રક્ષક બન્યા ભક્ષકઃ પોલીસ કર્મીઓનો ₹50 લાખનો તોડ!
કરોડોની રોકડ જોઈ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને LRDની દાનત બગડી
આંગડિયા પેઢીના રૂપિયા ₹3.50 કરોડ ભરેલી કારમાંથી ₹50 લાખ કાઢી લઈ તોડ કર્યો હતો
આંગડિયા પેઢીના રૂપિયા ₹3.50 કરોડ ભરેલી કારમાંથી ₹50 લાખ કાઢી લઈ તોડ કર્યો હતો
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. ગુનેગારો બેફામ થઈ રહ્યા છે. આ ગુનેગારોને ડામવાની જેમની ફરજ છે તેવા પોલીસ કર્મચારીઓ હવે ગુના આચરતાં થયા છે. વડોદરાના છાણી પોલીસનો હેડ કોન્સ્ટેબલ અને LRDએ રણોલી પાસેથી સાડા ત્રણ કરોડ ભરેલી કાર પકડ્યા બાદ તેમાંથી રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
આંગડિયા પેઢીની કાર પકડ્યા બાદ બંનેએ દાદાગીરી કરી રૂપિયા 50 લાખ પડાવ્યા હતા. તે અંગે છાણી પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ કર્મીઓને રિમાન્ડ ઉપર લઈ તમામ રૂપિયા પરત કરાવ્યા હતા. આ ઘટના બાદ બંને પોલીસ કર્મચારીઓની હેડ ક્વાર્ટર બદલી કરી દેવામાં આવી છે.
વડોદરાના છાણી પોલીસ સ્ટેશનની પીસીઆરના કર્મચારીઓએ 9 સપ્ટેમ્બરે રણોલી પાસે હાઇવે પર કાર પકડી હતી. જેમાંથી 3.50 કરોડ રોકડ મળી હતી. આટલી મોટી રોકડ જોઈ પીસીઆરના બે કર્મચારીઓની દાનત બગડી હતી. તેમણે દાદાગીરી કરી 50 લાખ પડાવી લીધા હતા.
આ રોકડ રકમ આંગડિયા પેઢીની હતી. લખનઉથી રોકડ લઈને રાજકોટ લઈ આપવાના હતા. બીજા દિવસે આંગડિયા પેઢીના સંચાલકો છાણી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસ કર્મચારીઓ ધ્યાને આવતાં તેમણે પીઆઈ આર.એલ.પ્રજાપતિને સમગ્ર ઘટના બાબતે જાણ કરી હતી. જેથી પીઆઈએ બંને પોલીસ કર્મચારીને બોલાવી માર મારતાં સમગ્ર હકીકત જણાવી દીધી હતી. ત્યારબાદ પોલીસ કર્મીઓ પાસેથી 50 લાખ રોકડ આંગડિયા પેઢીના સંચાલકોને પરત અપાવી હતી.
વડોદરા પોલીસ કમિશનરને તેની જાણ થતાં તેમણે તપાસ કરાવી હતી. તપાસમાં હેડ કોન્સ્ટેબલ રમેશ ઝીણાભાઈ મોરવાડિયા અને એલઆરડી શ્રવણસિંહ અનોપસિંહ વાઘેલાની સંડોવણી ખુલી હતી. તેથી બંને પોલીસ કર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે. જો કે, આટલી મોટી રકમ કોની હતી, કોના કહેવાથી 50 લાખ પરત કરવામાં આવ્યા, કોઈ રાજકીય વ્યક્તિના રૂપિયા હતાં કે કેમ તે બાબતનો હજુ સુધી ફોડ પડ્યો નથી. આ ઉપરાંત રોકડ રકમ પકડાવા અને તોડકાંડ અંગે કોઈ ગુનો પણ નોંધાયો નથી. તેથી સમગ્ર બનાવ અંગે તપાસ થાય તો મોટા ખુલાસા થઈ શકે તેમ છે.
પીઆઈને કેવી રીતે જાણ થઈ?
આંગડિયા પેઢીના રૂપિયા કયા પોલીસ કર્મચારીઓએ લીધા છે તે જાણવા પેઢીના સંચાલકો નંદેસરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ જવાહરનગર અને પછી છાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તે સમયે પીઆઈ સાથે વાતચીત દરમિયાન રોકડ રકમ લઈને આવેલાં આંગડિયા પેઢીનો કર્મચારી પૈસા પડાવી લેનાર બંને પોલીસ કર્મચારીઓને ઓળખી ગયો હતો. ત્યારબાદ પીઆઈને સમગ્ર તોડકાંડની જાણ થઈ હતી.
50-50 ટકાની વહેંચણી કરી પૈસા ઘરે મૂકી દીધા
પોલીસ કર્મચારીઓએ 50 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. તે સમયે તેમની સાથે હોમગાર્ડ પણ હાજર હતો. ઘટના બાદ છાણી પીઆઈએ બંને પોલીસ કર્મીને બોલાવી પૂછતાં તેઓએ અડધા-અડધા રૂપિયા કરી લીધા હોવાની કબૂલાત કરી હતી. આ રૂપિયા બંને કર્મચારી પોતાના ઘરે મૂકી આવ્યા હતા. જો કે, પીઆઈએ કબૂલાત કરાવ્યા બાદ આંગડિયા પેઢીના સંચાલકને રૂપિયા પરત અપાવ્યા હતા.
વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યુ કે, આ તોડકાંડ અંગે એસીપી-એ ડિવિઝનને તપાસ સોંપવામાં આવી છે. તપાસમાં જે તથ્યો સામે આવશે તે મુજબ પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. હાલમાં બંને પોલીસ કર્મચારીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ છે.
ઘટનાની જાણ થતાં છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. પ્રજાપતિએ બંને પોલીસ કર્મચારીને બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશન નજીકના મંદિર પરિસરમાં લઈ જઈ રિમાન્ડ ઉપર લીધા હતા. પીઆઈએ બંને પોલીસ કર્મચારીઓને આંગડિયા પેઢીના સંચાલકોની માફી મંગાવી રૂપિયા 50 લાખ પરત અપાવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?