Patan Hasapur Firing Incident: પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કરતી ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા શ્રેય મોલ નજીક રોટલીયા હનુમાન મંદિર પાસે આયુષ ટાઉનશીપ સ્થિત શ્રેય ફિટનેસ પાસે બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ ધોળા દિવસે અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા બાદ બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. અચાનક થયેલા ફાયરિંગથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાટણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. SP સહિત LCB, SOG અને બી-ડિવિઝન પોલીસની ટીમોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.
ઘટનાસ્થળેથી 6 ખાલી કાર્ટિજ મળ્યા
ફાયરિંગની ઘટનાની તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી 6 ખાલી કાર્ટિજ મળી આવ્યા છે. ફોરેન્સિક ટીમે પણ સ્થળ પર પહોંચી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. હુમલાખોરોએ કયા પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો અને ફાયરિંગ પાછળનો તેમનો ઇરાદો શું હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બે બુકાનીધારી શખ્સો બાઈક પર આવ્યા અને ગોળીબાર કરી ફરાર
DySP પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પરથી છ ખાલી કાર્ટિજ મળી આવ્યા છે. કયા હથિયારનો ઉપયોગ થયો, કોણ શખ્સો હતા અને તેમનો ઇરાદો શું હતો તે અંગે વિગતવાર તપાસ ચાલુ છે.
CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ
પાટણ ફાયરિંગ કેસમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. બાઈક પર આવેલા બંને બુકાનીધારી શખ્સોની ઓળખ મેળવવા અને તેમના ફરાર થવાના રસ્તાની માહિતી મેળવવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત, જૂની દુશ્મની કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. જોકે, હુમલાખોરોની ઓળખ અને ફાયરિંગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે પાટણ શહેરમાં પોલીસની કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ પર સૌની નજર છે.