મહેસાણા IELTS કૌભાંડ: કોર્ટે B સમરી ફગાવી, 45 આરોપીઓ સામે ફરી થશે તપાસ
વિસનગર DySP દિનેશ ચૌહાણ સામે તપાસ કરવા એડિશનલ સેશન્સ કોર્ટનો આદેશ

8 બેન્ડ હોવા છતાં અંગ્રેજી ન બોલી શકતાં અમેરિકાની કોર્ટમાં ખૂલ્યું હતું IELTS કૌભાંડ

8 બેન્ડ હોવા છતાં અંગ્રેજી ન બોલી શકતાં અમેરિકાની કોર્ટમાં ખૂલ્યું હતું IELTS કૌભાંડ
મહેસાણાના IELTS કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. મહેસાણાની અધિક સેશન્સ કોર્ટે વિસનગર DySPએ ભરેલી બી સમરી ફગાવીને 45 આરોપીઓ સામે ફરીથી તપાસનો આદેશ કર્યો છે. આ કેસમાં વધુ તપાસ માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવા ન્યાયાધીશે ડીજીપીને સૂચના આપી છે. જ્યારે બી સમરી ભરનાર વિસનગર DySP દિનેશસિંહ ચૌહાણ સામે તપાસ કરવાનો પણ હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ડંકી રૂટથી અમેરિકા જતા મહેસાણાના ચાર યુવકો 2021માં ડૂબતા US પોલીસે બચાવ્યા હતા. ત્યારબાદ ચારેય યુવકોને કોર્ટમાં રજૂ કરતા તેઓ અંગ્રેજી બોલી નહી શકતાં IELTS કૌભાંડ બહાર આવ્યુ હતું.
મહેસાણાના નિલ પટેલ, ધ્રુવ પટેલ, ઉર્વેશ પટેલ અને સાવન પટેલ વર્ષ 2021માં IELTS (ઇન્ટરનેશનલ ઇંગ્લીશ લેગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ) પાસ કરી કેનેડા પહોંચ્યા હતા. કેનેડાથી તેઓ ડંકી રૂટની બોટ મારફતે 23 મે 2021ના રોજ અમેરિકાની બોર્ડરમાં ઘૂસી રહ્યાં હતા ત્યારે બોટ ડૂબવા લાગી હતી. તે સમયે US પોલીસે આવી ચારેયને બચાવ્યા હતા. ત્યારબાદ ચારેય યુવકોને નોર્ધન ડિસ્ટ્રીક્ટ કોર્ટ(ન્યૂયોર્ક) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે ચારેય યુવકો અંગ્રેજી બોલી નહી શકતાં ગુજરાતી અને હિન્દી ટ્રાન્સલેટરની મદદ લીધી હતી. તમામ યુવકોના IELTSમાં 8 બેન્ડ હોવાથી કોર્ટ ચોંકી ઉઠી હતી. આ મામલે મુંબઇ સ્થિત US એમ્બેસીને જાણ કરી હતી. મુંબઈ સ્થિત US એમ્બેસીએ મહેસાણા પોલીસ અધિક્ષકને ઇમેઈલ કરી તપાસ કરવા કહ્યું હતું. તત્કાલીન SOG PI ભાવેશ રાઠોડે તપાસ કરી 45 આરોપીઓ સામે 4 સપ્ટેમ્બર 2022ના રોજ ફરિયાદ દાખલ કરી હતી.
IELTS કૌભાંડનો માસ્ટર માઈન્ડ ગાંધીનગરના સરગાસણનો અમિત સુરેન્દ્રભાઇ ચૌધરી હોવાનો SOG ની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. આરોપી અમિત ચૌધરી IELTS પરીક્ષા પાસ કરાવાનું કૌભાંડ ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ મહેસાણા બી ડિવિઝન PI એન.એસ.ઘેટિયાએ તપાસ સંભાળી હતી. જો કે, તપાસ ચાલી રહી હતી તેવામાં આશ્ચર્યજનક રીતે રેન્જ આઈજી દ્વારા સમગ્ર તપાસ 5 ફેબ્રુઆરી 2023ના રોજ DySP ડીએમ ચૌહાણને સોંપવામાં આવી હતી. DySP ડી.એમ.ચૌહાણે 28 એપ્રિલ 2023ના રોજ એટલે કે બે મહિનામાં જ તપાસ કરી ગુનો બનતો નથી તેવો બી સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. ચીફ કોર્ટે રિપોર્ટ ગ્રાહ્ય રાખ્યો હતો. તેથી તત્કાલિન મહેસાણા SP અચલ ત્યાગીએ હુકમને ચેલેન્જ કરવા જિલ્લા સરકારી વકીલને મોકલી આપ્યો હતો. ત્યારબાદ હુકમને પડકારવા ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા રિવિઝન મંજૂરી આપવામાં આવી હતી.
મહેસાણાના મુખ્ય સરકારી વકીલ વિજય બારોટે જણાવ્યુ કે, આ કેસમાં પ્રાથમિક તપાસના અંતે 45 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. IELTSની પરીક્ષા પાસ કરવાનું સુઆયોજીત કૌભાંડ હતું. પરંતુ તપાસ કરનાર અધિકારીએ સાચી દિશામાં તપાસ કરી નહોતી. તેમણે તપાસમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, હેન્ડ રાઇટીંગ એક્સપર્ટની મદદ લીધી નહોતી. ચાર આરોપી વિદેશમાં હોવાથી તેમને ભારત બોલાવી નિવેદન લેવાની કે તપાસ કરવાની તસ્દી લીધી નહોતી. તપાસ કર્યા વિના જ પ્રિમેચ્યોર સમરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રદ થવા પાત્ર હતો.
હરિયાણાના ગુડગાંવથી ઉત્તરવહીઓ પણ કબજે કરાઇ હતી
આ કેસની તપાસમાં ખુલાસો થયો હતો કે, IELTSની પરીક્ષા આપતી વખતે CCTV બંધ રાખવામાં આવતા હતા. ડમી વ્યક્તિને પરીક્ષા આપવા બેસાડવામાં આવતા હતા. તેથી હરિયાણાના ગુડગાંવ જઇ પોલીસે ઉત્તરવહીઓ પણ કબજે કરી હતી. જો કે, તપાસ માટે ઉત્તરવહી FSLમાં (હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ) પાસે મોકલવામાં નહી આવતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા.
અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન નામની એજન્સી લેતી હતી પરીક્ષા
મહેસાણાના ચાર વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષામાં 8 બેન્ડ આપવાના કેસમાં તપાસ માટે મહેસાણા એસઓજી ટીમે અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશનના સંચાલક સહિત નવ કર્મચારીઓનું નિવેદન લીધુ હતુ. અમેરિકા ગયેલા ચારેય વિદ્યાર્થીઓએ નવસારીમાં પરીક્ષા આપી હતી.આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશન કન્ડકટ કરે છે. આ કૌભાંડમાં રાજકોટ વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદના 7 કેન્દ્રો સ્કેનર હેઠળ આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન 950થી વધુ ઉમેદવારોએ 14 લાખ રૂપિયા ચૂકવી IELTS સ્કોર મેળવ્યા હોવાનો ખુલાસો થયો હતો.
કેવી રીતે આચરાય છે IELTS કૌભાંડ
કોઈ વિદ્યાર્થીને વિદેશ જવું હોય અને તેનું અંગ્રેજી નબળું હોય, પરંતુ આર્થિક સ્થિતિ મજબૂત હોય તો તેને રૂપિયા 30 લાખમાં IELTSમાં 8 બેન્ડ લઈ આપવાની ઓફર આપવામાં આવે છે. તેમાં ભાવતાલ કરી 20 થી 25 લાખમાં સોદો નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ એક ડમી હોશિયાર સ્ટુડન્ટ તૈયાર કરી પરીક્ષા કંડકટર સાથે રૂપિયા 5 લાખમાં સેટિંગ કરવામાં આવે છે. IELTS પરીક્ષા આપવા માટે પહેલાં લાખોમાં સેટિંગ કર્યા બાદ તેમાં ડમી વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ વોશરૂમમાં છુપાવી દેવામાં આવે છે. જ્યારે મૂળ વિદ્યાર્થી આવે અને તેના ફિંગર લેવાની અને આઈકાર્ડ હોલ ટિકિટ ચકાસણી પૂરી થઈ જાય એટલે તે લઘુ શંકા જવાનું કહી વોશ રૂમમાં જાય છે અને ડમી વિદ્યાર્થી તેના સ્થાને પરીક્ષા આપવા આવી જાય છે. આ કૌભાંડ સામે ન આવે એ માટે cctv કેમેરા પણ બંધ કરી દેવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.