ભરૂચ મનરેગા કૌંભાડમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવાની અટકાયત
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં 7.30 કરોડના મનરેગા કૌભાંડની ફરિયાદ થઇ છે

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં 7.30 કરોડના મનરેગા કૌભાંડની ફરિયાદ થઇ છે

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં 7.30 કરોડના મનરેગા કૌભાંડની ફરિયાદ થઇ છે
ભરૂચના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની અટકાયત કરવામાં આવતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે. ભરૂચ LCBએ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હીરા જોટવાની અટકાયત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ મામલે ભરૂચ LCB એ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી છે. પોલીસે વેરાવળના સુપાસી ગામમાંથી કોંગી અગ્રણી હીરા જોટવાને ઉઠાવ્યા હોવાની વાત પોલીસ સુત્રો પાસેથી મળી આવી છે. ઉલ્લેખનિય છે કે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં 7.30 કરોડના મનરેગા કૌભાંડની ફરિયાદ થઇ છે. આ મામલે વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી સામે ફરિયાદ કરાઇ છે. બંને એજન્સીઓએ 11 ગામોમાં મનરેગા હેઠળના કામોમાં ગેરરીતિ આચરી હોવાની ભરૂચ શહેર એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનિય છે કે મનરેગા કૌભાંડની તપાસ માટે ભરૂચ એસપીએ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે.
દાહોદ, પંચમહાલ, નર્મદા બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં મનરેગા યોજના હેઠળ રૂપિયા 7.30 કરોડની ગેરરીતિ કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારીએ વેરાવળની મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ પ્રતિક ચૌધરીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચરવા બદલ બે એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઈઝના પિયુષ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઈઝમા જોધા સભાડ સામે આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં મનરેગા યોજના હેઠળ કરેલાં રસ્તાના કામોમાં નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરીને ખોટા બીલો બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જંબુસર, હાંસોટ અને આમોદ તાલુકાના 56 ગામોના વિકાસકામોમાં હલકી કક્ષાનું મટીરીયલ સપ્લાય કરી અને નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે. સરકારના ઉદ્દેશ મુજબ સ્થાનિક નિયત માનવ શ્રમનો ઉપયોગ નહીં કરી અને ગરીબ બેરોજગારોની રોજ-રોટી છીનવી લીધી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. સંલગ્ન કચેરીના માધ્યમનો ઉપયોગ કર્યા વગર જાતે યાંત્રિક રીતે રોડ રસ્તા બનાવી, દરખાસ્તો રજૂ કરી ખોટા સરકારી દસ્તાવેજોના આધારે નાણાકીય ગેરરીતિ આચરી સરકાર પાસેથી વધારાના નાણાં મેળવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રી સંદિપસિંહ માંગરોલાએ જણાવ્યુ કે, બે વર્ષ પહેલાં અમે ટીડીઓ અને ડીડીઓને લેખિતમાં રજૂઆત કરીને તપાસ કરવા કહ્યું હતું. પરંતુ, તે સમયે અમારી રજૂઆતને નજર અંદાજ કરવામાં આવી હતી. શાસક પક્ષ ભાજપમા નેતાઓ કૌભાંડમાં સંડોવાયેલા હોવાથી તટસ્થ તપાસ થતી નથી. આ કૌભાંડમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, ધારાસભ્યો સાથે મોટા નેતાઓની સંડોવણી હોવાથી તટસ્થ તપાસ થાય તો ગાંધીનગર સુધી રેલો પહોંચી શકે તેમ છે. તેથી અમારી માગ છે કે જ્યુડિશિયરીના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવીને મનરેગાના કામોની સમગ્ર રાજ્યમાં તપાસ કરવી જોઈએ.
ક્યાં ગામમાં કેટલી ગેરરીતિ કરવામાં આવી?
જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના 11 ગામોમાં ટેકનિકલ ટીમ દ્વારા સ્થળ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ તપાસ દરમિયાન જંબુસર તાલુકાના કીમોજમાં 1.76 લાખ, વહેલમમાં 2.42 લાખ, બોજાદ્રામાં 3.07 લાખ, આમોદ તાલુકાના ધમણાદમાં 76 હજાર, પુરશામાં 2.08 લાખ, આમોદ તાલુકાના રાણીપુરામાં 2.58 લાખ, દાદાપોરમાં 85 હજાર, હાંસોટ તાલુકાના સમલીમાં 1.07 લાખ, કંટીયાજાળમાં 1.49 લાખ, સુણેવખુર્દમાં 1.41 લાખ અને બોલાવ ગામમાં 1.32 લાખની ગેરરીતિ સામે આવી છે. તપાસ દરમિયાન હકીકત બહાર આવી છે કે, મેટલવાળા રસ્તામાં મેટલનો ઓછો વપરાશ કરી તેમજ ક્વોરી સ્પોઈલનો બિલકુલ ઉપયોગ નહી કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
કઈ એજન્સીએ કેટલી ગેરરીતિ કરી?
જલારામ એન્ટરપ્રાઇઝે જંબુસર તાલુકાના 3 ગામોમાં માટી મેટલના રસ્તા ઉપર મટીરીયલનો વપરાશ વધારે બતાવી ખોટા બિલો રજૂ કરી રૂપિયા 7,74,389, હાંસોટ તાલુકાના 4 ગામોમા માટી મેટલના રસ્તા ઉપર મટીરીયલનો વપરાશ વધારે બતાવી ખોટા બિલો બનાવી રૂપિયા 5,431,287 મળી કુલ રૂપિયા 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝે આમોદ તાલુકાના 4 ગામોમા મેટલના રસ્તા ઉપર મટીરીયલનો વપરાશ વધારે બતાવી ખોટા બિલો બનાવી 6,58,898 મળી બંને એજન્સીઓએ કુલ રૂપિયા 19,64,575ની નાણાકીય ગેરરીતિ કર્યાનું જણાઇ આવ્યુ છે.
જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીએ જંબુસર તાલુકાના 9 ગામના 110 કામમાં અંદાજે રૂપિયા 2.80 કરોડ તેમજ હાંસોટ તાલુકાના 29 ગામના 167 વિકાસ કામમાં રૂપિયા 2 કરોડ, મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીએ આમોદ તાલુકાના 18 ગામના 153 કામમાં કુલ 2.50 કરોડ મળી અંદાજે કુલ રૂપિયા 7.30 કરોડની નાણાંકીય ગેરરિતી આચરી હોવાનો ટેકનિકલ ટીમની તપાસમાં સામે આવ્યુ છે.
ખોટા બીલો અને ડોક્યુમેન્ટ રજૂ કરાયાનો ફરિયાદમાં ઉલ્લેખ
જંબુસર તાલુકા વિકાસ અધિકારીની પરવાનગી લીધા વગર, મેજરમેન્ટ બુક રજૂ કર્યા વગર તેમજ ઓફલાઈન બીલો રજૂ કર્યા વગર ઓનલાઈન પેમેન્ટ કરી દેવામાં આવ્યુ છે. હાંસોટ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એમ.આઇ.પરમારનો ફરજનો સમયગાળો તા.04-03-2024 થી તા.30-06-2024 હતો. તેમ છતાં હાંસોટ તાલુકાના બોલાવ ગ્રામ પંચાયતમાં માટી મેટલ રસ્તાના ચુકવણા માટે તૈયાર કરેલા વાઉચરમાં તા.27-05-2023માં તેઓની સહી કરી છે. આમોદ તાલુકાના પુરસા ગામમાં માટી-મેટલ રસ્તાનાં માલસમાન મળ્યાનું પ્રમાણપત્રમાં કલર ઝેરોક્ષ શંકાસ્પદ જણાઈ છે. નિયત જાડાઇના મેટલનો ઉપયોગ નહી કરી, ક્વોરી સ્પોઇલનો ઉપયોગ નહી કરી, નિયત મટીરીયલ સપ્લાય નહિ કરી, વધારે મટીરીયલ બતાવી, ખોટા બિલો બંને એજન્સીઓએ સરકાર પાસેથી વધારાના નાણાં મેળવી 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડની નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનો ખુલાસો થયો છે.
એજન્સી અને અધિકારીઓની મીલીભગત
મનરેગા યોજના અંતર્ગત તાલુકામાં સૌપ્રથમ પ્રોગ્રામ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતોના આયોજનની દરખાસ્ત મેળવવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ તથા તલાટી કમ મંત્રી ઠરાવ કરી કરવાપાત્ર કામોની યાદી તાલુકા વિકાસ અધિકારીને મોકલે છે. જિલ્લા કક્ષાએ કરવા પાત્ર કામની યાદી તાલુકા કક્ષાએથી પ્રોગ્રામ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવી જિલ્લા કક્ષાનુ બજેટ તૈયાર કરી ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરને મોકલે છે. મનરેગા એક્ટની ગાઇડલાઇન મુજબ 60:40 નો લેબર-મટીરીયલનો રેશિયો જાળવી કામગીરી કરવાની હોય છે. સદર કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલસામાન માટે ઇ-ટેન્ડર કરી માલસામાન સપ્લાયર એજન્સી નક્કી કરવામાં આવે છે. જે સપ્લાયર એજન્સીએ તાલુકામાં માંગણા મુજબનુ મટિરિયલ સપ્લાય કરવાનુ હોય છે. તાંત્રિક મંજૂરી આપતી વખતે રૂપિયા 5 લાખથી વધારે રકમનું કામ હોય તો કાર્યપાલક ઇજનેર પાસે અને 5 લાખથી ઓછી રકમના કામ હોય તો નાયબ કાર્યપાલક ઇજનેર પાસેથી મંજૂરી મેળવવાની હોય છે. તેથી મનરેગા યોજના હેઠળ થયેલી ગેરરીતિમાં એજન્સીઓની સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મીલીભગત હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દાહોદ, પંચમહાલ, નર્મદા બાદ હવે ભરૂચમાં કૌભાંડ
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં રૂપિયા 250 કરોડનું કૌભાંડ થયાનો વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ હાથ ધરાયેલી તપાસમાં રૂપિયા 71 કરોડનું કૌભાંડ સામે આવ્યુ હતુ. જેમાં કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના બે પુત્રોની એજન્સીઓની સંડોવણી ખુલતાં બંને પુત્રો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં મનરેગા યોજનામાં રૂપિયા 109 કરોડનું કૌભાંડ બહાર આવ્યુ હતુ. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈના પરિવારની એજન્સીઓની સંડોવણી ખુલી હતી. ત્યારબાદ નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડનો ખુલાસો કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂનાગઢના કોંગ્રેસી નેતા હીરા જોટવાની એજન્સીઓ દ્વારા કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. હવે ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની એજન્સીઓ મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝની સંડોવણી ખુલી છે. બંને એજન્સીઓ સામે ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ખૂલેલા તમામ મનરેગા કૌભાંડમાં રાજકારણીઓની એજન્સીઓ સાથે અધિકારીઓની મીલીભગત ખુલી છે. તેવા સમયે તટસ્થ તપાસ થાય તો અત્યાર સુધીના સૌથી મોટા મનરેગા કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
આ પણ વાંચો--- Bharuch: સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ,2 આરોપી જેલભેગા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.