લો બોલો...અમદાવાદ પોલીસને તપાસમાં મદદ કરનાર સાયબર એક્સપર્ટ ગઠીયો નીકળ્યો
કોલ સેન્ટરમાંથી પકડાયેલા આરોપીએ ખાનગી સાયબર એક્સપર્ટનો ભાંડો ફોડ્યો

આરોપી સાયબર એક્સપર્ટે વોલેટમાંથી 41 લાખની ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી લીધી હતી

આરોપી સાયબર એક્સપર્ટે વોલેટમાંથી 41 લાખની ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી લીધી હતી
અમદાવાદ પોલીસને તપાસમાં મદદ કરનાર સાયબર એક્સપર્ટનો કડવો અનુભવ થયો છે. સાયબર એક્સપર્ટે અમદાવાદ પોલીસ સાથે ઠગાઈ કર્યાનું સામે આવ્યુ છે. તપાસ માટે મદદ કરનાર સાયબર એક્સપર્ટ અમદાવાદ પોલીસને રમાડી ગયો છે. પોલીસની જાણ બહાર આરોપીના ક્રિપ્ટો વોલેટમાંથી 41 લાખની ક્રિપ્ટો કરન્સી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરીને ઉચાપત કરી ગયો હતો. આરોપીએ પોલીસને જાણ કરતાં સાયબર એક્સપર્ટનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ઠગાઈ કરનાર સાયબર એક્સપર્ટ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ડીસીપી ઝોન-6ના સ્ક્વૉડ દ્વારા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડીને 33 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કેસની તપાસ માટે ખાનગી સાયબર એક્સપર્ટની મદદ લીધી હતી. આ સાયબર એક્સપર્ટે મોબાઈલની ચકાસણીના નામે એક મોબાઈલમાં આવેલા બિનાન્સ ટ્રેડીંગ એકાઉન્ટમાં રહેલા 41 લાખની કિંમતના ક્રિપ્ટોને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. કોલ સેન્ટરના આરોપીએ ક્રિપ્ટોની ચોરી અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
DySP પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, 30 ડિસેમ્બર 2024ના દિવસે ડીસીપી ઝોન-6ની એલસીબીના પીએસઆઈ મનીષ બ્રહ્યભટ્ટ અને સ્ટાફે દાણીલીમડા બોમ્બે હોટલ પાસે આવેલી ઝૈનબ રેસીડેન્સીમાં દરોડો પાડી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા અયાઝ શેખની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 33 મોબાઇલ ફોન, રોકડ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ટેક્નિકલ એનાલિસિસ કરવા પોલીસે ખાનગી સાયબર અક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લીધી હતી. તેણે જપ્ત કરેલા 33 મોબાઇલ ફોન અને લેપટોપની ચકાસણી કરી રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ માટે તમામ મુદ્દામાલ ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલી અપાયો હતો.
કોલ સેન્ટર પર રેડ પડ્યા બાદ સંચાલકે પોતાનું જૂના નંબર પર નવું સીમકાર્ડ લઈ એક્ટિવેટ કરાવીને જમા ક્રિપ્ટો કરન્સી જોવા એકાઉન્ટ ચેક કર્યુ હતુ. ચેકિંગ દરમિયાન સામે આવ્યુ કે, પોતાના 48,300 યુએસ ડોલર અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે. આરોપીએ તાત્કાલિક પોલીસ કમિશનર અને DCPને જાણ કરી હતી. પોલીસે FSLમાં તપાસ સોંપતા સામે આવ્યું કે, જે રાત્રે રેડ પાડવામાં આવી હતી તે રાતે 12.30 વાગ્યે આરોપીના એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં 48,300 યુએસ ડોલર ટ્રાન્સફર થયા હતા.
તેમણે ઉમેર્યુ કે, FSLના ટેક્નિકલ સોર્સીસની મદદથી જાણવા મળ્યું કે, આ રકમ જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે તે એકાઉન્ટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલનું છે. પુરાવા મળતા જ મણીનગર પોલીસે સાયબર એક્સપર્ટ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપી દેવેન્દ્ર પટેલ ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે પોલીસ સાથે કામ કરે છે. તેણે વર્ક ટુ હોમ ઈન્ફોટેકનું કામ શરૂ કર્યુ હતું. તેણે અન્ય શખ્સની મદદથી વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરી આંગડિયામાં રૂપિયા મંગાવ્યાની કબૂલાત કરી હતી. આ રોકડ રકમનું તેણે રોકાણ કરી દીધુ હતું. સાયબર એક્સપર્ટે અગાઉ કઈ-કઈ જગ્યાએ પોલીસની મદદ કરી છે અને ક્યા-ક્યા ગુનાઓ આચર્યા છે તેની તપાસ કરવામાં આવશે.
કોલ સેન્ટરમાં કરેલી રેડની બાતમી પણ આરોપી સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલે જ આપી હતી. બાતમીદાર તરીકે તેને ગુપ્ત રાખવાની પોલીસની જવાબદારી હતી. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની પોલીસ દ્વારા તેની પાસે ચેક કરાવવામાં આવતા હતા. પોલીસે જ્યારે એક્સપર્ટને મદદ માટે બોલાવ્યા હતા ત્યારે મિત્રની મદદ લઈ તેણે પોતાના એકાઉન્ટમાં ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી લીધી હતી.
કેવી રીતે થયો સમગ્ર મામલાનો ઘટસ્ફોટ?
કોલ સેન્ટર કેસના આરોપી અયાઝ શેખે પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી કે, પોલીસે જપ્ત કરેલા 33 મોબાઇલ ફોન પૈકી એક મોબાઇલમાં તેનું બિનાન્સનું ટ્રેડીંગ એકાઉન્ટ હતું. જેમાં 48,300 જેટલા યુએસડીની કિંમતના ક્રિપ્ટો હતા. જેની ભારતીય કરન્સી મુજબની કિંમત આશરે 41 લાખ થતી હતી. તેને ઇમેઇલ આવ્યો હતો કે તેનું બિનાન્સનું એકાઉન્ટ બ્લોક છે અને ક્રિપ્ટો અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. આ બાબતે ડીસીપી રવિ મોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ક્રિપ્ટો વોલેટની વિગતો મળતા પોલીસે ખાનગી સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલને બોલાવીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે શેખ અયાઝના એક મોબાઇલ ફોનમાં બિનાન્સ ટ્રેડિંગ એકાઉન્ટમાં રહેલી તમામ ક્રિપ્ટો કરન્સી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. સમગ્ર કેસની તપાસ યોગ્ય રીતે થાય તે માટે દેવેન્દ્રનો મોબાઇલ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલ્યો હતો. જેમાં તેણે અયાઝ શેખનું બિનાન્સ એકાઉન્ટ બ્લોક કરાવ્યાનુ પણ ખુલ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.