જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન
જોરાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતના સાહિત્ય અને લોકકલા જગતમાં શોકની લાગણી

સ્વ. જોરાવરસિંહ જાદવ

સ્વ. જોરાવરસિંહ જાદવ
ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગત અને લોકકલા ક્ષેત્રે શોકની લાગણી છવાઈ ગઈ છે.
ધંધુકા જિલ્લાના આકરૂ ગામમાં 10 જાન્યુઆરી 1940ના રોજ જોરાવરસિંહ જાદવનો જન્મ થયો હતો. કારડીયા રાજપૂત સમાજના ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ મધ્યમવર્ગિય કુટુંબમાંથી આવતા હતા. તેમને ચાર ભાઈ અને બે બહેન હતા. પિતાને લોક-કલાનો શોખ હોવાથી તેમનું ઘર લોક-કલાકારો મહેમાનોથી હર્યું ભર્યું રહેતું. જેને કારણે ભજનો, લોકડાયરાથી નાનપણથી પરિચય હતો.
તેમણે ધોળકા કારડીયા રાજપૂત-સમાજની બોર્ડિંગમાં રહી બે વર્ષ અભ્યાસ કર્યો અને સાચું ઘડતર પામ્યા. ત્યારબાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠ અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા. પ્રોફેસર જેસલપુરા જાતે લેખકોનો પરિચય કરાવે, લેખકોને મળવા લઈ જાય. મેઘાણીની વાર્તાઓ વાંચી લખવાનો શોખ જાગ્યો. પિતાને ICS ઓફિસર બનાવવાની ગણતરી હતી. પરંતુ બીએ, એમએ(પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં) કરી તેમણે ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પબ્લિસિટી ઓફિસર તરીકે 30 વર્ષ અને સીઈઓ તરીકે 5 વર્ષ કામ કર્યું. આ સમયે તેમણે લોક-કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.
તેમણે નિવૃત્તિ લીધાને 23 વર્ષ થઈ ગયા છે પરંતુ લોક-કલા સંશોધનનું કાર્ય તેમને ચાલુ રાખ્યું હતું. દેશભરનાં 5 હજાર કલાકારોના સંપર્કમાં હતા. તેમને કામ અપાવવું, દેશ-પરદેશ મોકલવાં, ક્યારેક ગૃપની સાથે જવું, કોઈ સ્ટેજ ના આપે તેવા કલાકારોને સ્ટેજ અપાવવું. લોક-કલા, લોક-સાહિત્ય, લોક-સંસ્કૃતિના સંશોધન માટે ગામે ગામ ફરીને, વાદી-મદારીથી રાજા-મહારાજા સુધી પરિચય કેળવી કામ કર્યું હતું. તેમના વતનમાં લોક-કલાનું મ્યુઝિયમ બનાવ્યું છે.
તેઓ વાંચન, લેખન, ગુજરાતનાં તમામ છાપામાં લોકકલાની કોલમ લખતા હતા. તેમણે 99 જેટલાં પુસ્તકો લખ્યાં છે. ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં તેમના લેખ અને યુનિવર્સિટીમાં તેમનાં પુસ્તકો પાઠ્ય પુસ્તકો તરીકે વપરાય છે. તેમની ‘ગુજરાતનો લોક-કલા વૈભવ’ GPSCની રેફરન્સ-બૂક તરીકે માન્ય છે.
આ ઉપરાંત તેઓ વાર્તાકાર તરીકે પ્રખ્યાત હતા અને ગ્રામ્યજીવન પર આધારિત વાર્તાઓ લખી. તેમની નોંધપાત્ર કૃતિઓમાં 'મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે' (1970), 'લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ' (1974) અને 'રાજપૂત કથાઓ' (1979)નો સમાવેશ થાય છે.
જોરાવરસિંહ જાદવે લોકસાહિત્ય અને લોકકલા પર 90 જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી હતી. જેમાં 'આપણા કસબીઓ' (1972), 'ગુજરાતની લોકસંસ્કૃતિ' (1976), 'લોકસંસ્કૃતિમાં પશુઓ' (1979) જેવી પુસ્તકો છે. તેઓ લોકગીતો, ટુચકા અને જોડકણાં જેવા ક્ષેત્રોમાં સંશોધન કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દરેક જ્ઞાતિના લોકો જોડાતા હોવાથી કોમી-એકતાની ધુળેટી તરીકે પણ પ્રખ્યાત બની

બજેટ સત્ર પહેલા વિધાનસભામાં અમદાવાદી માતાની પછેડી, વારલી અને મડ મિરર વર્કનું પ્રદર્શન

બજરંગદાસ બાપાની જાતિ વિનાની ભક્તિ અને આજના બગદાણાની હકીકત વચ્ચેનો ટકરાવ