વાડજમાં સગાને ફસાવવા કર્યું ડ્રગ્સ પ્લાન્ટ
કુટુંબિક ઝઘડામાં નિર્દોષને જેલભેગા કરવાની સાજિશ; પોલીસે કાવતરાખોર બે સગાની કરી ધરપકડ

પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી

પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી
અમદાવાદના વાડજ વિસ્તારમાં ફિલ્મી પ્લોટ જેવો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પારિવારિક અદાવતમાં સગાએ જ સગાને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવા માટે ગાડીમાં પ્રતિબંધિત નશીલા પદાર્થો પ્લાન્ટ કર્યા હતા. જોકે, પોલીસની સતર્કતા અને ઝીણવટભરી તપાસને કારણે આ કાવતરાનો પર્દાફાશ થયો છે અને નિર્દોષ વ્યક્તિ જેલના સળિયા પાછળ જતી બચી ગઈ છે.
સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે વાડજ પોલીસને પ્રદ્યુમન લુહાર નામના વ્યક્તિએ જાતે ફોન કરીને બાતમી આપી હતી. પ્રદ્યુમને પોલીસને જણાવ્યું કે, એક ઈકો ગાડી (નંબર GJ-01-HY-5232) માં શંકાસ્પદ વસ્તુઓ એટલે કે ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ ગાડી ગોપાલભાઈ લુહારની માલિકીની હોવાનું પણ તેણે જણાવ્યું હતું. બાતમીદાર પોતે સામે ચાલીને ચોક્કસ ગાડી નંબર સાથે માહિતી આપી રહ્યો હોવાથી પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી અને તુરંત જ દરોડો પાડ્યો હતો.
તપાસમાં શંકાની સોય: બાતમીદાર જ ડ્રગ્સ કાઢી બતાવ્યુંવાડજ પોલીસે જ્યારે ગોપાલભાઈની ઈકો ગાડીની તપાસ કરી ત્યારે શરૂઆતમાં ગાડીમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે ડ્રગ્સ મળી આવ્યું નહોતું. પોલીસની નિષ્ફળ તપાસ જોઈને માહિતી આપનાર પ્રદ્યુમન લુહાર અધીરો બન્યો હતો. તેણે પોલીસની હાજરીમાં જાતે જ ગાડીની અંદર હાથ નાખીને દસ જેટલી પડીકીઓ બહાર કાઢી બતાવી હતી.
પોલીસને આ બાબતે શંકા ગઈ કે જે વસ્તુ નિષ્ણાત પોલીસ જવાનોને ન મળી તે બાતમીદારને આટલી આસાનીથી કેવી રીતે મળી ગઈ? આ શંકાના આધારે પોલીસે જપ્ત કરેલી પડીકીઓને એફએસએલ (FSL) માં તપાસ માટે મોકલી આપી હતી. એફએસએલ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે તે પડીકીઓમાં 'આલ્ફ્રાઝોલમ' નામનું પ્રતિબંધિત ડ્રગ્સ હતું.
તપાસમાં ખુલેલો ચોંકાવનારો ખુલાસોપોલીસે જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગાડીના માલિક ગોપાલભાઈ અને બાતમી આપનાર પ્રદ્યુમન લુહાર વચ્ચે લાંબા સમયથી કુટુંબિક મિલકત કે અન્ય કોઈ બાબતે ઉગ્ર ઝઘડો ચાલતો હતો. આ અદાવતનો બદલો લેવા માટે પ્રદ્યુમને તેના અન્ય એક સાથી સંજય લુહારની મદદ લીધી હતી.
પોલીસે જ્યારે સંજય લુહારની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેણે ભાંગી પડીને કબૂલાત કરી હતી કે તેણે જ પ્રદ્યુમનના કહેવા પર ગોપાલભાઈની ઈકો ગાડીમાં ડ્રગ્સની પડીકીઓ છુપાવી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપાલભાઈને ગંભીર એનડીપીએસ (NDPS) ના કેસમાં જેલભેગા કરી તેમનું જીવન બરબાદ કરવાનો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડવાડજ પોલીસે નિર્દોષને ફસાવવાના આ મનીષી કાવતરામાં સામેલ મુખ્ય આરોપી પ્રદ્યુમન લુહાર અને તેને સાથ આપનાર સંજય લુહાર એમ બંનેની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે હવે આ દિશામાં તપાસ શરૂ કરી છે કે પ્રતિબંધિત 'આલ્ફ્રાઝોલમ' ડ્રગ્સ આ લોકો ક્યાંથી લાવ્યા હતા અને તેમાં અન્ય કોઈ ડ્રગ પેડલર સામેલ છે કે કેમ.
આ કિસ્સો સમાજ માટે એક લાલબત્તી સમાન છે કે અદાવતમાં માણસ કઈ હદ સુધી જઈ શકે છે, પરંતુ કાયદાની બાજ નજરથી બચવું અશક્ય છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય