ગુજરાતમાં નકલીની બોલબાલાઃ અમદાવાદમાં હવે વકફ બોર્ડના નકલી ટ્રસ્ટી ઝડપાયા
20 વર્ષ સુધી 100 કરોડની મિલકતનું ભાડું ઉઘરાવી ટ્રસ્ટમાં જમા નહી કરાવી ઠગાઈ આચરી

ટ્રસ્ટની જમીનમાં આરોપીઓએ ફ્લેટ પણ બનાવી દીધાઃ પાંચ શખ્સોની પોલીસે કરી ધરપકડ

ટ્રસ્ટની જમીનમાં આરોપીઓએ ફ્લેટ પણ બનાવી દીધાઃ પાંચ શખ્સોની પોલીસે કરી ધરપકડ
ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. પોલીસથી લઈને ગૃહમંત્રીના OSD સુધીના નકલી અધિકારીઓ પકડાઈ ચુક્યા છે. તેવામાં અમદાવાદમાં વકફ બોર્ડના નકલી ટ્રસ્ટીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જમાલપુરમાં કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં પાંચ શખ્સોએ વકફ બોર્ડે AMCને આપેલી જમીન ઉપર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાંચેય શખ્સો પોતે વકફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી છેલ્લાં 20 વર્ષથી ભાડાની વસૂલાત કરતાં હતા.
વક્ફ બોર્ડે AMCને શાળા માટે આપેલી જમીન પરની શાળા જર્જરિત થઈ ગઈ હતી. આ જગ્યા ઉપર પાંચ જેટલાં શખ્સોએ નવી શાળા બનાવવાના બદલે 20 વર્ષ અગાઉ ગેરકાયદે દુકાનો બાંધી દીધી છે. સલીમખાન પઠાણ નામનો શખ્સ વક્ફ બોર્ડની 100 કરોડની મિલકત પર દુકાનો અને મકાન બનાવી ગેરકાયદે રીતે ભાડું વસૂલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
નકલી ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી ગેરકાયદે દુકાનો બાંધી
કાચની મસ્જિદની પાસે રહેતા મોહમ્મદ રફીક અન્સારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે. ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓના મરણ થઈ ચૂક્યા છે. મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે. જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા AMCને સોંપવામાં આવી હતી.
AMCએ આ જમીન ઉપર શાળા બનાવી હતી. 2001માં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયું હતું. તકનો લાભ લઈ વર્ષ 2009માં નકલી ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી પાડી આ જગ્યા ઉપર ગેરકાયદે 10 દુકાનો બનાવી દીધી હતી. ત્યારબાદ સલીમખાન પઠાણ નામના શખ્સે પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલીને 9 દુકાનો ભાડે આપી હતી. આ ભાડું આવ્યું વકફ ટ્રસ્ટ કે AMCના એકાઉન્ટમાં જમા નહી કરાવીને છેતરપિંડી આચરી છે.
સલીમખાન પઠાણ આ જગ્યા ઉપર બનેલા 15 લોકો પાસેથી ગેરકાયદે ભાડાં પણ ઉઘરાવી રહ્યો છે. બોર્ડમાં સલીમખાન પઠાણ, મહેબૂબખાન સહિતના લોકોએ ટ્રસ્ટી તરીકે ખોટી ઓળખ આપી ગેરકાયદે ભાડા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યુ છે. વર્ષ 2005થી સલીમખાન અને તેની સાથેના ચાર શખ્સોએ
ટ્રસ્ટની જમીનમાં 25થી 30 દુકાનો અને 200 મકાનો બનાવી ભાડા ઉઘરાવ્યા છે. આ શખ્સોએ ગેરકાયદે 6 માળના બે ફ્લેટ બનાવી ભાડું ઉઘરાવી રહ્યાં છે. શાહ બડા કાસિમ ટ્રસ્ટની દાનપેટીમાં દર મહિને થતી 50 હજારની આવક પણ આ શખ્સો વાપરતા હોવાનું સામે આવ્યું છે.
સલીમખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમુદખાન પઠાણ, ફેઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ સહિતના પાંચેય શખ્સોએ નકલી ટ્રસ્ટી બની વકફ બોર્ડની મિલકતમાં મકાન અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદે ભાડા વસૂલ કર્યાં છે. ગાયકવાડ હવેલી પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નકલી ટ્રસ્ટી સલીમખાનનો ભૂતકાળ પણ ગુનાહિત છે. સલીમખાન વિરુદ્ધ હત્યા, રાયોટિંગ સહિતના ગુના નોંધાયેલા છે. ગાંધીનગર સ્થિત વકફ બોર્ડની કચેરીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદ શહેર ઝોન-3 ઈન્ચાર્જ ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું કે, આરોપીઓએ 100 કરોડની મિલકત પર લોકો પાસેથી ભાડું વસૂલ્યું હતું. મકાન દીઠ 5 થી 7 હજાર પ્રમાણે 100 મકાનોનું ભાડું વસૂલવામાં આવતું હતું. દુકાન દીઠ 10 હજાર પ્રમાણે 10 દુકાનનું ભાડું વસૂલવામાં આવતું હતું. વર્ષ 2005થી ટ્રસ્ટના નામે ભાડું ઉઘરાવતા હતા. પાંચેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.