અમિત ખૂંટ હત્યા કેસમાં નવો વળાંકઃ પૂજા રાજગોરની DCP સામે કોર્ટમાં ફરિયાદ
હોટલમાં ગોંધી રાખી ધમકી આપવા બદલ 22 થી વધુ પોલીસ અધિકારીઓની સંડોવણી ખૂલી શકે

પોલીસ કમિશનર ઓફિસ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુરભિ હોટલના સીસીટીવી ફૂટેજ માગ્યા

પોલીસ કમિશનર ઓફિસ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુરભિ હોટલના સીસીટીવી ફૂટેજ માગ્યા
ગોંડલના રીબડાના અમિત ખૂંટ દુષ્કર્મ, આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આરોપી પૂજા રાજગોરે DCP જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી સ્ટાફ અને બે મહિલા PSI વિરૂદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ આપતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત પોલીસ કમિશનર ઓફિસ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સુરભિ હોટલ અને રસ્તાના સીસીટીવી ફૂટેજની માગણી કરી નિષ્પક્ષ તપાસ માટે આ કેસની તપાસ એસએમસીને સોંપવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમિત ખૂંટ હત્યા કેસમાં પૂજા રાજગોર અગાઉ આરોપી હતી. પરંતુ, કોર્ટમાં ફરિયાદ કરતાં હવે પૂજા રાજગોર ફરિયાદી અને પોલીસ અધિકારીઓ આરોપી બની ગયા છે.
રીબડાના અમિત ખૂંટ નામના પાટીદાર યુવકે 5 મેના રોજ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહે મળીને હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મનો ખોટો કેસ કરી બદનામ કરતાં આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, એક સગીરા તથા પૂજા રાજગોરે ભેગાં મળી અમિતને ફસાવવા ષડયંત્ર રચી, હનીટ્રેપમાં ફસાવી, બળાત્કારનો ખોટો કેસ કરાવી, બદનામ કરી માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરતાં અમિતે વાડીએ જઇ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પૂજા રાજગોરે સમગ્ર ષડયંત્રની કબૂલાત કરી હોવાનો દાવો કરી પોલીસે 6 મેના રોજ તેની ધરપકડ કરી હતી. હાલમાં પૂજા રાજગોર જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ ગોંડલ સબજેલમાં છે.
પૂજા રાજગોરે કોર્ટમાં શું ફરિયાદ આપી?
પીડિતાએ 3 મે 2025ના રોજ અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. હાલની ફરિયાદના સંદર્ભમાં સગીરાને 5 મે 2025ના રોજ મેડિકલ રિપોર્ટ કરાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી. બપોરે 12 વાગ્યા આસપાસ બોલાવી એકાદ કલાક બેસાડી રાખ્યા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય પોલીસ અધિકારીઓ બંનેને રાજકોટ સીપી ઓફિસમાં ડીસીપી જગદીશ બાંગરવા પાસે લઈ ગયા હતા. ડીસીપીએ અમને ધમકી આપી હતી કે તમે બંનેએ કરેલા કાંડના કારણે અમિત ખૂંટે આત્મહત્યા કરી છે. તમે બંને આમાં ફસાઈ જવાનાં છો. તમને એવા ફિટ કરવા છે કે તમે આખી જિંદગી બહાર નીકળી નહીં શકો તેમ કહી ડીસીપીએ બંનેના મોબાઇલ લઈ લીધા હતા. તેમણે કહ્યું કે તમે બંને કબૂલી લો કે અમિત ખૂંટને તમે હનીટ્રેપમાં ફસાવ્યો છે. બાકી તમારા બંને વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો. શરૂઆતમાં અમને સીપી કચેરી ખાતે લઈ ગયા અને અન્ય પોલીસ અધિકારીઓ ડીસીપી સાહેબને સીપી તરીકે સંબોધતા હતા અમે તેમને સીપી માની રહ્યા હતા. ત્યાર બાદ અમને જેલમાં વકીલ મારફત ફોટા બતાવવામાં આવતાં અમારા ધ્યાનમાં આવ્યું કે સતત ધમકી આપનાર ડીસીપી જગદીશ બાંગરવા હતા.
સુરભિ હોટલમાં બંધક બનાવ્યા
પૂજા રાજગોરે કહ્યું કે, ડીસીપી ઓફિસે સાંજ સુધી બેસાડી રાખ્યા હતા. અમારા કોઈ મિત્ર કે ઘરની કોઈ વ્યક્તિને ખબર ન હતી કે અમે ક્યાં છીએ. પોલીસે આ બાબતની જાણ કરવાની પણ મંજૂરી નહોતી આપી. બાદમાં પોલીસ દ્વારા અમને ફરીથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાંથી સુરભિ હોટલમાં લઇ જવામાં આવ્યા હતા. રૂમ બંધ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એલસીબી સ્ટાફ મળી 15 અધિકારીએ અમારા સુરભિ હોટલ ખાતેના રૂમમાં સવાર સુધી બંધક બનાવી રાખ્યા હતા. સવારે 6.30 વાગ્યે મને અને સગીરાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યા પહેલાં એક દિવસ અને એક રાત રાજકોટ ડીસીપી તથા એ ડિવિઝન એલસીબી સ્ટાફ દ્વારા રાજકોટ ખાતે ગોંધી રાખવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાર સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા અંગેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી. પોલીસ કસ્ટડીમાં લીધાની કોઈ જાણ સગાંવહાલાને કરવામાં આવી નહોતી. મોબાઈલ ફોન પંચનામા વગર લઈ લીધા હતા અને આખી રાત સુરભિ હોટલ ખાતે રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ પ્રકારનાં સંપર્કનાં સાધનો લઈ લેવામાં આવ્યાં હતાં અને કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરાયો હતો.
એસએમસીને તપાસ સોંપવા અને સીસીટીવી ફૂટેજ કબજે કરવા માગ
પૂજા રાજગોરે સીપી ઓફિસ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, ભરૂડી ટોલનાકા, અવર જવર કરેલા રસ્તા અને સુરભિ હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ માટે કબજે કરવાની માગ કરી છે. તેણીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટના 5 મે 2025ના સવારે 11 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધીના, સીપી ઓફિસ રાજકોટના 5 મે, 2025એ સવારે 11 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધીના, જેમાં ડીસીપી બાંગરવાની ઓફિસના, સુરભિ હોટલ (દોશી હોસ્પિટલ, રાજકોટ) ખાતેના 5 મે 2025ની સાંજે 4 વાગ્યાથી લઈને બીજે દિવસે 6 મે 2025એ સવારે 9 વાગ્યા સુધીના, તમામ સ્થળોએ આવવા-જવા માટેના તમામ રસ્તાઓ પરના તથા એ સ્થળોની બહારની બાજુ કવર કરતી આજુબાજુની દુકાનોના તથા અન્ય જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરાના તથા દોશી હોસ્પિટલમાં લાગેલા સુરભિ હોટલ કવર કરતા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરવા તેમજ 6 મે 2025એ સવારે 6 વાગ્યાથી લઈને સવારે 11 વાગ્યા સુધીના ભરુડી ટોલનાકાના સીસીટીવી ફૂટેજ કબજે કરવા માગ કરી છે. આ ઉપરાંત તમામ આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી, ફરિયાદી પક્ષના પુરાવાઓ રેકોર્ડ પર લઈને તમામ વિરુદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી ફોજદારી કામ ચલાવી જેલ હવાલે કરવા તેમજ આરોપીઓ પાસેથી અમને કરવામાં આવેલી હેરાનગતિ માટે યોગ્ય વળતર અપાવવા માગ કરી છે.
પોલીસની કામગીરી શંકાસ્પદઃ પીડિતાના વકીલ
પીડિતાના વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું કે, પૂજાબેને રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે, 3 મેના રોજ સગીરાએ પોક્સોની ફરિયાદ દાખલ કરતા 5 તારીખે મેડિકલ માટે બોલાવવામાં આવ્યા હતા અને તે જ દિવસે અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવા છતાં તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદે કસ્ટડીમાં લેવામાં આવ્યા અને સીપી ઓફિસ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી સુરભિ હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. પોલીસે સીસીટીવી શોટસર્કિટના કારણે ડેટા ન હોવાનું કહ્યું. તો ક્યાંક એવું કહ્યું કે અમારી પાસે ડ્રાઇવ રજૂ કરવા માટે ફંડ નથી. એક જગ્યાએ 5 મિનિટના ફૂટેજ મિસિંગ કરીને આપ્યા છે. પોલીસ થઈને પુરાવા સાથે ચેડાં કરતા હોય તેવું લાગી રહ્યું છે. જે યોગ્ય નથી. પોલીસની કાર્યવાહી બોગસ છે.
સવારે સાડા છ વાગ્યે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. પરંતુ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સગીરાની તાત્કાલિક અટક નથી બતાવતી. સાંજે 6 વાગ્યા સુધી ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવે છે અને 6 વાગ્યે સગીરાને કાયદાકીય રીતે હસ્તગત કરવામાં આવે છે અને 6.40 વાગ્યે પૂજા રાજગોરની અટક કરવામાં આવે છે. સમગ્ર દિવસ દરમિયાન ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવ્યા એની અમે રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. પૂજા રાજગોરનાં નિવેદનો દબાણ કરી લેવામાં આવ્યાં છે. ચોક્કસ પ્રકારનાં નિવેદન અને નામો લેવા માટે દબાણ થયું હતું. એ અમારી ફરિયાદમાં સગીરા મહત્વનાં સાક્ષી હતાં.
દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાએ પણ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપી જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ DYSP કે.જી.ઝાલા, પીઆઇ પરમાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે અમિત ખૂંટ દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી પોતે આપઘાત કરી લીધો છે અને તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આરોપ તદ્દન ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના માણસો દ્વારા મને 6 લોકોનાં નામ આપવા માટે કહેવામાં આવ્યું હતું. અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી. આજે મારી અને મારા પરિવારના જાનને જોખમ છે. અમને સુરક્ષા મળે એવી મારી માગ છે.
પીડિતાના વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું કે, પૂજા રાજગોરે પણ ગેરકાયદે અટકાયત બાબતે ફરિયાદ કરી છે. અન્ય સહઆરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલી બાળ કિશોરી દ્વારા JMFC(જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ)ની કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે. અમારા દ્વારા જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા તેમજ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા, પીઆઇ એ. ડી. પરમાર તેમજ રાજકોટ શહેરના DCP ઝોન 2 જગદીશ બાંગરવા તેમજ એ ડિવિઝનના પોલીસ અધિકારી સહિતના વિરુદ્ધ અલગથી ફરિયાદ દાખલ કરાવવામાં આવશે. જેમાં ગેરકાયદે અટકાયત, અપહરણ, ધાક ધમકી આપવી સહિતની ફરિયાદ આપવામાં આવશે.
સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મે 2025ના રોજ અમિત ખૂંટે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી મૃતકની સુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યું છે કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો. પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. ત્યારબાદ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ અનિરુદ્ધસિંહે એક વીડિયો રિલીઝ કરી કહ્યું હતું કે આ જયરાજસિંહનું કાવતરું છે. આ પહેલાં 3 મેના રોજ સગીરાએ આરોપ લગાવ્યો હતો કે અમિત ખૂંટે તેને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બે ક્ષત્રિય બાહુબલીના વર્ચસ્વના જંગમાં પાટીદાર યુવકે જીવ ગુમાવ્યો
2022ની વિધાનસભા ચૂંટણી સમયથી રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલના જયરાજસિંહ જાડેજા સામસામે આવી ગયા છે. બંને બાહુબલીઓના વર્ચસ્વની લડાઈમાં પાટીદાર યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. મૃતક અમિત ખૂંટ પર 2022ની ચૂંટણી બાદ હુમલો થયો હતો. આ કેસમાં અત્યારસુધી વિવાદ ચાલતો હતો. જેમાં જમીન વિવાદ અને હનીટ્રેપનાં તત્વો ઉમેરાયાં અને અમિત ખૂંટે જિંદગી ટૂંકાવવાનો વારો આવ્યો છે. 8 ડિસેમ્બર, 2022એ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ ગોંડલ બેઠક પરથી જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાનો વિજય થયો હતો. ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામસામે આવી ગયા હતા તેમજ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ રીબડા ગામે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. એક દિવસ અગાઉ રીબડા ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર આકરા પ્રહાર કર્યા હતા. તેના બીજા દિવસે અમિત ખૂંટ પર હુમલાની ઘટના બની હતી. તે સમયે અમિત ખૂંટે જણાવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદૂકની નાળચો ત્રણ-ચાર વખત છાતીમાં મારી ધાકધમકી આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.