ છે — આતંકવાદનો મૂળ સ્ત્રોત ઘૃણા છે કે પછી પાકિસ્તાનની પ્રોક્સી યુદ્ધની રણનીતિ ફરી સફળ થઈ છે? દિલ્હીનો આ દુઃખદ બનાવ માત્ર શોક નહીં, પરંતુ જવાબદારીની માગણી કરે છે. હવે ખાલી નિવેદન નહીં, પરંતુ ઠોસ પગલાં લેવાનો સમય આવી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?