લો બોલો.. હવે સુરતમાં નકલી વિઝા ફેક્ટરી પકડાઈ
પ્રતિક શાહ નામનો શખ્સ નકલી વિઝા બનાવતો હતો, 10 વર્ષમાં 700 નકલી સ્ટિકર બનાવ્યાં
એક સ્ટિકરના 15 હજાર લેતો હતો, નકલી વિઝાના આધારે કેટલાક લોકો વિદેશ જતા રહ્યાં
એક સ્ટિકરના 15 હજાર લેતો હતો, નકલી વિઝાના આધારે કેટલાક લોકો વિદેશ જતા રહ્યાં
ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના શખ્સને ઝડપીને નકલી વિઝા ફેક્ટરીનો ખુલાસો કર્યો છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટિકરો મળી આવ્યા છે. પોલીસને પ્રતિક શાહ પાસેથી 5 વિઝા સ્ટિકર મળ્યાં છે.
સુરત શહેર SOG અને PCBની ટીમોએ સંયુક્ત ઓપરેશન કરી રાંદેર વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરી પ્રતિક ઉર્ફે અભિજિત નિલેશ શાહને ઝડપી પાડ્યો છે. પ્રતિક શાહ UK, CANADA, EUROPE, SERBIA, MACEDONIA જેવા વિવિધ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે.
પ્રતિક શાહ દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને નકલી વિઝા સ્ટિકર્સ વેચતો હતો. તેણે 10 વર્ષમાં 700 નકલી સ્ટિકર બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે. એક સ્ટિકર બનાવવાના તે 15 હજાર લેતો હતો. નકલી સ્ટિકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હાલમાં તેની સાથે કોણ સંડોવાયેલું છે અને ક્યાં એજન્ટોને તે નકલી વિઝા સ્ટિકર પહોંચાડતો હતો તે દિશામાં તપાસ શરૂ કરીને 6 એજન્ટોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રતિક શાહે જણાવ્યું કે, એકદમ સાચું લાગે એવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો. એક સ્ટિકર બનાવવામાં તેને 7 દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટિકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો.
પોલીસે ઝઘડિયા ચોકડી પાસેના ફ્લેટમાં દરોડા પાડી પ્રતિકની ધરપકડ કરી છે. રેકેટમાં સંડોવાયેલા અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ પરથી લેપટોપ, અલગ અલગ દેશોનાં વિઝા સ્ટિકર્સ અને અન્ય પરચૂરણ સામગ્રી મળી કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે શ્રીજીનગરી સોસાયટી નજીક સમોર રેસિડેન્સીના ફ્લેટ નંબર 202માં પ્રતિક ઉર્ફે અભિજિત નિલેશ શાહ નકલી વિઝા સ્ટિકર્સ બનાવી એજન્ટો મારફતે લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતો હતો.
આરોપીની પૂછપરછમાં કેટલાક નામ સામે આવ્યાં છે. જેમાં આણંદમાં રહેતો કેતન દિપક સરવૈયા, બેંગકોક (થાઈલેન્ડ)માં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજિતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ લોકોને વિદેશ મોકલવા માટેના વિઝા આપવાનું કામકાજ કરતા હતા.
તમામ એજન્ટો વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી મોટી રકમ લઈને બોગસ સ્ટિકર્સ બનાવી તેમની સાથે છેતરપિંડી કરતા હતા. પ્રતિક તેમની પાસેથી એક બોગસ વિઝા સ્ટિકર બનાવી આપવા બદલ રૂપિયા 15 હજાર લેતો હતો.
પોલીસના દરોડા દરમિયાન ફ્લેટમાંથી અલગ અલગ પાંચ દેશોનાં નકલી વિઝા સ્ટિકર્સ મળ્યાં છે. જેમાં બાબર ડેવિડ અને સિંહ સુમિતના ચેક રિપબ્લિક, નરેશ પટેલના યુકે, ઘાગ અનિલના જર્મની અને સિંધુ શિવાનીના કેનેડાના સ્ટિકર્સ પકડાયા છે. આ ઉપરાંત યુકે દેશના પટેલ ચિરાગકુમાર, બોખરિયા વિજય, પટેલ વૈદેહી અને નરેશ પટેલનાં 5 સ્ટિકર્સ મળ્યાં છે. પોલીસે તમામ નકલી વિઝા સ્ટિકર્સ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પ્રતિક શાહનો ભૂતકાળ પણ ગુનાહિત છે. તેની સામે અગાઉ વિઝા સંબંધિત કૌભાંડોના અનેક ગુના નોંધાયેલા છે. તેના વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં 1, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 2 ગુના નોંધાયેલા છે.
નકલી ડ્રગ્સ ફેક્ટરી અને નકલી દાગીનાની ફેક્ટરી ઝડપાઈ હતી
સુરતમાં 7 દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે વેલંજા વિસ્તારના બંધ ફ્લેટમાં ચાલતી નકલી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. ફેક્ટરીમાં 12 ગ્રામ જેટલાં ડ્રગ્સ સાથે 6 શખ્સોને પકડી લીધા હતા. આ ઉપરાંત મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ મટિરિયલ પણ જપ્ત કર્યું હતું. જ્યારે બે મહિના પહેલાં સરથાણા વિસ્તારમાંથી ઝોન 1 LCBએ નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ પકડી હતી. પોલીસે 12 આરોપીની ધરપકડ કરીને બનાવટી સોનાના દાગીના બનાવવા માટે વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા 12 શખ્સમાંથી અમરેલી જિલ્લાના 5, ભાવનગર જિલ્લાના 4, ગીર સોમનાથ જિલ્લાનો 1 અને મહારાષ્ટ્રના 2 શખ્સો હતા.

અમદાવાદના થલતેજના Shakti 140 ફ્લેટમાં 26 વર્ષીય દીપિકા ગોગીયાનું મોત થયું. બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી, જ્યારે મોતનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.