રાજકોટમાં બાળમજૂરીનો પર્દાફાશ: પશ્ચિમ બંગાળના 21 બાળકો મુક્ત કરાયા
સોશિયલ મીડિયા પર તૃણમૂલ કોંગ્રેસે કરેલા ખુલાસા બાદ પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી

બાળ મજૂરી કરાવનાર અજીત મુલ્લા નામના શખ્સની ધરપકડઃ ઈમિટેશનની કરાવતા હતા કામગીરી

બાળ મજૂરી કરાવનાર અજીત મુલ્લા નામના શખ્સની ધરપકડઃ ઈમિટેશનની કરાવતા હતા કામગીરી
રાજકોટમાં પશ્ચિમ બંગાળના 21 બાળકોને ગોંધી રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવાતી હોવાનો ખુલાસો થયો છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યા બાદ SOGએ 21 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. રાજકોટ શહેર પોલીસે બાળ મજૂરી કરાવનાર અજીત મુલ્લા નામના શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. છેલ્લા 4-5 વર્ષથી અજીત મુલ્લા પશ્ચિમ બંગાળમાંથી બાળકોને લાવી બાળમજૂરી કરાવતો હોવાનું ખુલ્યું છે. રાજકોટ પોલીસે પશ્વિમ બંગાળ પોલીસને જાણ કરતાં તપાસ માટે રાજકોટ પહોંચી છે.
રાજકોટ શહેર પોલીસે બેડીચોક નજીક ગોપાલ રેસિડેન્સીની શેરી નંબર-1ના એક મકાનમાંથી 21 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. ગુરુવારે (5 જૂન) રાત્રે કાર્યવાહી હાથ ધરી તમામ બાળકોને મુક્ત કરાવી તેમને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા હતા. બાળકો સાથે કોઈ બળજબરી કે શારીરિક હિંસા કરવામાં આવી છે કે કેમ તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. બાળકોને ઇમિટેશનના કામ માટે રાખવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
રાજકોટ શહેર એસીપી બી.વી.બસિયાએ જણાવ્યુ કે, 21 બાળકોમાંથી 16 બાળકો સગીર છે. કોન્ટ્રાક્ટર દર મહિને બાળકને 8 હજાર રૂપિયા આપતો હતો. તમામ બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે. અમે 2 જૂનથી બાળકોની શોધમાં હતા. એક મકાનમાં તપાસ કરી હતી. પરંતુ ત્યાં બાળકો મળ્યા નહોતા. તપાસ પહેલાં બીજા સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. આ મામલે પશ્વિમ બંગાળમાં પણ એક ગુનો દાખલ કરાયો છે. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર બાબત અંગે પશ્વિમ બંગાળ પોલીસને જાણ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ બાળકો મૂળ પશ્ચિમ બંગાળના છે. ઇમિટેશનનું કામ કરાવવા રાજકોટ લાવવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે બાળકોને અલગ-અલગ સમયે છેલ્લાં 2 વર્ષથી રાજકોટમાં ગોંધી રાખ્યા હતા. તમામ બાળકો પાસે બાળ મજૂરી કરાવતો હતો. બાબુભાઈ બાળા નામના શખ્સના મકાનમાંથી બાળકો મળ્યા છે. મકાન માલિકે ભાડા કરાર કર્યો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભાડા કરાર કરવામાં નહીં આવ્યો હોય તો ગુનો દાખલ કરવામાં આવશે.
આરોપી અજીત ઉલ્લાએ બાબુભાઈ ગોપાલભાઈ બાળાનું મકાન ભાડે રાખી બાળકો પાસે ઇમિટેશનની મજૂરી કરાવતો હતો. અજીત ઉલ્લા સામે બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ હેઠળ ગુનો નોંધી પરિવારજનોને જાણ કરી બાળકોને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં આ રેકેટ આંતરરાજ્ય હોવાનું મનાઈ રહ્યું છે. બંગાળથી બાળકોને ગુજરાત લાવી તેમની પાસે મજૂરી કરાવવા ઉપરાંત ભીખ મંગાવવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ગેંગ અન્ય રાજ્યોમાં સક્રિય છે અને બંગાળી શખ્સ સાથે કેટલાં લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં અજીત ઉલ્લા સામે બાળકો પાસે મજૂરી કરાવવા બાબતે ગુનો નોંધાયેલો હોવાનું અને તે ફરાર હોવાનું સામે આવ્યું છે. બંગાળ પોલીસે આપેલી ચોક્કસ માહિતીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બંગાળ પોલીસની ટીમે રાજકોટ આવી અજીત ઉલ્લાનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.
બાળકોને ગોંધી રાખનાર શખ્સે હેવાનિયતની હદ્દ વટાવ્યાની વિગતો સામે આવી છે. આરોપીએ બાળકો પર દમન ગુજાર્યું હોય તેવું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાળકોને ગુરૂવારે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યાં હતા. જેમનો રિપોર્ટ આવતાં પોલીસ ચોંકી ગઈ હતી. બાળકો કામ ન કરે અથવા વતન જવાનું નામ લે તો આરોપી હથિયારોથી ફટકારતો હોવાની તેમજ કારખાનામાં ગોંધી રાખી દમન ગુજારતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીના અસહ્ય ત્રાસથી કંટાળી એક બાળક ભાગી જવામાં સફળ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
તૃણમૂલ કોંગ્રેસે શું ટ્વિટ કર્યુ હતું?
ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડબલ એન્જિનવાળા રાજ્ય ગુજરાતમાં માત્ર બાળ મજૂરી ચાલતી નથી. પરંતુ તેની સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવી રહ્યું છે. કાલનાના ગણેશ દુર્લભ નામના એક બાળકને ગુજરાતની એક જ્વેલરી ફેક્ટરીમાં કામ કરવા મજબૂર કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. તેને ગંભીર ઇજાઓ અને ઘેરો આઘાત લાગ્યો હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો. ભાજપ બંગાળ પ્રત્યેના તિરસ્કારના લીધે આપણા લોકો સાથે ખુલ્લેઆમ ધૃણાસ્પદ કૃત્યો કરતી હોવાનો પોસ્ટમાં આક્ષેપ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.