અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના ત્રિકમરાયજી મંદિર પર ભૂમાફિયાઓનો કબજો
ચેરિટી કમિશનર કચેરીએ ફરિયાદ આપતા પોલીસે બિલ્ડર સહિત 7 સામે નોંધી ફરિયાદ

ખોટા દસ્તાવેજના આધારે વર્ષ 1999 અને 2023માં મંદિરની જમીનનું બારોબાર કરાયું હતું વેચાણ

ખોટા દસ્તાવેજના આધારે વર્ષ 1999 અને 2023માં મંદિરની જમીનનું બારોબાર કરાયું હતું વેચાણ
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા 700 વર્ષ જૂના ત્રિકમરાયજી મંદિર ઉપર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. ચેરિટી કમિશનર કચેરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં સમગ્ર મામલાનો ખુલાસો થયો છે. ચેરીટી કમિશનરની કચેરીએ મંદિરની જમીન ખોટા દસ્તાવેજોના આધારે કરોડોમાં વેચીને આર્થિક ફાયદો મેળવનાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સિમરન બિલ્ડર સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધી 2 શખ્સોની ધરપકડ કરી છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી મૂર્તિઓનું પુનઃ સ્થાપન કરવા બજરંગદળે માગ કરતાં મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
વસ્ત્રાપુર ચેરિટી કમિશનરની કચેરીમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, જમાલપુર ખાતે આવેલી ત્રિકમ રાયજી મંદિરમાં અલગ-અલગ ભગવાનની 6 મૂર્તિ સ્થાપિત કરેલી હતી. આ મંદિર 700 વર્ષ જૂનું હતું. જમીન ઉપર ધાર્મિક મંદિરના બાંધકામ પણ કરેલા હતા. વર્ષ 1966માં આ મંદિરના ટ્રસ્ટી તરીકે ભોગીલાલ ત્રિકમલાલ, મહંત સીયારામ દાસ, કાંતિલાલ શાહ અને બાબુલાલ રાવળ નીમવામાં આવ્યા હતા. ત્યારબાદ કોઈ ટ્રસ્ટી હયાત નહી હોવાથી મંદિરની જમીનના માલિક ચેરીટી કમિશનર બની ગયા હતા.
વર્ષ 1999માં શિવરામદાસ વૈષ્ણવ તથા મહંત સીયારામદાસે આ જમીન સહલ ઓનર્સ એસોસિએશન વતી વહીવટદાર બાબુલાલ શાહને વેચાણ કરી હતી. જમીનના વેચાણ પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી મંજૂરી લીધી નહોતી. આ મામલે સિટી સિવિલ કોર્ટમાં કેસ થયો હતો. કોર્ટ કેસ દરમિયાન કોર્ટે મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ સહલ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે પણ નીચલી કોર્ટના ઓર્ડરને ગ્રાહ્ય રાખી કહ્યુ હતું કે, જમીનનો કબજો કે જમીનને લગતો કોઈપણ ફેરફાર જમીન વેચાણ કરતી વખતે સ્ટેટસમાં ફેરફાર કરી શકાશે નહીં.
ગુજરાત હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ હોવા છતાં સહલ ઓનર્સ એસોસિએશન દ્વારા મંદિરની જમીન બિલાલ શેખ અને તેના મળતિયાઓએ ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી વેચાણ આપી દીધી હતી. ચેરીટી કમિશનર કચેરીએ બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, શેખ નિઝામુદ્દીન, મોહમ્મદ બિલાલ શેખ, કાદરી ઝિશાન, કાદરી રોહન અને કુરેશી સદામ હુસેન વિરુદ્ધ મંદિરની જમીન પચાવી પાડવા બદલ અને ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચાણ કરી દેવા બદલ ફરિયાદ નોંધાવી છે.
ગાયકવાડ હવેલી પોલીસે અંગે ગુનો નોંધી મોહમ્મદ બિલાલ શેખ અને ઝિશાન કાદરીની ધરપકડ કરી છે. જ્યારે બાબુલાલ ડાહ્યાભાઈ શાહ અને નિઝામુદ્દીન શેખનું મરણ થયુ છે. બાકીના ત્રણ આરોપીઓ મોહમ્મદ અસગર પઠાણ, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મંદિરની જગ્યામાં દુકાનો બનાવી ભાડે આપી
ચેરિટી કમિશનર કચેરીની માલિકીની આ જગ્યા ઉપર આરોપીઓએ દુકાનો બનાવી ભાડે આપી દીધી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. વર્ષ 1999 થી આરોપીઓએ આ જમીન ઉપર બનાવેલી દુકાનો ભાડે આપીને ફાયદો મેળવ્યો છે. તેમ છતાં સંબંધિત સરકારી કચેરીઓના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે.
AMC, કલેક્ટર કચેરીના અધિકારીઓની મીલીભગત?
બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક જ્વલિત મહેતાએ આક્ષેપ કર્યો છે કે, જમાલપુરના બિલ્ડર બિલાલ શેખે AMC, કલેક્ટર કચેરીના અધિકારીઓની મીલીભગત કરી 700 વર્ષ જૂનું ત્રિકમરાયજીનું મંદિર તોડી પાડ્યું છે. આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. પૌરાણિક મંદિરમાં હનુમાનજી, ગણપતિ, શિવ-પાર્વતી, વિષ્ણુ ભગવાન સહિત 6 મૂર્તિઓ સ્થાપિત હતી. ત્રિકમરાયજી મંદિરની જગ્યામાં મોહમ્મદ બિલાલ શેખ દ્વારા ગેરકાયદે કબજો કરી સિમરન ડેવલોપર્સના નામે પોતાનો વ્યવસાય કરી રહ્યો છે. બિલાલ શેખ અને તેના અન્ય મળતીયાઓ સાથે મળી અને ત્રિકમરાયજીની મંદિરની જગ્યા પચાવી પાડવા કોર્ટનો સ્ટેટ્સ કો હોવા છતાં ખોટી કિંમતી જામીનગીરી દસ્તાવેજ બનાવી દીધા હતા અને વેચાણ કરી હતી. બજરંગ દળે ત્રિકમરાયજી મંદિર પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે.
જમાલપુર વિસ્તારમાં એક મહિનામાં બીજું જમીન કૌભાંડ ઝડપાયું
જમાલપુર વિસ્તારમાં ગુજરાત વકફ બોર્ડે એએમસીને આપેલી જમીન ઉપર બનાવેલી શાળા જર્જરીત થતાં નવી શાળા બનાવવાના બદલે બિલ્ડર સમીરખાન પઠાણ સહિતની ટોળકીએ દુકાનો તેમજ ફ્લેટ બનાવી 20 વર્ષ સુધી ભાડુ ઉઘરાવ્યુ હતુ. તાજેતરમાં તેનો ખુલાસો થતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જમાલપુર વિસ્તારમાં એક જ મહિનામાં બીજું જમીન કૌભાંડ ઝડપાયુ છે. આગામી દિવસોમાં આ મામલો વધુ વણસે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.