ડીસાના મહાદેવિયામાં નકલી ચલણી નોટોની ફેક્ટરી ઝડપાઈ
₹39 લાખની નકલી ચલણી નોટો સાથે બે શખ્સો પકડાયા, મુખ્ય આરોપી રાયમલસિંહ દરબાર ફરાર
મહાદેવીયા ગામના રાયમલસિંહ દરબારના ખેતરના રહેણાંક મકાનમાં નકલી નોટો છાપતાં હતાં
મહાદેવીયા ગામના રાયમલસિંહ દરબારના ખેતરના રહેણાંક મકાનમાં નકલી નોટો છાપતાં હતાં
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાંથી નકલી ચલણી નોટો બનાવવાની ફેક્ટરી ઝડપાતાં ચકચાર મચી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. બુધવારે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે શખ્સોન ધરપકડ કરી રૂપિયા 39 લાખની નકલી ચલણી નોટો સાથે તેને બનાવવાના સાધનો જપ્ત કર્યા છે. જ્યારે જેના ઘરમાં નોટો બનાવવામાં આવતી હતી તે મુખ્ય આરોપી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે.
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે 3 સપ્ટેમ્બરની મોડી રાત્રે મહાદેવિયા ગામની સીમમાં ખેતરમાં રહેતાં રાયમલસિંહ બનેસિંહ દરબારના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને નકલી ચલણી નોટો અને તેને બનાવવા માટેના સાધનો તેમજ સાહિત્ય મળી આવ્યું હતું. પોલીસે રૂપિયા 39 લાખની નકલી ચલણી નોટો સાથે સાધનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ઘટનાસ્થળેથી સંજય ભેમજીભાઈ સોની અને કૌશિક પ્રવિણભાઈ શ્રીમાળી નામના બે શખ્સોને ઝડપી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં તેમણે નકલી નોટો છાપતા હોવાની કબૂલાત કરી છે. બંને શખ્સો ડીસા તાલુકાના ઝેરડા ગામના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ મકાન માલિક રાયમલસિંહના મેળાપીપણામાં રહીને ગુનાહિત પ્રવૃત્તિ કરતાં હતા.
બનાસકાંઠા SP પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બંને શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે જેના ઘરમાં નકલી નોટો છાપવામાં આવતી હતી તે ઘર માલિક રાયમલસિંહ દરબાર ફરાર થઈ ગયો છે. તેથી તેની શોધખોળ હાથ ધરી છે. દરોડા દરમિયાન 500 રૂપિયાના દરની મોટી સંખ્યામાં નકલી નોટો મળી આવી છે. કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને નકલી નોટો બનાવતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાહિત ભૂતકાળ છે, રાયમલસિંહ સામે ખંડણી અને છેતરપિંડી સહિતના 16 ગુના નોંધાયા છે. તાજેતરમાં તે પાસામાંથી છૂટ્યો છે. આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
તેમણે ઉમેર્યું કે, દરોડા દરમિયાન ₹500ના દરની ₹27,47,000 કિંમતની કુલ 5494 નકલી નોટો, ઝેરોક્ષના કાગળો પર અનિયમિત આકારમાં કાપેલી ₹10,95,000ની કિંમતની ₹500ના દરની કુલ 2190 નકલી નોટો, બાળકો માટે રમવા માટે વપરાતી "ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા"ની ₹500ના આકારની 1600 નકલી નોટો, નકલી નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા 5 કલર પ્રિન્ટર તેમજ ઝેરોક્ષના કાગળ 8 રીમ, 5 પેપર કટર, કલર ઈન્ક અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?