સોમવારે બપોરે બેંગલુરુની બહાર હેલ નિજાગલ નજીક રોડ રેજની ઘટનામાં સંડોવણી બદલ દબાસપેટ પોલીસે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે, તેમના ગનમેન અને ડ્રાઇવર વિરુદ્ધ FIR નોંધી છે. એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ હેગડે હેલ નિજાગલ નજીકના રસ્તેથી ઘરે પરત ફરતા રોડ રેજની ઘટના બની હતી. આગળ જઇ રહેલી SUV કારે સાઈડ ન આપતા હેગડેના ડ્રાઇવરે SUVને ઓવરટેક કરીને રોકી હતી. SUV કારમાં સૈફ ખાન તેમના પરિવાર સાથે જઈ રહ્યા હતા.
હેગડેના ડ્રાઇવરે ખાનની કારને બે કે ત્રણ વાર હોર્ન વગાડ્યો હતો પરંતુ ખાને ધ્યાન આપ્યું નહીં અને ગાડી ચલાવતા રહ્યા. સાઈડ ન આપવાથી ડ્રાઇવરે ખાનની SUV અટકાવી ત્યારબાદ હેગડેના ડ્રાઇવર અને બંદૂકધારી બંને બહાર નીકળી ખાન અને તેના ભાઈ પર હુમલો કર્યો. કારની અંદરથી ખાનના પરિવારના એક સભ્ય દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં નારંગી શર્ટ પહેરેલો એક વ્યક્તિ ખાન અને તેના ભાઈ પર હુમલો કરી રહ્યો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
અનંતકુમાર હેગડેના સાથીઓએ ખાન પર એવો હુમલો કર્યો કે તેના 2-3 દાંત પાડી દીધા હતા. પોલીસે ખાનની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને સાથે સાથે પરિવારનું નિવેદન પણ નોંધ્યું છે. પોલીસે નેલમંગલામાં નાયબ પોલીસ અધિક્ષકની ઓફિસમાં હેગડે અને તેના બે સાથીઓની પૂછપરછ કરી હતી અને ઉમેર્યું હતું કે બંદૂકધારી અને ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. ભૂતપૂર્વ સાંસદની સંડોવણીના સમાચાર ફેલાતાં જ પોલીસ સ્ટેશન પર મોટી ભીડ એકઠી થઈ ગઈ.