વિસાવદરમાં દાઢી, મૂંછ રાખવા મુદ્દે યુવક ઉપર હુમલો!
જૂનાગઢ જિલ્લામાં જોવા મળી જાતિવાદી માનસિક્તા, દલિત યુવકને માર મારતાં મામલો ગરમાયો
વિસાવદર પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો, તમામ આરોપીઓ હાલ ફરાર
વિસાવદર પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો, તમામ આરોપીઓ હાલ ફરાર
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં જાતિવાદી માનસિક્તા જોવા મળી છે. જૂનાગઢ નજીક ખંભાળિયા ગામમાં એક દલિત યુવક પર દાઢી મૂંછ રાખવા બાબતે હુમલો કરાયો હતો. યુવકને છોડાવવા ગયેલા તેના સસરાને પણ માર મારતાં જમાઈ અને સસરાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિસાવદર પોલીસે બે નામજોગ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા (ઓઝત) ગામે દલિત યુવકને "અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે?" તેમ કહી માર માર્યો હતો. યુવકને બચાવવા ગયેલા તેના સસરાને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિસાવદર પોલીસે બે નામજોગ અને 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સાગર મકવાણા વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે રહીને મજૂરીકામ કરે છે. તેણે ખંભાળીયા (ઓઝત) ગામના જીવણભાઈ વાળાની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
11 ઓગસ્ટ, 2025ના રોજ સાગર મકવાણા બાઈક રિપેર કરાવવા ખંભાળીયા (ઓઝત) ગયો હતો. ગેરેજ બંધ હોવાથી તે પોતાના ગામ માંગનાથ પીપળી પરત ફરી રહ્યો હતો. ત્યારે વાજળી ગામના રસ્તે રેલવે પુલ પાસે પહોંચતા નવી ચાવંડ ગામનો શૈલેષ જેબલીયા નામના શખ્સે બાઈક પર આવી સાગરને રોક્યો હતો. શૈલેષે સાગરનું બાઈક નીચે પાડી અપશબ્દો બોલ્યા હતા. તેણે કહ્યું કે, "તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે? તે અમે જ રાખીએ." ત્યારબાદ સાગરને જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.
સાગરે આ ઘટનાની જાણ તેના સસરા જીવણભાઈને કરી હતી. જીવણભાઈ સ્થળ પર પહોંચીને શૈલેષને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની કાર આવી હતી. તેમાંથી લાલો ભૂપત કાઠી દરબાર અને અન્ય ત્રણ અજાણ્યા ઉતર્યા હતા. સાગર અને જીવણભાઈને અપશબ્દો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યા હતા. ત્યારબાદ લાલો કાઠી દરબાર અને સાગરીતોએ ગાડીના પાના વડે સાગરને માર માર્યો હતો. જ્યારે બે લોકોએ સાગરને પકડી રાખી જીવણભાઈને મુક્કા અને થપ્પડો મારી નીચે પાડી દીધા હતા.
આ સમયે સાગરનો સાળો હાર્દિક અને અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે ભેગા થઈ જતાં આરોપીઓ ધમકી આપી કારમાં બેસી ખંભાળીયા ગામ તરફ ભાગી ગયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત સાગર અને તેના સસરા જીવણભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સાગરની ફરિયાદના આધારે શૈલેષ જેબલીયા, લાલો કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ મુદ્દે ASP રોહિત કુમાર ડગરે જણાવ્યું કે, અનુસૂચિત જાતિના યુવક અને તેના સસરા પર જાતિવાદી અપમાન સાથે મારપીટનો ગુનો નોંધાયો છે. વિસાવદર પોલીસે શૈલેષ જેબલીયા, લાલો કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાલ ફરાર છે અને તેમને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો