સુરતમાં નશાખોર ઈન્ફ્લુએન્સરનો ભયાનક આતંક
દારૂના નશામાં ચૂર હિરેન પટેલે મોટા વરાછામાં બાઈક સવારોને કચડ્યા; ઉતરાણ પોલીસે કરી ધરપકડ

નશામાં ધૂત સેલિબ્રિટીની બેદરકારી

નશામાં ધૂત સેલિબ્રિટીની બેદરકારી
સુરત જેવા સ્માર્ટ સિટીમાં કાયદાનો ડર જાણે ઓગળી રહ્યો હોય તેમ નશામાં ધૂત થઈને વાહન ચલાવવાની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. આ વખતે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર લાખો યુવાનોને હસાવતો અને પ્રેરણા આપતો 'ઈન્ફ્લુએન્સર' જ કાયદાના લીરેલીરા ઉડાડતો ઝડપાયો છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇન્સ્ટાગ્રામ પર ૭ લાખથી વધુ ફોલોઅર્સ અને મોટી ફેન ફોલોઈંગ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે કાયદાની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. મોટા વરાછામાં આવેલા 'દુઃખિયાના દરબાર' રોડ પરથી હિરેન પટેલ પોતાની લક્ઝુરિયસ કાર (GJ-11-CQ-6007) લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ગતિ એટલી મર્યાદા બહાર હતી કે હિરેને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કારે રસ્તા પર જઈ રહેલા બે નિર્દોષ બાઇક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જ બાઈક સવારો હવામાં ઉછળીને ફંગોળાયા હતા અને એક બાઈક તો કારના બોનેટ નીચે ફસાઈને અનેક ફૂટ સુધી ઢસડાઈ હતી.
લોકોનો રોષ અને મેથીપાકઅકસ્માતનો જોરદાર અવાજ સાંભળી આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે લોકોએ કાર પાસે જઈને જોયું તો દ્રશ્ય ચોંકાવનારું હતું. સોશિયલ મીડિયા પર લોકોને હસાવતો હિરેન પટેલ કારની બહાર નીકળવાની સ્થિતિમાં પણ નહોતો. તે દારૂના નશામાં એટલો ધુત હતો કે તેને પોતે શું કર્યું છે તેનું પણ ભાન નહોતું.
ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, એક જાણીતો ચહેરો જ્યારે આ પ્રકારે નશાની હાલતમાં અન્યનો જીવ જોખમમાં મૂકે ત્યારે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ હિરેન પટેલને કારમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો અને તેને સ્થળ પર જ બરાબરનો મેથીપાક ચખાડી પાઠ ભણાવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડઘટનાની જાણ થતા જ ઉતરાણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભીડના ચુંગાલમાંથી હિરેન પટેલને બચાવીને તેની તાત્કાલિક અટકાયત કરી હતી. ઇજાગ્રસ્ત બાઇક સવારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, હિરેન પટેલ સ્પષ્ટપણે દારૂ પીધેલી હાલતમાં જ મળી આવ્યો હતો. પોલીસે તેનું સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ હતી. આ રિપોર્ટના આધારે ઉતરાણ પોલીસે તેની સામે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' તેમજ અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી સત્તાવાર ધરપકડ કરી લીધી છે.
સોશિયલ મીડિયાના ખોટા આદર્શો?આ ઘટના બાદ સુરતમાં સોશિયલ મીડિયા સ્ટાર્સના વર્તન પર મોટા સવાલો ઉભા થયા છે. જે ઈન્ફ્લુએન્સર વીડિયોમાં લોકોને હસાવવાનું અને આદર્શ બનવાનું કામ કરે છે, તે વાસ્તવિક જીવનમાં દારૂ પીને નિર્દોષોને કચડતા અચકાતા નથી. સુરત પોલીસે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જેથી અન્ય કોઈ સેલિબ્રિટી કે સામાન્ય નાગરિક આવી બેદરકારી કરવાની હિંમત ન કરે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય