શૃંગેરી મઠના સ્વામી ચૈતન્યાનંદ પર યૌન શોષણના આરોપો
દિલ્હીમાં નોંધાયેલ કેસે ખળભળાટ મચાવ્યો, સ્વામી ચૈતન્યાનંદ પર ગંભીર આરોપો થયા બાદ ફરાર..
સ્વામી ચૈતન્યાનંદ પર યૌન શોષણના આરોપો
સ્વામી ચૈતન્યાનંદ પર યૌન શોષણના આરોપો
દિલ્હીના વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં શ્રી શૃંગેરી મઠના સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી વિરુદ્ધ યૌન શોષણ અને છેતરપિંડીના ગંભીર આરોપો સાથે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મઠના એડમિનિસ્ટ્રેટરે પોતે ફરિયાદ કરી કે સ્વામીએ શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ (SRISIIM)માં ભણતી ગરીબ વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કર્યું છે.
17 વિદ્યાર્થીનીઓએ યૌન શોષણના આરોપો મૂક્યા
પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે 32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધવામાં આવ્યા, જેમાંથી 17 વિદ્યાર્થીનીઓએ સીધા આરોપ લગાવ્યા કે સ્વામી ચૈતન્યાનંદ તેમને અશ્લીલ મેસેજ મોકલતા હતા, ગંદી ભાષાનો ઉપયોગ કરતા હતા અને શારીરિક છેડછાડ પણ કરતા હતા. આ વિદ્યાર્થીનીઓએ એ પણ જણાવ્યું કે, સંસ્થાની કેટલીક મહિલા ફેકલ્ટી અને કર્મચારીઓ તેમને દબાણ કરીને સ્વામીની ખોટી માંગણીઓ માનવા માટે કહેતા હતા.
આ ગંભીર આરોપો બાદ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ફરાર થઈ ગયા છે. પોલીસે તેમના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે અને CCTV ફૂટેજ પણ તપાસ્યા છે, પરંતુ હજી સુધી તેઓ પકડાયા નથી.
દરમિયાન, પોલીસે ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટમાંથી એક વોલ્વો કાર પણ જપ્ત કરી છે, જેના પર નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) લાગેલી હતી. આ કારનો ઉપયોગ પણ સ્વામી કરતા હતા, અને આ મામલે બીજો એક કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના બાદ, દક્ષિણામાન્ય શ્રી શારદાપીઠ, શૃંગેરીએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. પીઠે જણાવ્યું કે તેમના આચરણ અને ગતિવિધિઓ ગેરકાયદેસર, અયોગ્ય અને પીઠના હિતોની વિરુદ્ધ હતી. આ સાથે, પીઠે સ્પષ્ટતા કરી છે કે 'શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ-રિસર્ચ' (નવી દિલ્હી) સંસ્થા પીઠના નિયંત્રણ હેઠળ છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે.
આ ઘટનાએ ધાર્મિક સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં સુરક્ષા અને નૈતિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ સતત ફરાર આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?