અનુ. જાતિનાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં કૌભાંડ!
જૂનાગઢ જિલ્લાની 12 સંસ્થાના સંચાલકો ખોટા દસ્તાવેજો બનાવીને ₹4.60 કરોડ ચાઉ કરી ગયાં
શિષ્યવૃતિ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓ
શિષ્યવૃતિ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓ
જૂનાગઢમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ ચાઉં કરી જવાના કૌભાંડનો ખુલાસો થયો છે. ખોટા દસ્તાવેજો બનાવી અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓને મળવામાત્ર શિષ્યવૃત્તિના રૂપિયા 4.60 કરોડ 12 શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો ચાઉં કરી ગયા છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસે 12 શૈક્ષણિક સંસ્થાના આચાર્યો અને ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક કિશોર ભરખડાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના અનુસંધાને જૂનાગઢ શહેર ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકના વડપણ હેઠળ SIT ની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નાયબ નિયામકે 12 સંસ્થાના ઓફિસમાં રજૂ કરેલા 2245 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. આ તમામ ડોક્યુમેન્ટ તપાસ માટે કબજે કરવામાં આવ્યાં છે.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ માટે તમામ સંસ્થાઓની બેંકો પાસેથી ડિટેઇલ માંગવામાં આવી છે. બેંકો દ્વારા એકાઉન્ટ હોલ્ડરોની ડિટેઈલ આપવામાં આવી છે. તમામ દસ્તાવેજો ચેક કરતાં શિષ્યવૃતિ કૌભાંડમાં પાંચ આરોપીની સંડોવણી ખુલી હતી. જે એકાઉન્ટમાં કૌભાંડની રકમ જમા થઈ હતી તેવા ચાર આરોપીઓને એસઓજીએ પકડી પાડ્યા છે.
જૂનાગઢ એસઓજીએ ક્રિષ્ના એકેડેમીના સંચાલક રમેશ કાળુભાઈ બાકુ, પ્રશિક્ષણ એજયુકેશનના સંચાલક રમણિક નાથાભાઈ રાઠોડ, પેરામેડીકલ સ્કૂલના સંચાલક ભાવિન લાલજીભાઈ ડઢાણીયા તેમજ ક્રિષ્ના ઇન્સ્ટીટયુટના સંચાલક જગદીશ ભીખાભાઈ પરમારની ધરપકડ કરી છે. જ્યારે માંગરોળની ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટના સંચાલક તેમજ પ્રિન્સિપાલ ઉમરફારૂક ઈબ્રાહીમ અમરેલીયાની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.
અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકે આપેલી ફરિયાદ મુજબ 1 જાન્યુઆરી 2014થી 31 ડિસેમ્બર 2016 દરમિયાન 12 સંસ્થાના સંચાલકોએ કૌભાંડ આચર્યુ છે. તેમણે પોતાની સંસ્થાઓના બેનર હેઠળ ખોટા વિદ્યાર્થીઓના નામે જૂનાગઢની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતાં.
આ નકલી દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરીને તેમણે વિદ્યાર્થીઓના નામની શિષ્યવૃત્તિના ચેક મેળવ્યા હતાં. 12 સંસ્થાના સંચાલકોએ રૂપિયા 4,60,38,550 જેટલી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિની રકમ ઉપાડી લીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, શિષ્યવૃત્તિની રકમ જે તે વિદ્યાર્થીઓને આપવામાં આવી જ નથી.
શિષ્યવૃતિનું કૌભાંડ આચરનાર સંસ્થાઓના આચાર્યો તેમજ ટ્રસ્ટના હોદ્દેદારો અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે નામજોગ ગુનો નોંધવામં આવ્યો છે. આ કૌભાંડમાં હજુ વધુ આરોપીઓની સંડોવણી હોવાની શક્યતાએ પોલીસે તપાસ ચાલુ રાખી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ ચાઉ કરી જવાનું કૌભાંડ ઉજાગર થતાં શૈક્ષણિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જ્યારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં ચિંતા સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?