કચ્છમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ
દેશમાં પ્રથમ વખત કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપાયું, NCBએ રૂપિયા 182 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

AI જનરેટેડ

AI જનરેટેડ
કચ્છના મુંદ્રાના એક CFS(કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન)માંથી દેશમાં પ્રથમ વખત અત્યંત ખતરનાક ગણાતી કેપ્ટાગોન ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ હાથ ધરેલા વિશેષ ઓપરેશનમાં રૂપિયા 182 કરોડની કિંમતનો 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન પાઉડર જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશન પાર પાડીને એનસીબીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.
NCBને વિદેશી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી બાતમીના આધારે ઓપરેશન શરૂ કરાયું હતું. દક્ષિણ દિલ્હીના નેબ સરાઈ વિસ્તારમાં રહેણાંક મકાનમાં અગાઉ દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાંથી એક સિરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. સિરિયન નાગરિક પાસેથી કોમર્શિયલ ચપાતી કટીંગ મશીનની અંદર ખૂબ ચાલાકીપૂર્વક છુપાવવામાં આવેલી 31.5 કિલોગ્રામ કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી આવી હતી. આ મશીન સાઉદી અરેબિયાના જેદ્દાહ મોકલવાનું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સિરિયન નાગરિકની પૂછપરછ દરમિયાન મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે તપાસનો દોર મુંદ્રામાં લંબાવવામાં આવ્યો હતો. મુંદ્રા સ્થિત ખાનગી કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનમાં સિરિયાથી આવેલા એક કન્ટેનરની તપાસ કરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. કસ્ટમ દસ્તાવેજોમાં સિરિયાથી આવેલા કન્ટેનરમાં ઘેટાંનું ઉન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીઓએ તપાસ કરતાં કોથળાઓમાંથી કેપ્ટાગોન પાઉડર મળી આવ્યો હતો.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ અખાતી દેશમાંથી મોકલવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં NCBએ લોજિસ્ટિક્સ ચેઇન, સપ્લાય નેટવર્ક, હવાલા મારફતે થયેલી નાણાકીય લેવડદેવડ અને કાવતરામાં સામેલ આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.
દિલ્હી નાર્કોટિક્સ વિભાગના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે, સમગ્ર ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થાનિક કક્ષાએ કોઈપણ પ્રકારનું સંકલન કરવામાં આવ્યું નહોતું. તપાસ ટીમ સાદા વેશમાં દિલ્હીથી મુંદ્રા પહોંચી હતી. શંકા ન જાય તે માટે અધિકારીઓએ પોતાના વાહનો બંદર વિસ્તારથી દૂર પાર્ક કર્યા હતા. ત્યારબાદ રિક્ષા મારફતે મુંદ્રા પોર્ટ સુધી પહોંચ્યા હતા. ગુપ્ત બાતમીના આધારે તપાસ શરૂ કરતાં ગરમ કપડાં બનાવવાના યાર્ન તરીકે જાહેર કરાયેલાં કન્ટેનરમાંથી કેપ્ટાગોન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા.
“ઓપરેશન રેજીપીલ” નામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં દિલ્હી અને મુંદરા બંને સ્થળોએથી કુલ 227.7 કિલો જેટલું કેપ્ટાગોન ડ્રગ્સ મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે “જેહાદી ડ્રગ્સ” તરીકે ઓળખાતો માદક પદાર્થ આતંકી સંગઠનો માટે નાણાં એકત્ર કરવા ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતમાં પ્રથમ વખત ઝડપાયેલા કેપ્ટાગોનના જથ્થાએ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતા ઉભી કરી છે. ભારતનો ઉપયોગ માત્ર ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરાયો હતો કે પછી દેશમાં પણ ખતરનાક ડ્રગ્સનું કોઈ નેટવર્ક સક્રિય છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.