દિલ્હીના ડિજિટલ અરેસ્ટ કેસમાં બે ગુજરાતીની ધરપકડ
ડોક્ટર દંપતિને ડિજિટલ અરેસ્ટ કરી ₹14.85 કરોડની છેતરપિંડીના કેસમાં વડોદરાના બે યુવકો ઝડપાયા

દિલ્હી પોલીસે ડિજિટલ અરેસ્ટ કેસમાં વડોદરાના બે યુવકોની ધરપકડ કરી

દિલ્હી પોલીસે ડિજિટલ અરેસ્ટ કેસમાં વડોદરાના બે યુવકોની ધરપકડ કરી
દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) એ ડોક્ટર દંપતિને ડિજિટલ અરેસ્ટ કરી ₹14.85 કરોડની છેતરપિંડી કરવા બદલ ગુજરાતના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વડોદરાના રહેવાસી છે. દિવ્યાંગ પટેલ અને કૃતિક શિતોલે નામના યુવકોની ધરપકડ કરી દિલ્હી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સાયબર ગુનેગારોએ ગ્રેટર કૈલાશ વિસ્તારમાં ડોક્ટર દંપતિ સાથે છેતરપિંડી કરી હતી. આ ડોક્ટર દંપતિ અમેરિકાથી પરત ફર્યું હતું અને 2016 થી ગ્રેટર કૈલાશમાં રહેતું હતું.
IFSO ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિનીત કુમારે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા બંને આરોપીઓ દિવ્યાંગ પટેલ (28) અને કૃતિક શિતોલે (26) ને વડોદરાથી ઝડપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે. દિલ્હીની કોર્ટે બંને આરોપીઓની પૂછપરછ માટે પોલીસને બે દિવસની કસ્ટડી સોંપી છે.
પોલીસ ડેપ્યુટી કમિશનરે વધુમાં જણાવ્યું કે, 29 ડિસેમ્બર, 2025ના રોજ ₹14.85 કરોડ પૈકી ₹4 કરોડ દિવ્યાંગ પટેલ દ્વારા સંચાલિત એક NGO ના નામે નોંધાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ શોધ ટાળવા માટે નાના વ્યવહારોમાં પૈસા બહુવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે, આ NGO નકલી હતી અને તે કોઈપણ પ્રકારની સખાવતી પ્રવૃત્તિઓમાં સામેલ નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યાંગ પટેલે કમિશનના બદલામાં ઠગાઈ કરતી NGOના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. બીજો આરોપી કૃતિક શિતોલે મધ્યસ્થી તરીકે કામ કરતો હતો. કથિત રીતે દિવ્યાંગ પટેલ અને નેટવર્કના અન્ય સભ્યો વચ્ચે સંપર્ક સાધવા માટે મદદ કરતો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓએ ભંડોળને નિયંત્રિત કરવા, રૂટ કરવા અને ડાયવર્ટ કરવા માટે નકલી કોલ્સ, ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ અને ઇમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, મની ટ્રેલ પરથી જાણવા મળ્યું છે કે, ગુનાની રકમ અનેક રાજ્યોમાં બેંક ખાતાઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સિન્ડિકેટના અન્ય સભ્યોને ઓળખવા અને બાકીની રકમ રિકવર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના દિલ્હીના પોશ ગ્રેટર કૈલાશ-1 વિસ્તારમાં બની હતી. ટેલિકોમ અધિકારીઓ (TRAI) તરીકે ઓળખાણ આપી સાયબર છેતરપિંડી કરનારાઓએ NIRના વૃદ્ધ ડૉક્ટર તનેજા દંપતિ સાથે ₹14.85 કરોડની છેતરપિંડી કરી હતી. પોલીસ અધિકારી તરીકે ઓળખાણ આપીને તેઓએ વારંવાર ફોન અને વીડિયો કોલ કરી તેમના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. ધરપકડની ધમકી આપી તેઓએ પૈસાની માંગણી કરી હતી. તેનાથી ડરીને દંપતિએ તેનું પાલન કર્યું અને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.
IFSO પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિતા ઇન્દિરા તનેજાએ 24 ડિસેમ્બરના રોજ બપોરે એક ફોન આવ્યો હોવાની જાણ કરી હતી. ફોન કરનારે પોતાને TRAI અધિકારી તરીકે ઓળખાણ આપી હતી. તેણે કહ્યું કે તેના મોબાઇલ નંબર પરથી વાંધાજનક કોલ કરવામાં આવ્યા હતા અને અસંખ્ય ફરિયાદો મળી હતી. જેના કારણે નંબર બ્લોક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોન કરનારે તેમના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મહારાષ્ટ્રમાં તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ત્યારબાદ ડૉ. તનેજા બેંકમાં ગયા હતા અને આરોપીઓને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
લાંબા સમય સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા
સાયબર ગુનેગારોએ ડોક્ટર દંપતિને બે અઠવાડિયા સુધી "ડિજિટલ અરેસ્ટ" હેઠળ રાખ્યા હતા. આ સમયે આરોપીઓ વીડિયો કોલ દ્વારા દંપતિ સાથે જોડાયેલા રહ્યા અને તેમની દરેક ગતિવિધિ પર નજર રાખતા રહ્યા હતા. વૃદ્ધ દંપતીને ઘરની બહાર નીકળવા કે કોઈને મળવાની મનાઈ હતી. મિલકતની તપાસના નામે તેમના બધા પૈસા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું અને ખાતરી આપવામાં આવી હતી કે, તપાસ પછી તે પરત કરવામાં આવશે. જ્યારે વૃદ્ધ દંપતિને કંઈ પાછું મળ્યું નહીં ત્યારે ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ છેતરપિંડી 24 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી દરમિયાન થઈ હતી. જેમાં આરોપીઓ કાયદા અમલીકરણ અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને વૃદ્ધ દંપતીને અનેક બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરતા હતા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય