સાંભળો છો મુખ્યમંત્રી શ્રી?
તમે શક્ય છે કે દેશના વડાપ્રધાન અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બધા વિચારો સાથે સહમત ન થાવ, કેટલીક તેમની વાત તમને ન ગમે, પરંતુ તેની સાથે સાથે તેમની કેટલીક વાતની તમારે સરાહના કરવી પડે. તેમાંની એક છે જરૂર લાગે ત્યાં માધ્યમના સમાચારના આધારે, અધિકારીઓ પાસે ખુલાસા માંગવા કે એકશન લેવા. બસ આજ કારણોસર આજે બેનિફિટ ન્યૂઝ રાજ્યની ઘટનાઓ પર તેનો મત વ્યક્ત કરતી વખતે ભૂપેન્દ્રભાઈ પટેલને સવાલ કરવો પડ્યો છે કે, સાંભળો છો મુખ્યમંત્રી શ્રી?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાસન પદ્ધતિનો એક દાખલો જાણો. તેમના સમયકાળમાં કૃષિ મેળા શરૂ થયા, ત્યારે આ પત્રકાર ઇટીવીમાં હતો, અને ચાર જિલ્લાના ચાર ગામની મુલાકાત કૃષિ મેળાની ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી તો બહાર આવ્યું કે મેળામાં આપાતી બધી ખાતરી પળાતી નથી, ખેડૂતોને રસાયણ ખાતર મળતું જ નથી. આ સમાચાર સવારના સાત કલાકના બુલેટિનના સમાચાર જોતાની સાથે નરેન્દ્રભાઈસુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ અધિકારીને જાતે તપાસ કરવા આદેશ આપ્યો. જિલ્લા વિકાસ અધિકારીએ જે તપાસ કરી, તે પણ ઇટીવીએ બીજા દિવસે તેની ચેનલ પર પ્રસ્તુત કરી.
રાજ્યની એક ઘટના સામે આવી છે, જે વાંચતાની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઊંઘ ઉડવી જોઈએ અને તેમણે અધિકારીઓ પાસે જવાબ માંગવા જોઈએ અને જરૂર જણાય તો પગલાં લેવા જોઈએ.
પોલીસ અત્યાચારની ગંભીર ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના એક પરિવારે મોરબી પોલીસ પર એવો આક્ષેપ કર્યો છે કે પોલીસે તેમની તરુણ દીકરી અને ભાણેજને ચોરીના આરોપમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખી, મજૂરી કરતા પરિવાર પાસે ખૂબ જ તગડી લાંચ માંગી. જિલ્લા પોલીસ અધીક્ષક મુકેશ પટેલએ ગેરકાયદેસર અટકાયતના આરોપને નકારવા સાથે એટલું તો સ્વીકાર્યું કે સ્થાનિક પોલીસને પોલીસ અત્યાચારની ફરિયાદ મળી છે. પરિવારે તો એવો પણ આક્ષેપ કર્યો છે કે તરુણ દીકરીઓને પટ્ટાથી મારવા સાથે ચોરી કબૂલાવવાની પોલીસે કોશિશ કરી છે.
સરકારની ફરજ અને જવાબદારી
રાજ્ય માનવ, મહિલા અધિકાર પંચ કે પછી બાળ સુરક્ષા સમિતિ પાસે તો આપણે કોઈ અપેક્ષા રાખી શકીએ નહીં. પરંતુ રાજ્યના મુખ્યમંત્રીપાસે તો અપેક્ષા રાખી શકીએ ને કે તે સમાચાર વાંચી તેમની સંવેદનશીલતા બતાવે. પોલીસ અધિકારી પાસે જવાબ માંગે અને જો ફરિયાદમાં તથ્ય હોય તો જે પોલીસ જવાન કે અધિકારી જવાબદાર હોય તેને ઘર ભેગા કરે.
મહેરબાની કરીને સ્વબચાવમાં ગરીબ પરિવાર વિકાસ કે ગુજરાત વિરોધીનો આરોપ ન મૂકતા નહતો તે વિરોધ પક્ષના હાથા છે અને ગુજરાત પોલીસની છબી બગાડવા પાયાવિહીન આરોપ મૂકે છે, તેવા નિવેદન ન આપતા.
એક ગરીબ પરિવાર પર આ ફરિયાદ પાછી ખેંચવા દબાણ ન થાય અને તેના પર ત્રાસ ન ગુજારાય તે જોવાની ફરજ ગુજરાત પોલીસના વડા અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીની છે. માત્ર આ પરિવાર જ નહીં કોઈ પણ ગરીબ પરિવારને પોલીસ હંમેશા શંકાની નજરથી ન જુએ તે જોવાની જવાબદારી સરકારની છે. આ માટે પોલીસની નીતિ-રીતિ વાસ્તવમાં બદલાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે. પોલીસ તંત્રના થોડા સારા કામ સોશિયલ મીડિયા કે માધ્યમોમાં ચમકાવાથી ઇમેજ સુધારવાની જે કોશિશ થાય છે, તે આવા બનાવોથી એક ઝાટકે ધોવાય જાય છે...
તો સવાલ માત્ર આટલો જ છે, સાંભળો છો મુખ્યમંત્રી શ્રી?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ