સુરત: 5.85 કરોડનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું
ગુજરાત પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન; સાત આરોપીઓની ધરપકડ અને તપાસનો ધમધમાટ

કોબ્રા સાપનું ઝેર

કોબ્રા સાપનું ઝેર
સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ રાજ્યના ઈતિહાસમાં વન્યજીવ તસ્કરી વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અંદાજે 5.85 કરોડ રૂપિયાની કિંમતનું 6.5 મિલીલીટર પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર જપ્ત કર્યું છે. આ કેસમાં સુરત અને વડોદરાના કુલ સાત શખસોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે ગ્રાહક બનીને રચ્યું છટકું :
SOG ના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે એક ગેંગ કિંમતી ઝેરનો સોદો કરવા સુરત આવી રહી છે. ગેંગને પકડવા માટે પોલીસે પોતે જ ખરીદદાર બનીને તેમની સાથે મિટિંગ ગોઠવી હતી. કરોડો રૂપિયાની લાલચ આપીને આ ટોળકીને સરથાણા વિસ્તારમાં બોલાવવામાં આવી હતી. જેવી ગેંગ ઝેરના સેમ્પલ સાથે નક્કી કરેલા સ્થળે પહોંચી, ત્યારે જ પહેલેથી ગોઠવાયેલા પોલીસ કાફલાએ તેમને દબોચી લીધા હતા.
તસ્કરીના તાર અમદાવાદ સુધી જોડાયા :
પકડાયેલા સાત આરોપીઓમાં પાંચ વડોદરાના અને બે સુરતના છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી મેળવવામાં આવ્યું હતું. હાલમાં પોલીસ તે મુખ્ય સપ્લાયરની શોધખોળ કરી રહી છે જેથી આ આંતરરાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.
નશાના બજારમાં સાપના ઝેરનો ઉપયોગ :
સામાન્ય રીતે સાપના ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓની દવા બનાવવા માટે કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં મોંઘા નશા તરીકે પણ કોબ્રા વેનોમનો ઉપયોગ વધ્યો છે. નિષ્ણાતોના મતે, કોબ્રાનું ઝેર અત્યંત ઓછી માત્રામાં લેવાથી તે માનવ ચેતાતંત્ર પર સાયકોએક્ટિવ અસર કરે છે, જે મોર્ફિન જેવા કેફી દ્રવ્યો કરતા પણ વધુ તેજ હોય છે.
ઝેરની કિંમત અને આંતરરાષ્ટ્રીય બજાર :
ગેરકાયદેસર બજારમાં કોબ્રાના ઝેરની કિંમત તેની ઝેરીલાપણાના આધારે નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક ગ્રામ ઝેરની કિંમત હજારો ડોલર સુધી હોઈ શકે છે. ચીન જેવા દેશોમાં સાપની ખેતી કરી કાયદેસર રીતે ફાર્માસ્યુટિકલ કંપનીઓને ઝેર વેચવામાં આવે છે, પરંતુ ભારતમાં આ પ્રકારનો વેપાર સંપૂર્ણપણે પ્રતિબંધિત અને ગુનાહિત છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય