સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક 23 વર્ષીય શિક્ષિકાએ 13 વર્ષના સગીર વિદ્યાર્થીને ભગાડી જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે તે ગર્ભવતી બની છે. આ ગુના માટે પોક્સો એક્ટ હેઠળ જેલમાં બંધ આ શિક્ષિકાએ હવે પોતાના પાંચ મહિનાના ગર્ભને પડાવવા માટે કોર્ટની મંજૂરી માંગી છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા એક વ્યક્તિના 13 વર્ષના પુત્રને આ શિક્ષિકા તેના વાલીપણામાંથી ભગાડી ગઈ હતી અને અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કૃત્ય બદલ તેની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલમાં જેલ કસ્ટડીમાં છે.
આરોપી શિક્ષિકાના રિમાન્ડ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો હતો કે સગીર વિદ્યાર્થી સાથેના શારીરિક સંબંધોના કારણે તે પાંચ મહિનાની ગર્ભવતી છે. જો કે, ગર્ભના જૈવિક પિતા ભોગ બનનાર સગીર વિદ્યાર્થી છે કે નહીં તે જાણવા માટે પોલીસે ડીએનએ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરમિયાન, જેલમાં બંધ આરોપી શિક્ષિકા પોતાના પાંચ મહિનાના ગર્ભને ટર્મિનેટ કરવા માટે ગર્ભપાત અધિનિયમની કલમ-3 હેઠળ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. પોતાની અરજીમાં તેણે જણાવ્યું છે કે જો ગર્ભપાત કરવામાં નહીં આવે તો અરજદાર અને આવનાર બાળક બંનેના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. વધુમાં, જો બાળક જન્મ લેશે તો તેનું ભરણપોષણ કોણ કરશે? ફરિયાદ મુજબ બાળકના પિતાની ઉંમર માત્ર 13 વર્ષની છે, તેથી જન્મ લેનાર બાળકની સામાજિક સ્વીકાર્યતા પણ નથી. તબીબી રિપોર્ટ અનુસાર, આરોપીના શરીરમાં લોહીની કમી હોવાથી બાળક કુપોષિત અને અસામાન્ય હોવાની સંભાવના છે. આરોપીનો ગર્ભ પોલીસના કહેવા મુજબ 20 અઠવાડિયાનો નથી, પરંતુ પાંચ મહિનાનો છે. તેથી તબીબી રિપોર્ટ મુજબ ગર્ભપાત કરાવવો જરૂરી હોવાથી કોર્ટની પરવાનગી માંગવામાં આવી છે.
જો કે, કોર્ટે તાત્કાલિક કોઈ નિર્ણય લીધો નથી અને તપાસ અધિકારીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી સોમવાર સુધી મુલતવી રાખી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ સંવેદનશીલ મામલે શું નિર્ણય લે છે.