યૌન શોષણનો આરોપમાં ચૈતન્યાનંદની ધરપકડ!
વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ અને ટ્રસ્ટના નામે કરોડોનો દુરુપયોગ-ચૈતન્યાનંદના ગુનાઓ પર પ્રશ્નો
સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ
સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ
આધ્યાત્મિક ગુરુના વેશમાં છુપાયેલા એક હેવાનનો પર્દાફાશ થયો છે. દિલ્હીના એક પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ અધ્યક્ષ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની વિદ્યાર્થીનીઓનાં યૌન શોષણના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર આ આરોપીને દિલ્હી પોલીસે આગ્રાની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો છે, જેના પગલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.
ભગવા વસ્ત્રો પાછળ છુપાયેલી હેવાનિયત
પોલીસના જણાવ્યા અનુસાર, ચૈતન્યાનંદ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી છોડીને ફરાર હતો અને આગ્રામાં છુપાયેલો હતો. તેની છેલ્લી લોકેશન ટ્રેસ થયા બાદ દિલ્હી પોલીસની ટીમે મોડી રાત્રે 3.30 કલાકે આગ્રાની એક હોટેલ પર દરોડો પાડીને તેની ધરપકડ કરી. આ ધરપકડ સાથે જ એક એવા કાળા સામ્રાજ્યનો અંત આવ્યો છે, જેમાં આધ્યાત્મિક ગુરુના નામે ડઝનબંધ વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કરવામાં આવ્યું હોવાના આરોપો છે.
ચૈતન્યાનંદ પર આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની વિદ્યાર્થીનીઓનું આર્થિક અને યૌન શોષણ કરવાનો આરોપ છે. માર્ચ 2025માં એક વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી હતી કે 60,000 રૂપિયાનું દાન આપવા છતાં તેની પાસે વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે તપાસ કરતા પોલીસને સનસનીખેજ ખુલાસા થયા. 30થી વધુ વિદ્યાર્થીનીઓની વર્ચ્યુઅલ મીટિંગમાં અનેક યુવતીઓએ ચૈતન્યાનંદ દ્વારા યૌન શોષણ, છેડછાડ અને ધમકીઓ આપવાના ભયાનક અનુભવો વર્ણવ્યા હતા.
લંડન ટ્રીપ અને ફેલ કરવાની ધમકીઓનું હથિયાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 62 વર્ષીય આ આરોપી વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે પોતાના ક્વાર્ટરમાં બોલાવતો હતો અને તેની ‘ખ્વાહિશો’ પૂરી કરવા દબાણ કરતો હતો. જો કોઈ વિદ્યાર્થીની ના પાડે તો તેને ફેલ કરવાની ધમકી અપાતી હતી. આ સિવાય, તે વિદ્યાર્થીનીઓને લંડન ટ્રીપનું ગાજર બતાવીને ફસાવતો હતો. આ ષડયંત્રમાં તેણે મહિલાઓની એક ટીમ પણ બનાવી હતી, જેઓ વિદ્યાર્થીનીઓની ચેટ્સ ડિલીટ કરાવતી હતી, જેથી કોઈ પુરાવા ન રહે.
કરોડોની સંપત્તિ અને ટ્રસ્ટના નામે કૌભાંડ
ચૈતન્યાનંદ માત્ર યૌન શોષણ જ નહીં, પરંતુ નાણાકીય કૌભાંડમાં પણ સામેલ હોવાનો આરોપ છે. તેના 18 બેંક એકાઉન્ટ, 28 FD અને 18 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેણે 'શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ'ના નામે બનાવટી ટ્રસ્ટ બનાવીને સંસ્થાની કરોડોની સંપત્તિનો દુરુપયોગ કર્યો હતો.
આરોપીએ ધરપકડથી બચવા માટે અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દેતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતા જોતા પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તેની કસ્ટડી જરૂરી છે.
ચૈતન્યાનંદની ધરપકડથી સમાજમાં ફેલાયેલી આસ્થા અને ગુરુ-શિષ્ય પરંપરા પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ મામલો દર્શાવે છે કે ભગવા વસ્ત્રો પહેરીને ફરતા દરેક વ્યક્તિ 'આધ્યાત્મિક' હોય તે જરૂરી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?