રાજ્ય સરકારે એક નવી જાહેરાત કરી છે—મોટા મહાનગરોની ફરતે ગ્રીન રીંગ રોડ બનાવવા, આ માટે 200 કરોડની ફાળવણી. હેતુ સારો છે: શહેરોમાં વધતા વાહનવ્યવહારનું ભારણ ઘટાડવું, પર્યાવરણમિત્ર માર્ગો સ્થાપવા અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું. પરંતુ આ જાહેરાત સાંભળી નવાઈ લાગતી નથી, કારણ કે છેલ્લા ત્રણ દાયકાથી આવી જાહેરાતો થતી રહી છે અને તેના ધાર્યા પરીણામ મળ્યાં જ નથી.
૧૯૯૦ના દાયકામાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડે આ જ પ્રકારનું આયોજન કર્યું હતું. ત્યારે વિચાર હતો કે રાજ્ય પરિવહન નિગમની હજારો બસો અમદાવાદ શહેરની અંદર પ્રવેશ ન કરે પરંતુ શહેરની બહાર સ્ટેન્ડ ઉભા થાય, જ્યાંથી મુસાફરોને એએમટીએસ બસ કનેક્ટીવીટી મળે. આ યોજનાથી શહેર પરના ભારે વાહનનું ભારણ ઘટશે. પરંતુ એ યોજના ક્યારેય અમલમાં આવી જ નહીં.
૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઔડા દ્વારા પહોળા રસ્તા એટલે 100 થી 150 ફૂટના બનાવાયા, આયોજન લાંબા ગાળાનું હતું, પરંતુ તેના ઉપર બીઆરટીએસ ડેડિકેટેડ લેન બનાવાઈ, સુરેન્દ્ર પટેલના આખા આયોજન પર પાણી ફરી ગયું, કારણકે ટ્રામીક સમસ્યા ઘટવાના બદલે વધી, બાદમાં મેટ્રોરેલ સ્થપાઇ, પરંતુ મેટ્રો સ્ટોપ અને એએમટીએસ વચ્ચે યોગ્ય કનેક્ટિવિટી ના હોવાથી તેનો પૂરતો ઉપયોગ આજે પણ નથી થતો.
સરદાર પટેલ રીંગરોડ બાદ 2010માં અમદાવાદ માટે એક નવો રીંગરોડ આયોજન થયું, જેથી ભારે વાહનો શહેરમાં ન ઘુસી શકે. પરંતુ આ યોજનાનો પત્તો જ નથી. કેન્દ્ર સરકારની લોજિસ્ટિક પાર્ક યોજના પણ હજુ અધવચ્ચે અટકી છે. પરિણામે શહેરોમાં ભારે વાહનો, કોમર્શિયલ ટ્રાફિક અને વ્યક્તિગત વાહનોની સંખ્યા વધતી રહી છે.
નવા ગ્રીન રીંગરોડની જાહેરાત સુંદર શબ્દોમાં રજૂ કરવામાં આવી છે, પરંતુ અનુભવ દર્શાવે છે કે આયોજનની ઘોષણા તો થાય છે, અમલ પાછળ રહી જાય છે. આ વખતે પણ ભય છે કે જાહેરાત નવી બોટલમાં જૂનો દારૂ સાબિત થશે.
વાસ્તવિક ઉકેલ એ છે કે શહેરોને માસ ટ્રાન્સપોર્ટેશનની કાર્યક્ષમ વ્યવસ્થા આપવામાં આવે, જેના કારણે લોકો વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઓછો કરે. જાહેર પરિવહનની ઝડપી અમલવારી વગર ગ્રીન રીંગરોડ કે ફ્લાયઓવર જેવી જાહેરાતો ફક્ત રાજકીય પિઆર જ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ